પાંચમાંથી ત્રણ સ્ત્રીને કામનાં સ્થળે કનડગતઃ જાતીય સતામણી, બળજબરીનો વધુ શિકાર

Tuesday 16th May 2023 01:33 EDT
 
 

લંડનઃ સ્ત્રીઓ વિશ્વમાં પ્રગતિ કરી રહી છે પરંતુ, તેમની સાથે જાતીય હેરાનગતિની ઘટનાઓ યથાવત જણાય છે. ટ્રેડ યુનિયન કોંગ્રેસ (TUC)ના નવા પોલ અનુસાર ત્રણમાંથી લગભગ બે યુવાન સ્ત્રી કામકાજના સ્થળે જાતીય સતામણી, બળજબરી કે દાદાગીરી અને મૌખિક શોષણનો શિકાર બને છે. જોકે ભાગની અસરગ્રસ્ત સ્ત્રીઓ તેમને કોઈ માનશે નહિ અથવા કામકાજના સ્થળે સંબંધો બગડશે અને તેમની બઢતીની તકમાં અવરોધ સર્જાવાના ભયથી આવી હેરાનગતિનો રિપોર્ટ કે ફરિયાદ કરતી નથી.

TUCના પોલ અનુસાર પાંચમાંથી ત્રણ (58 ટકા) સ્ત્રીએ કામકાજના સ્થળે કનડગતનો અનુભવ કર્યો છે તેમજ 25થી 34 વયજૂથની યુવા સ્ત્રીઓ માટે આંકડો વધીને 62 ટકા જણાયો હતો. મોટા ભાગના કિસ્સા એકલદોકલ હોતાં નથી કારણકે 57 ટકા મહિલાએ કહ્યું હતું કે તેમણે કામના સ્થળે ત્રણ કે વધુ વખત દાદાગીરીનો અનુભવ કર્યો હતો. પાંચમાંથી બે કરતાં વધુ (43 ટકા) સ્ત્રીએ જાતીય હેરેસમેન્ટની ઓછામાં ઓછી ત્રણ ઘટનાનો અનુભવ કર્યો હતો.

TUCના જનરલ સેક્રેટરી પોલ નોવાકે કહ્યા મુજબ દરેક સ્ત્રી સેક્સ્યુઅલ હેરેસમેન્ટથી સલામત હોવી જોઈએ પરંતુ, કામકાજના સ્થળે આવી હેરાનગતિની વાતો સતત સાંભળવા મળે છે.

પોલમાં જણાયું હતું કે તાજેતરની ઘટનાઓમાં પાંચમાંથી બે હુમલાખોર સ્ટાફના અન્ય સભ્ય નહિ પરંતુ, ત્રીજી જ વ્યક્તિ હતી.

જાતીય સતામણી, બળજબરી અને મૌખિક શોષણની સૌથી વધુ ઘટના કામકાજના પ્રીમાઈસીસમાં (71 ટકા) થતી હોય છે પરંતુ, ફોન અથવા ટેક્સ્ટ મેસેજીસ (12 ટકા) અથવા ઓનલાઈન, ઈમેઈલ અથવા સોશ્યલ મીડિયા કે વર્ચ્યુઅલ મીટિંગમાં પણ (8 ટકા) આવી ઘટના બનતી હોય છે. જોકે, કામના સ્થળે સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો અનુભવ કર્યાનું જણાવનારી સ્ત્રીઓમાંથી 33 ટકાથી ઓછી સ્ત્રીએ તેમના એમ્પ્લોયર સમક્ષ આ વિશે રજૂઆત કે ફરિયાદ કરી હતી. બીજી તરફ, બળજબરી સહન કરનારી પાંચમાંથી બે (44 ટકા) સ્ત્રીએ તેમજ મૌખિક શોષણ કે અપશબ્દો સહન કરનારી લગભગ અડધી (50 ટકા) મહિલાએ કોઈ રજૂઆત કરી ન હતી.

જે સ્ત્રીઓએ રજૂઆત કે ફરિયાદ કરી ન હતી તેમાં તેમની વાતને કોઈ ગંભીરતાથી નહિ લે તેમ માનનારી (39 ટકા) સ્ત્રીઓ હતી જ્યારે કામના સ્થળે સંબંધો પર નકારાત્મક અસર થશે તેમ માનતી (37 ટકા) અથવા કારકીર્દિની તકને નુકસાન થશે તેમ માનનારી (25ટકા) સ્ત્રીઓએ પણ ફરયાદ ટાળી હતી. ઈંગ્લેન્ડમાં માત્ર એક NHS ટ્રસ્ટ દ્વારા સેક્સ્યુઅલ હેરેસમેન્ટ અટકાવવા ખાસ ટ્રેનિંગ અપાય છે છતાં, ગયા વર્ષે 12 NHS સ્ટાફમાંથી એક સ્ત્રીએ કામના સ્થળે આવી ઘટનાનો અનુભવ કર્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter