પડકારોના પહાડ ઓળંગીને સફળતાના શીખરે પહોંચી છે આ સૌંદર્ય સામ્રાજ્ઞીઓ

Wednesday 17th March 2021 04:38 EDT
 
 

માનસા અને માન્યા... ભારતમાં આજકાલ આ બે શબ્દો લોકમુખે છે. તાજેતરમાં યોજાયેલી મિસ ઇંડિયા બ્યુટી કોન્ટેસ્ટની આ વિજેતાઓ છે. સામાન્યતઃ સૌંદર્ય સ્પર્ધામાં વિજેતાઓના રૂપ-સૌંદર્યના ગુણગાન થતા હોય છે, પરંતુ આ કિસ્સામાં બન્ને સૌંદર્ય સામ્રાજ્ઞીઓના ગુણની ચર્ચા ચાલી રહી છે. માનસા અને માન્યા - આ બન્ને શબ્દોમાં ‘મા’ અને ‘ન’ આ બંને અક્ષરો સામાન્ય છે. જ્યારે આ બેઉ અક્ષર ભેગાં કરીએ ત્યારે ‘માન’ શબ્દ બને છે. અને ભારતની બે પુત્રીઓ માનસા અને માન્યાએ ખરેખર પોતાની મહેનત અને લગન દ્વારા મહિલાઓને માન અપાવ્યું છે. ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ ૨૦૨૦ સૌંદર્ય સ્પર્ધામાં માનસાએ વિજેતાનો તાજ ધારણ કરીને અને માન્યાએ રનર અપ બનીને પુરવાર કરી બતાવ્યું છે કે મન હોય તો માળવે જવાય. પ્રબળ ઇચ્છાશકિત અને લગન તમારો પ્રારબ્ધ સુધી પહોંચવાનો પંથ બની શકે છે.
સૌથી પહેલા આપણે વાત કરીએ રનર અપ માન્યા સિંહની. ઉત્તર પ્રદેશની વતની અને મુંબઇના પરા વિસ્તાર કાંદિવલીના એક ઓરડાના ઘરમાં માતા મનોરમા અને પિતા ઓમપ્રકાશ સિંહ સાથે રહેતી માન્યાએ યુવાન વય સુધીમાં જ પુષ્કળ સંઘર્ષ કરી લીધો છે. ઓટોરિક્ષા ચાલકની પુત્રી માન્યાએ માતાપિતા પાસેથી મળેલા ખિસ્સાખર્ચીના પૈસામાંથી બચત કરીને શાકભાજી ખરીદી છે. આ પૈસા બચાવવા તે પગપાળા ચાલી છે. આ સૌંદર્ય સ્પર્ધામાં રનર અપનો તાજ ધારણ કર્યા પછી કાંદિવલી સ્થિત ઠાકુર કોલેજમાં તેનું સન્માન થવાનું હતું ત્યારે તે બહુ ગર્વ સાથે તેના પિતાની ઓટોરિક્ષામાં બેસીને જ કોલેજ પહોંચી હતી.
માન્યાના માતા કહે છે કે અમે રોજિંદા ખર્ચ માટે તેને ૧૦૦ રૂપિયા આપતાં તેમાંથી તે રિક્ષાભાડું બચાવવા પગે ચાલતી અને બચેલા પૈસામાંથી શાકભાજી ખરીદી લાવતી. જ્યારે હું તેને કહેતી કે આ રીતે તો તારા ઘૂંટણ ઘસાઇ જશે તો તે કહેતી કે જ્યારે કાંઇ થશે ત્યારની વાત ત્યારે. બાકી જિંદગી સંઘર્ષનું નામ છે. તેથી આપણે સંઘર્ષ કરતાં રહેવું જોઇએ. વધારાનો ખર્ચ ન થાય તેથી માન્યા કોઇની સાથે બહુ ભળતી પણ નહીં.
માન્યા કોલેજમાં ગઇ ત્યારે તેને મોડેલીંગ અને સૌંદર્ય સ્પર્ધાઓ ઇત્યાદિ વિશે ખબર પડી. ત્યાર પછી તે પોતાની બેગમાં એક જોડી કપડાં, જૂતાં અને મેકઅપ માટેનો સામાન સાથે જ રાખતી. જો તેને મોડેલિંગનું નાનુંમોટું અસાઇનમેન્ટ મળતું તો તે કરી લેતી. તેમાં તેને માંડ ૧૫૦૦થી ૨૦૦૦ રૂપિયા મળતાં. પોતાના શિક્ષણનો ખર્ચ કાઢવા તેણે એક રેસ્ટોરાંમાં પણ કામ કર્યું હતું. વાસ્તવમાં ત્યાં તેને દરરોજ ૧૦ કિલો ગ્રામ લીંબુ સમારીને તેનો રસ કાઢવો પડતો. તેણે લોકોની એંઠી ડીશો પણ ધોઇ છે. જોકે તે ઘરમાં તો એમ જ કહેતી કે મને લોકોને પીરસવાનું કામ આપવામાં આવ્યું છે, જેથી પરિવારજનોને દુ:ખ ન થાય. આ પછી તેણે કોલ સેંટરમાં પણ કામ કર્યું હતું. પિતા માન્યાને બહાર કામ કરવા જવાની ના પાડતાં. પરંતુ માન્યા કોલેજમાં ગઇ ત્યાર બાદ તેની વિચારસરણી બદલાઇ અને તેણે તેના પિતાને સમજાવતાં તેમણે બ્યુટીપાર્લરમાં કામ કરવાની પરવાનગી આપી હતી.
માન્યાના પિતા ઓમપ્રકાશ સિંહ કહે છે કે માન્યાએ મારી પુત્રીઓ વિશેની માન્યતા જ બદલી નાખી છે. તેણે મને ગર્વનો અનુભવ કરાવ્યો છે. નાનપણથી જ તે અભ્યાસમાં તેજસ્વી હતી. તે ઇત્તર પ્રવૃત્તિઓમાં પણ પાવરધી હતી. અમે ઉત્તર પ્રદેશમાં પણ ભાડાના ઘરમાં રહેતાં હતાં અને અહીં પણ ભાડાના ઘરમાં જ રહીએ છીએ. જોકે માન્યા હંમેશાંથી એમ ઇચ્છે છે કે ભલે એક ઝૂંપડું હોય, પણ તે પોતાનું હોવું જોઇએ.
માન્યા જ્યારે સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લઇ રહી હતી ત્યારે તેને એક તબક્કે એમ લાગ્યું હતું કે તે વિજેતા નહીં બને. તે ફોન પર તેના પિતા પાસે ખૂબ રડી હતી. પરંતુ તેના પિતાએ તેને સધિયારો આપ્યો હતો ત્યાર બાદ તેનો આત્મવિશ્વાસ વધ્યો હતો અને તે રનર અપ બનવા સુધી પહોંચી હતી. હવે તેને જીવનમાં ખૂબ આગળ વધવું છે.
માન્યાના જીવનસંઘર્ષની આ વાત જાણ્યા પછી આવો હવે આપણે જાણીએ માનસા વારાણસીની વાત. હૈદરાબાદની રાજધાની તેલંગણની નિવાસી માનસા ફાઇનાન્શિયલ એક્સચેન્જ ઇન્ફર્મેશન એનાલિસ્ટ છે તેણે કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. જોકે તેનો સંઘર્ષ માન્યા કરતાં થોડો જુદો હતો. માનસા તેના દાદી, મમ્મી અને બહેન સાથે રહે છે. સૌંદર્ય સ્પર્ધામાં ભાગ લેવા તેની મમ્મી અને દાદી પાસેથી મંજૂરી મેળવતા તેને નાકે દમ આવી ગયો હતો. માનસા કહે છે કે મારા દાદી પરંપરાગત વિચાર ધરાવતાં સામાન્ય મહિલા છે. તેમને આ બધી ઝાકઝમાળ પસંદ ન હોય તે સ્વાભાવિક છે. માનસા એક ઉદાહરણ આપતાં કહે છે કે આ સૌંદર્ય સ્પર્ધાનું પહેલું રાઉન્ડ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર હતું. તે વખતે પ્રત્યેક દિવસ એક પડકાર સમાન હતો. મારા વસ્ત્રો મારા દાદીને ન ગમતાં. એક વીડિયો કોલ પર હું ગંજી અને શોર્ટ્સ પહેરીને વોક કરી હતી ત્યારે તેઓ મારી સામે ઘૂરકિયાં કરી રહ્યાં હતાં એ દૃશ્ય મારા દિલમાં કોરાઇ ગયું છે. તેમને મનાવતાં નાકે દમ આવ્યો હતો. જોકે માનસા વિજેતા બની પછી દાદી ખુશ છે. માનસા કહે છે કે તમારો વિજય વ્યક્તિની વિચાર-સરણી બદલી નાખે છે.
આ ક્ષેત્રે આવવાનો વિચાર શી રીતે કર્યો તેના વિશે માનસા કહે છે કે હું શિક્ષિકા બનવા માગતી હતી. પરંતુ ગયા વર્ષે મારા કેટલાંક મિત્રોએ મને કહ્યું કે તારામાં સૌંદર્ય સામ્રાજ્ઞી બનવાના બધા ગુણો છે. તારી પ્રતિભા થકી તું આ સ્પર્ધા ચોક્કસ જીતી શકીશ. બસ, ત્યારથી મારા મનમાં આ વાત ઠસી ગઇ. અને મેં તેમાં ભાગ લેવાનો નિર્ણય કર્યો. પરંતુ એક વાત ચોક્કસ છે કે મેં આ નિર્ણય માત્ર તેમના કહેવાથી નહોતો લીધો. માનસા કહે છે કે હું ઉચ્ચ શિક્ષિત છું. અને મને લાગ્યું કે આ ક્ષેત્રે જવામાં કાંઇ ખોટું નથી. તેથી હું તેમાં આગળ વધી. જોકે મને આ ક્ષેત્રે આવ્યા પછી સમજાયું કે ઝાકઝમાળની આ દુનિયામાં પણ પુષ્કળ મહેનત કરવી પડે છે. તે બહારથી જેટલી સુંદર છે એટલી જ સઘન તાલીમ પણ માગે છે. આત્મવિશ્વાસથી છલકાતી માનસા કહે છે કે આ પ્રકારની સ્પર્ધઓમાં પરિશ્રમ સાથે પ્રારબ્ધ પણ કામ કરે છે. પરંતુ હું પ્રારંભિક તબક્કાથી બહુ પોઝિટિવ રહી હતી. હું હંમેશાંથી જીતવા માટે જ રમવા ટેવાયેલી છું. તેથી હું જે કરું તેમાં મારી જાન રેડી દઉં છું. જ્યારે હું સવાલ-જવાબના ફાઇનલ રાઉન્ડ સુધી પહોંચી ત્યારે જ મને અનુભૂતિ થઇ ગઇ હતી કે સ્પર્ધનો તાજ મારા શિરે જ મૂકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter