પગની સુંદરતા વધારતી પાયલ

ફેશન મંત્ર

Saturday 13th August 2022 06:42 EDT
 
 

પાયલ એવી એક્સેસરી છે જેને પહેરવાથી પગની સુંદરતામાં અનેકણો વધારો થઇ જાય છે. એક સમય હતો કે પહેલાં માત્ર ચાંદી અને સોનાની પાયલ પહેરવાનું જ ચલણ હતું પણ હાલ સોના અને ચાંદી સિવાય કુંદન, મોતી અને નંગની ફેશનેબલ ડિઝાઇનર પાયલ પહેરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે આ સ્ટાઇલની પાયલ દરેક રેન્જમાં ઉપલબ્ધ છે.

• પોલકી પાયલઃ પોલકી પાયલ સોનેરી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને બીજી પાયલની સ્ટાઇલ કરતા રંગીન અને આકર્ષક લાગે છે. રંગીન હોવાના કારણે એને આઉટફિટ સાથે મેચિંગ પણ કરી શકાય છે.
• કુંદન મોતી પાયલઃ આ પાયલ સોનામાંથી બનાવવામાં આવે છે અને એની અંદર કિંમતી રત્ન જડવામાં આવે છે. આ સ્ટાઇલની પાયલ ઘૂઘરીવાળી અને ઘૂઘરી વગરની એમ બંને પ્રકારની હોય. સરખામણીમાં આ પાયલ અત્યંત નાજુક અને થોડી મોંઘી હોય છે. જો આ સ્ટાઇલની પાયલ ખરીદી હોય અને લાંબો સમય સુધી પાયલ પહેરી ન હોય તો તેને પહેરતાં પહેલાં એક વખત જ્વેલર પાસે સાફ કરાવી લેવી જોઇએ. આમ કરવાથી પાયલ હંમેશાં નવી જ લાગશે.
• અજમેરી પાયલઃ આ સ્ટાઇલ રાજસ્થાનની પરંપરાગત સ્ટાઇલ છે. ચાંદીથી બનેલી અજમેરી પાયલ થોડી વજનવાળી અને પહોળી ડિઝાઇનવાળી હોય છે. સામાન્ય રીતે પરિણીત મહિલાઓ આ સ્ટાઇલ વધારે પસંદ કરતી હોય છે. જોકે તમને પાયલ પહેરવાની આદત ન હોય તો શરૂઆત હળવી ચેનની ડિઝાઇનથી જ કરો તે વધુ સારુ છે.
• ટો રિંગ પાયલઃ પગના અંગૂઠાથી લઇને આખા પંજાને આવરી લેતી આ સ્ટાઇલની પાયલ દરેક વયજૂથની સ્ત્રીઓમાં લોકપ્રિય છે. આમાં નાજુક ડિઝાઇન પણ મ‌ળે છે અને એ માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે. આ સ્ટાઇલની પાયલ સોના અને ચાંદી સિવાય મોતીથી પણ બનાવવામાં આવે છે અને દરેક વર્ગની વ્યક્તિ એને સરળતાથી ખરીદી શકે છે. વળી, ટો રિંગ પાયલ અલગ અલગ ડિઝાઇનમાં મળે છે. કોલેજિયન યુવતી થોડી નાજુક ડિઝાઇન પસંદ કરે છે જ્યારે પ્રસંગમાં હેવી ડિઝાઇન પહેરાય છે.
• ઓક્સોડાઇઝ્ડ પાયલઃ ઓક્સોડાઇઝ્ડ એક્સેસરી કાળા રંગની હોવા છતાં મહિલાઓમાં બહુ લોકપ્રિય હોય છે. ઓક્સોડાઇઝ્ડ પાયલમાં મોરની સ્ટાઇલની સૌથી વધારે લોકપ્રિય છે અને એમાં જો લટકણ લગાડવામાં આવે તો ખૂબસૂરતીમાં અનેકગણો વધારો થઇ જાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter