પગની દુર્ગંધ કરો દૂર

Wednesday 08th July 2015 08:51 EDT
 
 

સમરને આપણે ફેશનની સિઝન ગણાવી શકીએ. આ ઋતુમાં યુવતીઓ સ્લીવલેસ કપડાં અને શોર્ટ્સ આરામથી પહેરી શકે છે. ટ્રેનમાં પણ ગર્લ્સ તમને શોર્ટ્સ અને કોટનનાં કપડાંમાં વધારે જોવા મળશે. તેમનાં ફુટવેઅરમાં પણ વિવિધતા જોવા મળે. સૂર્યપ્રકાશથી બચવા માટે ગર્લ્સ એકદમ પાતળા સ્કિન કલરના મોજાં પહેરે છે. એની સાથે મોટા ભાગે નાજુક ડિઝાઇનવાળા ચંપલ, બેલી કે શૂઝ પહેરેલા જોવા મળે. દરેકની પસંદગી જુદી-જુદી હોય છે. મોટા ભાગની ગર્લ્સ પગની ત્વચાને બચાવવા માટે પૂરી કવર કરી લેતી હોય છે. આવી રીતે ફેશન અને પગની ત્વચાનું રક્ષણ તો થાય છે, પરંતુ પગમાંથી જે દુર્ગંધ આવવાની શરૂ થાય છે એનું શું?

તમે જ્યારે પગમાંથી શૂઝ કાઢો અને રૂમમાં પગ મૂકો ત્યારે શું એ રૂમ સ્વચ્છ હોય છે? તમારા પગ સાથે નરી આંખે જોઈ ન શકાતી ગંદકી ચોંટે છે. તમે ભલે તમારા પગની દુર્ગંધને ઓળખી નથી શકતા, પરંતુ તમારી આજુબાજુવાળાના નાક બહુ જ સંવેદનશીલ હોય છે. તેમના ચહેરા પર તરત જ અણગમાના ભાવ જોવા મળશે. પગની આ દુર્ગંધ તબીબી ભાષામાં બ્રોમ્હિડ્રોસિસ તરીકે ઓળખાય છે.

વ્યક્તિના પગ ભીના પગ હોય કે શૂઝ-મોજાં પહેરેલાં હોય તો બેક્ટેરિયા આવા પગ તરફ જલદીથી આકર્ષાય છે. આવા સંજોગો બેક્ટેરિયાને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે સારું વાતાવરણ પૂરું પાડે છે. પગના તળિયામાં રહેલી પરસેવો કરતી હજારો ગ્રંથિઓ સોડિયમ ક્લોરાઇડ, ચરબી, ખનીજ અને વિવિધ પ્રકારના એસિડનું મિશ્રણ પેદા કરે છે. અમુક પ્રકારના બેક્ટેરિયા આ પરસેવામાં વધુ પ્રસરે છે. આવા બેક્ટેરિયાથી બચવા માટે પગને ડીઓડરન્ટ સાબુથી ધુઓ. બેક્ટેરિયાનો નાશ થશે.

નિષ્ણાત બ્યુટિશ્યનોની સલાહ છે કે જો તમારા પગમાં વધુ પરસેવો થતો હોય તો પાણીમાં અડધો કપ આખું મીઠું નાખો અને એમાં તમારા પગને પલાળો. પગને એમાં થોડી વાર રાખ્યા બાદ એને સાદા પાણીથી ધોવા નહીં, પરંતુ સુકાવા દેવા એનાથી તળિયાંની ત્વચા થોડી શુષ્ક થશે અને દુર્ગંધ આવવાની શક્યતા ઓછી થઈ જશે.

આ સિવાય પણ બીજા કેટલાક ઉપાયો છે. તમે જેવી રીતે બગલની દુર્ગંધથી બચવા માટે ડીઓડરન્ટ કે એન્ટિપસ્પિરન્ટનો ઉપયોગ કરો છો એવી જ રીતે તમે એનો ઉપયોગ પગની દુર્ગંધથી બચવા માટે પણ કરી શકો છો. તમે જે પ્રોડક્ટનો ઉપયોગ કરો એના લેબલને ધ્યાનથી વાંચશો તો આ સમજાઇ જશે. તેના પર સ્પષ્ટ લખેલું હોય છે કે ડીઓડરન્ટમાં એન્ટિ-બેકટેરિયલ રસાયણ હોય છે, જે બેક્ટેરિયાને મારી નાખે છે. એનાથી પરસેવો બંધ નથી થતો, પરંતુ દુર્ગંધ અટકી જાય છે.

સૌથી દેશી અને સરળ ઉપાય છે પાઉડરનો ઉપયોગ. પાઉડરમાં એલ્યુમિનિયમ ક્લોરાઇડ હેક્ઝાહાઇડ્રેટ હોય છે. સાદી ભાષામાં કહીએ તો પરસેવાવિરોધી રસાયણ. પગમાં પરસેવાની સમસ્યા સર્જાતી હોય છે મોજાના લીધે. તમે જેવા મોજા પહેરો છો એવી અસર તમારા પગ પર થવા લાગે છે.

આથી જ નિષ્ણાતો હંમેશાં એવી સલાહ આપે છે કે તમારા પગ શ્વાસ લઈ શકે એવાં મોજા પહેરવાં. વિવિધ પ્રકારનાં મોજા ફેશનને તો અવશ્ય અકબંધ રાખશે, પણ આ માટે સૌથી પહેલાં તો એ તપાસી લો કે તમારી ત્વચાને ક્યા પ્રકારનું કાપડ અનુકૂળ આવે છે. કેટલાક લોકો કોટન અથવા ઊનનાં મોજા પહેરવાનું પસંદ કરે છે તો કેટલાક એક્રિલિક તથા અન્ય મટીરિયલ્સનાં મોજાં પહેરવાનું પસંદ કરે છે. તમે બધાં જ મટીરિયલ્સ વારાફરતી એક-એક વખત પહેરીને જોઈ શકો છો કે ક્યા મોજાં તમારા પગને શુષ્ક રાખે છે.

જો શક્ય હોય તો દિવસમાં એક વખત મોજાં બદલો. એ જ મોજાં ધોયા વગર બે દિવસ સુધી પહેરવાં નહીં. સફેદ રંગનાં મોજાંમાં ડાઈ હોતી નથી અને એ એકદમ ચોખ્ખાં થઇ શકતાં નથી. આથી સફેદ મોજાંને અવગણી શકાય. આના બદલે રંગીન મોજા પસંદ કરો. ફેશન સાથે પણ મેચ થશે, અને કલરફૂલ પણ લાગશે.

તમે પ્રસંગોપાત ભલે શૂઝ પહેરો, પણ શક્ય હોય ત્યાં સુધી સેન્ડલની જ પસંદગી કરો. તમારા પગમાં હવાની અવરજવર સરળતાથી થશે. આનાથી પરસેવાનું બાષ્પીભવન થઈ જાય છે અને દુર્ગંધની પ્રક્રિયા એકદમ ધીમી પડી જશે. જો સેન્ડલ ન પહેરવાં હોય તો લેધર અથવા કેન્વાસના શૂઝ પર પસંદગી ઉતારવી. શક્ય હોય તો રબર કે સિન્થેટિક મટીરિયલનાં શૂઝને અવગણવાં હિતાવહ છે.

પગરખાંની માવજત

સ્નીકર્સ તેમ જ કેન્વાસના અન્ય ફુટવેઅરને તમે વોશિંગ મશીનમાં પણ ધોઈ શકો છો. જોકે ડ્રાયરથી સૂકવવાને બદલે કુદરતી રીતે સુકાવા દેવાં. એ સિવાય શૂઝમાં થોડી હવા જાય એ માટે એને પગમાંથી કાઢ્યા બાદ ફરી પહેરવા હોય તો થોડી વાર રહીને પહેરવાં. તમારી પાસે બે જોડી શૂઝ રાખવાં. વારાફરતી એને પહેરવાં, જેથી પરસેવાની સમસ્યાને મહદંશે નિવારી શકાય. જે શૂઝ ન પહેરો તેને તડકામાં મૂકી દેવાં. તમારા શૂઝની અંદર કોર્નસ્ટાર્ચ નાખવું જેથી એ ભેજ શોષવામાં મદદરૂપ બનશે અને પગને સૂકા રાખશે.

ઇલાજ તમારા કિચનમાં

તમારા શૂઝમાં એક કે બે ચમચી બેકિંગ સોડા નાખીને રહેવા દો. બેકિંગ સોડા દુર્ગંધને શોષવાનું કામ કરશે. જો સુગંધ ભેળવવી હોય તો એક હવાચુસ્ત ડબ્બીમાં ૩ ચમચી બેકિંગ સોડામાં સૂકાં સેજનાં પાન નાખીને બંધ કરી રાખો. દિવસ પૂરો થાય અને તમે પગમાંથી સૂઝ કાઢો ત્યારે એમાં આ મિશ્રણ છાંટવું. શૂઝને થોડા હલાવવાં અને આખી રાત રહેવાં દેવાં. આવી રીતે તમે દરરોજ તમારા પગ અને શૂઝને દુર્ગંધમુક્ત રાખી શકો છો.

હૂંફાળા પાણીમાં બે ચમચા બેકિંગ સોડા નાખીને એમાં પગને રાખવા. એક મહિના સુધી આ પ્રક્રિયા દરરોજ કરવી.

અઠવાડિયામાં શક્ય હોય એટલી વખત એપલ સાઇડર અથવા સાદા વિનેગરને પાણીમાં નાખીને પગ ધોવા. કપના ત્રીજા ભાગ જેટલો વિનેગર હૂંફાળા પાણીમાં નાખીને ૧૦થી ૧૫ મિનિટ સુધી રાખવા.

આદુના ટુકડાનો પલ્પ કરીને એક રૂમાલમાં વીંટી દેવો. એને થોડીક મિનિટ માટે હૂંફાળા પાણીમાં રાખવો. આ પ્રવાહીને દરરોજ રાત્રે નાહ્યા બાદ પગને તળિયે ઘસવું. આ ઉપાય બે અઠવાડિયા સુધી અજમાવી જુઓ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter