પગની માવજત કેવી રીતે રાખશો?

Wednesday 18th January 2017 08:05 EST
 
 

વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ જ્યારે વધી જાય ત્યારે શરીરની ચામડી સૂકી પડવા લાગે છે. ચામડી ડ્રાય ન થાય અને ફાટી ન જાય તે માટે આપણે ક્રીમનો ઉપયોગ કરીએ જ છીએ. હોઠ માટે લિપબામ ખરીદી લઈએ છીએ. ફેસ માટે તો ઘણી કાળજી લઈએ, પણ ક્યારેક પગની સંભાળ રાખવાનું ભૂલી જવાય છે. ઠંડીમાં પગની સ્કિન ડ્રાય થઈ જતી હોવાને લીધે જો પગની સંભાળ ન લેવાય તો વાઢિયાની તકલીફમાં વધારો થાય છે. પગની એડીઓ ફાટી જવાની તકલીફ હોય તેમને કોઈ સિઝનમાં જોકે રાહત મળતી નથી, પણ શિયાળામાં તકલીફ વણસે છે. એનું મુખ્ય કારણ એ છે કે શિયાળામાં સૂકી ત્વચા વધુ સૂકી બનતી જાય છે અને પછી એને સારી થવામાં સમય લાગે છે.

પગની એડીમાં એવા ઘણા એક્યુપ્રેશર પોઇન્ટ્સ આવેલા હોય છે જે શરીરની અંદરના બીજા અવયવો સાથે જોડાયેલા હોય છે. તેથી જ રોજના વ્યસ્ત શિડ્યુલમાંથી આપણે ચહેરા અને શરીરના બીજા ભાગ માટે સમય કાઢી લઈએ છીએ તેવી જ રીતે પગની કાળજી માટે પણ ધ્યાન આપવું જોઈએ. જો પગની પણ યોગ્ય માવજત કરવામાં આવે તો શિયાળામાં પગની એડીઓની તકલીફથી ચોક્કસ છુટકારો મેળવી શકાય છે.

ફૂટકેર

સોફ્ટ સોલવાળાં શૂઝ પહેરવા. જેથી પગની એડીઓ સોફ્ટ રહેશે અને દુઃખશે નહીં. આરામદાયક ચંપલ કે શૂઝ પહેરો જે પગની એડીને આરામ આપે, જે પહેરવાથી કમ્ફર્ટેબલ લાગે અને સારી ક્વોલિટીનાં હોય અને પગને હૂંફ આપે. હ્યુમન બોડીમાં પગની એડી એ હૃદયથી થોડું દૂર આવેલું અંગ છે. આપણે જો તેને બરાબર પ્રોટેક્ટ ન કરીએ તો પગ ઠંડા પડી જવાના ચાન્સિસ સૌથી વધારે હોય છે અને એને લીધે સ્કિન ડ્રાય બની જાય છે.  પગની સફાઈ અને ધુલાઈ કરવાથી તે ઈફેક્શનથી બચેલા રહેશે તેથી તમારા પગને રોજ ગરમ પાણીથી ધોવા જોઈએ. અંગૂઠાના નખનું વિશેષ ધ્યાન રાખો, કારણ કે ગંદકી સહેલાઈથી તેમાં ફસાઈ જતી હોય છે.

બ્યુટી પ્રોડક્ટની મદદ

પગમાં ઓઈલ ગ્લેંડ ન હોય તેથી તે શુષ્ક થઈ જાય છે. એવામાં તેને મુલાયમ કરવા માટે તેના પર તેલ કે મોઈશ્ચરાઈઝર લગાવો. નહાયા પછી અને સૂતા પહેલા તેના પર તેલ લગાવો. પગની માવજત કરવા માટેની બ્યુટી પ્રોડક્ટ્સ સારી ગુણવત્તાની હોય એ જરૂરી છે. આપણા પગનાં તળિયાં પર મૃત ત્વચાનું લેયર બને છે. જો એનાથી છુટકારો મેળવવામાં ન આવે તો દિવસે ને દિવસે એ લેયર જાડું બનતું જાય છે અને જ્યારે એ ચામડી ફાટવાની શરૂઆત થાય ત્યારે પગમાં દુખાવો થાય છે. એના લીધે ચાલવામાં તકલીફ થાય છે. રોજ સ્ક્રબ વડે ઘસવાથી તેમજ ક્રીમ લગાવવાથી આ મૃત ત્વચા દૂર થાય છે અને પગ પણ સોફ્ટ રહે છે, પણ આ સંભાળ તકલીફ શરૂ થાય એ પહેલાં જ લેવી જરૂરી છે. તમારે તમારા પગને બરાબર રગડવા પણ જોઈએ. દરરોજ સ્ક્રબની મદદથી તમારા પગને ઘસવા જોઈએ. જેનાથી તેની ડેડ સ્કિન નીકળી જશે અને બ્લડ સર્ક્યુલેશન બની રહેશે. આનાથી તમારા પગ કાયમ મુલાયમ અને ચોખ્ખા રહેશે.

ક્રીમથી માવજત

રાત્રે સૂતી વખતે પગને ગરમ પાણીથી ધોઈ એના પર ક્રીમ લગાવવું અને ત્યારબાદ પગમાં મોજાં પહેરી રાખવાં. મૃત ત્વચા દૂર થયા પછી પગ પર ફૂટકેર લોશન લગાવી શકાય. ઠંડીમાં જ્યારે શરીરની ત્વચા સૂકી બની જાય છે ત્યારે આપણે બોડી લોશન લગાવીએ છીએ, પણ પગની એડીઓને હંમેશાં ભૂલી જતા હોઈએ છીએ. હકીકતમાં તો આપણે પગની એડીઓ પર સૌથી પહેલાં ક્રીમ લગાવવી જોઈએ. પગમાં મોજાં પહેરી રાખવાથી ક્રીમ ભુંસાઈ નહીં જાય તેમજ ઠંડીથી પ્રોટેક્ટેડ પણ રહેશે.

કેટલીક જરૂરી ટિપ્સ

  • થાકીને ઘરે આવ્યા પછી જો પગ થાકેલા અને ભારે લાગે તો ગરમ પાણીમાં મીઠું નાખીને પગ બોળી રાખો. ખૂબ જલદી થાક ઊતરશે અને પગમાં મૃત ત્વચાનાં લેયર નરમ પડશે.  એડીઓ પર ઓલિવ ઓઈલથી મસાજ કરો. આનાથી એડીઓ સોફ્ટ રહેશે.
  • સાફ કરેલા નખ પર નેઈલ-પોલિશ વધારે સમય સુધી ટકી રહેશે. માટે જો તમે ચાહતા હો કે તમારી નેઈલ-પોલિશ વધારે દિવસ સુધી ચાલે, તો નખ ઘસેલા અને સાફ હોવા જરૂરી છે. અહીં ફાઈલર નહીં પણ પ્રોપર બફરનો જ ઉપયોગ કરવો.
  • એક બાસ્કેટમાં હુંફાળું ગરમ પાણી લો. તેમાં થોડું મધ નાંખો. ત્યાર પછી સ્ક્રબ કરો. મધમાં એન્ટી-સેપ્ટિક ગુણ હોય છે. આનાથી પગની ચામડી નરમ પણ થશે.
  • પગને જ્યારે પાણીમાં ડુબાડેલા રાખો ત્યારે એ ટબમાં થોડા ગોળાકાર નાના-નાના પથ્થર નાખો અને જ્યાં સુધી પગ પાણીમાં હોય ત્યાં સુધી પગને એ પથ્થરો વચ્ચે ઘસતા રહો. આ રીતે પગને મસાજ મળશે અને પગના પોઇન્ટ્સને મસાજ મળવાથી શરીર રાહત અનુભવશે.
  • તકલીફ વધુ હોય તો પોતે પોતાના ડોક્ટર ન બનો, કારણ કે રફ પગનાં તળિયાં અને પગની એડીનું ફાટવું એ કોઈ સિન્થેટિક મટીરિયલની એલર્જી‍ કે વિટામિન એ અને બીની ઉણપ પણ હોઈ શકે એટલે જો તમને પણ આ તકલીફ હોય તો ડર્મેટોલોજિસ્ટની સલાહ લો.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter