નીતા અંબાણીને ઉત્કૃષ્ટ સમાજિક યોગદાન બદલ હ્યુમેનિટેરિયન એવોર્ડ

Thursday 26th March 2026 10:11 EDT
 
 

મુંબઇઃ રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને અધ્યક્ષ નીતા અંબાણીને પ્રતિષ્ઠિત કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ (કેઆઈએસએસ) હ્યુમેનિટેરિયન એવોર્ડ (માનવતાવાદી પુરસ્કાર) 2025થી સન્માનિત કરવામાં આવ્યા છે. શ્રીલંકાના નોબેલ પુરસ્કાર વિજેતા મોહન મુનાસિંઘે અને સંસ્થાના સ્થાપક ડો. અચ્યુત સામંતે તેમને આ પુરસ્કાર પ્રદાન કર્યો હતો.
રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, મહિલા સશક્તિકરણ અને રમતગમતમાં ઉત્કૃષ્ટ સામાજિક યોગદાન બદલ નીતા અંબાણીનું આ સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે હજારો આદિવાસી વિદ્યાર્થીઓને સંબોધતા નીતા અંબાણીએ મહિલા સમાનતા અને હિંમત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, ‘આપણા પુત્રો જે કરી શકે છે, તે આપણી પુત્રીઓ પણ કરી શકે છે. બન્ને વચ્ચે કોઈ ફરક નથી.’ તેમણે વિદ્યાર્થીઓને કહ્યું કે તેમની વર્તમાન પરિસ્થિતિ ફક્ત શરૂઆત છે, મુકામ નહીં. તેમની સફળતા તેમના સપનાની હિંમત અને સખત મહેનત દ્વારા નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે મને ભરોસો છે કે ભારતનું ભવિષ્ય અત્યંત ઉજ્જવળ છે.
ઉલ્લેખનીય છે કે 2008માં સ્થાપિત, આ પુરસ્કાર માનવતાવાદી સેવાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ વ્યક્તિઓને આપવામાં આવે છે. અગાઉ, આ સન્માન રતન ટાટા, દલાઈ લામા અને અનિરુદ્ધ જગન્નાથ જેવા મહાનુભાવોને આપવામાં આવ્યું છે. કેઆઈએસએસ વિશ્વની સૌથી મોટી આદિવાસી યુનિવર્સિટી છે. અહીં 80 હજાર બાળકોને કિન્ડરગાર્ટનથી લઈને પીજી સુધીનું મફત શિક્ષણ અને રહેવાની સુવિધા મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter