નેહા નારખેડેઃ જિંદગીમાં આપબળે આગળ વધેલી સૌથી યુવા મહિલા ઉદ્યોગ સાહસિક

મૂળ પૂણેની ભારતીય અમેરિકન યુવાન મહિલા એન્ટ્રેપ્રીન્યોર નારખેડે રૂ. 4700 કરોડની આસામીઃ કોન્ફ્લુઅન્ટ સહસ્થાપક નેહા નારખેડેને ઈન્ડિયા‘ઝ રિચ લિસ્ટ 2022 માં સ્થાન

Wednesday 05th October 2022 08:03 EDT
 
 

લંડનઃ સ્ટ્રીમિંગ ડેટા ટેકનોલોજી કંપની કોન્ફ્લુઅન્ટની ભારતીય અમેરિકન સહસ્થાપક નેહા નારખેડેએ ઈન્ડિયા‘ઝ રિચ લિસ્ટ 2022માં સ્થાન હાંસલ કર્યું છે. IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટના જણાવ્યા મુજબ 37 વર્ષીય નેહા નારખેડે ભારતીય રિચ લિસ્ટમાં સ્વબળે આગળ આવેલી સૌથી યુવાન મહિલા એન્ટ્રેપ્રીન્યોર છે. તેની સંપત્તિ અંદાજે રૂપિયા 4700 કરોડ (522.5 મિલિયન પાઉન્ડ/ 580.5 મિલિયન ડોલર) છે અને 1103 ધનપતિઓના IIFL વેલ્થ હુરુન રિચ લિસ્ટમાં 336મો ક્રમ ધરાવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ભારતના મહારાષ્ટ્રના પૂણેમાં જન્મેલી નેહા નારખેડેએ યુનિવર્સિટી ઓફ પૂણેમાંથી એન્જિનીઅરિંગમાં બેચલર ઓફ સાયન્સની ડીગ્રી અને જ્યોર્જિઆ ટેક.માંથી માસ્ટર્સ ઓફ ટેકનોલોજીની ડીગ્રી હાંસલ કરી હતી. નેહા નારખેડેએ ફોર્બસ સાથેના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે ટેકનોલોજીમાં કારકિર્દી માટે તેણે અમેરિકા સ્થળાંતર કર્યું હતું. અભ્યાસ પછી નેહાએ ઓરેકલ અને લિન્ક્ડઈનમાં કામ કર્યું હતું જ્યાં સાથીઓ જૂન રાવ અને જય ક્રેપ્સ સાથે મળીને ઓપન સોર્સ પ્લેટફોર્મ અપાચે કાફ્કા સ્થાપ્યું હતું. આ ત્રિપુટીએ 2014માં Confluentની સ્થાપના કરી હતી જેમાં નારખેડેની કામગીરી ચીફ ટેકનોલોજી ઓફિસર અને પછી ચીફ પ્રોડક્ટ ઓફિસર તરીકેની રહી હતી. હાલ તે કંપનીના બોર્ડ પર છે. કંપની 2021માં 9.1 બિલિયન ડોલરના વેલ્યુએશન સાથે જાહેર કંપનીમાં ફેરવાઈ હતી.

IIFL Wealth અને Hurun Indiaના સંયુક્ત નિવેદન મુજબ સંયુક્ત સંપત્તિમાં 9.4 ટકાનો વધારો અને સરેરાશ સંપત્તિમાં 1 ટકાનો ઘટાડો નોંધાયો છે. 601 વ્યક્તિની સંપત્તિ વધી છે અથવા યથાવત રહી છે જ્યારે 415 વ્યક્તિની સંપત્તિમાં ઘટાડો થયો છે. રિચ લિસ્ટમાં 149 નવા ચહેરા છે અને 50 વ્યક્તિએ સ્થાન ગુમાવ્યાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં 221 બિલિયોનેર છે જે ગયા વર્ષની સરખામણીએ 16 ઓછાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter