આજના સમયમાં પ્રદૂષણ, તણાવ, અનિયમિત ખોરાક અને વ્યસ્ત જીવનશૈલીના કારણે ત્વચાનું કુદરતી તેજ ધીમે ધીમે ઓસરતું જાય છે. મોંઘી પ્રોડક્ટ્સનો ઉપયોગ કર્યા પછી પણ ચહેરા પર ગ્લો દેખાતો નથી. આવા સમયે ડિટોક્સ સ્કિનકેર ખૂબ અસરકારક છે. ડિટોક્સ એટલે સરળ ભાષામાં શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વો દૂર કરીને કુદરતી તેજ પાછું લાવવું.
ડિટોક્સ સ્કિનકેર કેમ જરૂરી? ધૂળ, ધુમાડો, કેમિકલવાળી પ્રોડક્ટ્સ અને અનહેલ્ધી ડાયેટ ત્વચાના પોર્સ એક યા બીજા પ્રકારે બ્લોક કરે છે. પરિણામે ચહેરા પર ફિકાશ, પિમ્પલ્સ અને ડલનેસ આવે છે. ડિટોક્સ સ્કિનકેર ત્વચાને અંદરથી શુદ્ધ કરે છે અને ગ્લો આપે છે. આ સ્થિતિમાં તમે શું કરી શકો? ઘરે બેઠાં કેટલાક ઉપાય અજમાવો અને તમારી ત્વચાને નિખારો.
થોડાક નેચરલ ડિટોક્સ સ્કિનકેર ઉપાય
સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુ અને થોડું મધ નાખીને પીવું. તાજા ફળ અને લીલા શાકભાજી દરરોજ ખાવા. નેચરલ અથવા ઓર્ગેનિક પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો. અહીં સરળતાથી કરી શકો એવું સાત દિવસનું રૂટિન બનાવી આપ્યું છે. તેને ફોલો કરી ત્વચાને નેચરલી ડિટોક્સ કરી ગ્લો મેળવો.
• ક્લીનઝીંગ અને પોષણ માટે શું કરશો?
ચણાનો લોટ - દૂધ અને ગુલાબજળ આ ત્રણેય વસ્તુ મિક્સ કરીને ચહેરા પર લગાવો. 10 મિનિટ બાદ હળવાં હાથે મસાજ કરો અને ધોઈ નાખો. આનાથી સૌથી મોટો ફાયદો એ થશે કે ત્વચા ડીપ ક્લીન થઈને નરમ અને ચમકદાર બને છે.
• હાઇડ્રેશન કેર કઇ રીતે કરશો? તાજી એલોવેરા જેલ ચહેરા અને ગળા પર લગાવો. લગભગ 15 મિનિટ બાદ ધોઈ નાખો. આનાથી લાભ એ થશે કે સ્કિન હાઇડ્રેટ થશે અને ઠંડકનો અનુભવ કરશો.
• ગ્લો માસ્ક કઇ રીતે કરશો? હળદર - દહીં અને મધ આ ત્રણેયને મિક્સ કરીને આ માસ્ક ચહેરા પર લગાવો. 20 મિનિટ બાદ ચહેરો ધોઈ નાખો. આનથી ત્વચા પર કુદરતી તેજ આવશે અને અને ત્વચા એકદમ સોફ્ટ લાગશે.
• ફ્રુટ થેરાપીમાં શું કરશો? પાકા પપૈયાનો પલ્પ ચહેરા પર લગાવો. 15 મિનિટ બાદ ઘસીને પાણી વડે ધોઈ નાખો. આનાથી ચહેરા પરની ડલનેસ દૂર થઈને ગ્લો આવશે.
• કૂલિંગ - ટોનિંગ કઇ રીતે કરશો? કાકડીનો રસ કાઢી લો અને તેને કોટન વડે ચહેરા પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ નાખો. આનાથી લાભ એ થશે કે સનટેન અને કરચલીઓ દૂર થશે.
• બ્રાઈટનિંગ ટ્રીટમેન્ટ કઇ રીતે કરશો? લીંબુનો રસ અને મધ એકદમ મિક્સ કરીને ચહેરા પર લગાવી લો. દસેક મિનિટ પછી ચહેરો ધોઈ નાખો. હા, એટલું ધ્યાન રાખશો કે સેન્સિટિવ સ્કિન હોય તો લીંબુના રસનું પ્રમાણ ઓછું રાખો. આ ઉપચારથી સ્કિન બ્રાઈટ દેખાશે.
સ્કિન રિલેક્સેશન કઇ રીતે કરશો? સ્ટીમ, ઓટ્સ અને મધનો સ્ક્રબ. સૌથી પહેલા પાંચ મિનિટ માટે ચહેરાને સ્ટીમ આપો. આ પછી મધ અને ઓટ્સ મિક્સ કરીને ત્વચા પર સ્ક્રબ કરો અને ચહેરો ધોઈ નાખો. આનાથી ત્વચાના પોર્સ સાફ થશે અને સ્કીન એકદમ સાફ દેખાશે.


