પીચઃ સ્વાસ્થ્ય અને સૌંદર્ય માટે લાભકારક

Wednesday 15th July 2015 08:27 EDT
 
 

નજર પડતાંની સાથે જ હાથમાં લેવાનું અને હાથમાં લેતાં જ મોઢામાં મૂકવાનું મન થઈ જાય એવું ફળ એટલે સોનેરી પીળા રંગમાં લાલ છાંટ ધરાવતું પીચ. આ ખટમીઠું ફળ આરોગ્ય અને સૌંદર્ય બન્ને દૃષ્ટિએ ખૂબ લાભકારી છે. જે પ્રકારે આ ફ્રૂટની અંદર રહેલાં વિટામિન્સ અને ફાઇબરનો ખજાનો શરીરને અંદરથી સ્વસ્થ બનાવે છે એમ તેમાં રહેલાં એન્ટિ-ઓક્સિડન્ટ્સ અને માઇક્રો-ન્યૂટ્રિઅન્ટ્સ જેવાં તત્વો આપણી ત્વચાને બહારથી પણ એના જેવી જ કોમળ અને મખમલી બનાવવાની ક્ષમતા ધરાવે છે. આ જ કારણ છે કે આજકાલ બજારમાં મળતાં અનેક મોઇસ્ચરાઇઝર્સ, ફેશ્યલ સ્ક્રબ તથા ફેસપેકમાં પીચનો છૂટથી ઉપયોગ થઈ રહ્યો છે. આજે પીચના ક્યા ગુણ આપણા માટે લાભકર્તા છે અને આંતરિક ઉપરાંત બાહ્ય સુંદરતા માટે કેવી રીતે એનો મહત્તમ ઉપયોગ કરી શકાય એ જાણીએ.

તમામ ફળોમાં સમતોલ

બધાં ફળોમાં પીચ એક બેલેન્સ્ડ ફ્રૂટ છે. એમાં એ, સી, બી કોમ્પ્લેક્સ જેવાં મલ્ટિપલ વિટામિન્સ ઉપરાંત ભરપૂર પ્રમાણમાં સ્વાસ્થ્ય માટે ઉપકારક પોલિફિનોલ્સ અને ફ્લેવોનોઇડ્સ છે. આ તત્વો શરીરને અંદરથી સાફ કરતા ડિટોક્સિફાઇંગ એજન્ટનું કામ કરે છે. એમાં રહેલાં વિટામિન-એ અને કેરોટિન આંખની તંદુરસ્તી જાળવી રાખે છે તો બીજી બાજુ વિટામિન-સી આપણી રોગપ્રતિકારક શક્તિ વધારીને શરદી, ખાંસી, તાવ વગેરે જેવી રોજિંદી સમસ્યાઓ સામે આપણું રક્ષણ કરે છે. બલકે નિયમિત ધોરણે પીચ ખાવાથી એમાં રહેલું બીટા કેરોટિન અમુક ચોક્કસ પ્રકારના કેન્સરથી પણ આપણને બચાવે છે.

જોકે માત્ર પીચનો પલ્પ ખાવાથી જોઈએ એટલો ફાયદો થતો નથી. પીચને ખાવું જ હોય તો એની મખમલી છાલ સાથે જ ખાવું જોઈએ કારણ કે એ છાલમાં ભરપૂર માત્રામાં રહેલું ફાઇબર આપણી પાચનક્રિયા સુધારી આંતરડાને અંદરથી સાફ કરે છે.

સ્વાભાવિક રીતે આ બધાં ગુણકારી તત્વોથી આપણા શરીરને અંદરથી જે ફાયદો થાય છે એની અસર આપણા સ્વાસ્થ્ય અને ચમકીલા ચહેરા પર પણ દેખાવાની જ. વળી, આ એક ઓછું ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ધરાવતું લો-કેલરી ફ્રૂટ હોવાથી ડાયાબિટીસના દરદીથી માંડી ડાયટિંગ કરનારી કોઈ પણ વ્યક્તિ જરાય ચિંતા કર્યા વિના દિવસનાં બેથી ત્રણ પીચ આરામથી ખાઈ શકે છે.

અલબત્ત, પીચ ખાતી વખતે કેટલીક બાબતોનું ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે. બજારમાંથી જ્યારે આ ફળ ખરીદો ત્યારે મધ્યમ કદનાં અને લાલ-ગુલાબી છાંટ ધરાવતા પીચનો જ આગ્રહ રાખો. વધુપડતું મોટું અથવા સાવ પીળું ફળ એને અકુદરતી રીતે પકવ્યું હોવાની નિશાની છે. સાથે જ પીચને ખાતાં પહેલાં માત્ર સાદા પાણીથી ધોઈને સાફ થઈ ગયું હોવાનો સંતોષ માની ન લો. આ ફ્રૂટની છાલ થોડી જાડી હોવાથી ઠંડા પાણીમાં હલકા હાથે થોડું બ્રશથી સાફ કર્યા બાદ જ એની લિજ્જત માણો.

ઉત્તમ ક્લેન્ઝર: પીચમાં ભરપૂર પ્રમાણમાં આલ્ફા-હાઇડ્રોક્સી ફ્રૂટ એસિડ્સ રહેલાં છે, જે ત્વચા પરના મૃત કોષો દૂર કરવાની તાકાત ધરાવે છે. આ સાથે પીચમાં વિટામિન-સી, બીટા કેરોટિન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને સેલેનિયમનો પણ ભંડાર ભરેલો છે, જે ત્વચાને સૂર્યનાં આકરાં કિરણો સામે રક્ષણ પૂરું પાડે છે. તેથી તડકામાં ફર્યા બાદ ગરમ પાણીમાં ઉકાળીને ખમણેલું પીચ ચહેરા પર લગાડવામાં આવે તો સૂર્યનાં અલ્ટ્રા-વાયલેટ કિરણોથી થયેલું નુકસાન રિપેર કરી શકાય છે. બલકે તમે ઇચ્છો તો પીચની છાલનો પણ ક્લેન્ઝર તરીકે ઉપયોગ કરી શકો છો.

ત્વચા પર નિખારઃ પીચમાં રહેલો વિટામિન-એ અને વિટામિન-સીનો ખજાનો ત્વચાને રીજુવિનેટ કરીને નવી તાજગી અને ચમક આપે છે. સાથે જ આ તત્વો રોમછિદ્રોને બંધ કરતા બેસ્ટ એસ્ટ્રિન્જન્ટનું કામ પણ કરે છે. અલબત્ત, તમને પીચના આ ગુણોનો ફાયદો ઘરેબેઠાં જોઈતો હોય તો વધુપડતા પાકી ગયેલા પીચનો એક ટુકડો ચહેરા પર ઘસીને ૨૦ મિનિટ બાદ ચહેરો ધોઈ નાખવાથી પણ એ જ અસર પ્રાપ્ત કરી શકાય છે. આ સિવાય રાતના સૂતા પહેલાં ચહેરા પર પીચની છાલની અંદરની બાજુ ઘસી લેવાથી સવારે વધુ ચમકીલી અને ટાઇટ ત્વચાનો અહેસાસ મેળવી શકાય છે.

એન્ટિ-એજિંગ ફેસમાસ્ક: એક પીચના પલ્પને એક ઈંડાની સફેદી સાથે બ્લેન્ડરમાં મિક્સ કરી ચહેરા પર ૩૦ મિનિટ માટે લગાડી રાખવામાં આવે તો આ મિશ્રણ એક ઉત્તમ એન્ટિ-એજિંગ ફેસમાસ્કનું કામ કરી શકે છે. પીચમાં રહેલું એન્ટિ-એજિંગ તત્વ મેચ્યોર સ્કિન માટે ઉત્તમ છે. આ તત્વ રોમછિદ્રોને નાનાં કરી ચહેરા પરની કરચલીઓ ઓછી કરવાનું તથા ત્વચાને તરોતાજા બનાવવાનું કામ કરે છે.

સ્ક્રબ અને મોઇસ્ચરાઇઝર: આજકાલ આપણે જ્યાં જોઈએ ત્યાં ત્વચા પરના મૃત કોષોને દૂર કરવા એને એક્સફોલિયેટ કરવાની ચર્ચા સાંભળીએ છીએ. ખરેખર તો આ કામ માટે પીચથી વધુ ઉત્તમ ફળ બીજું કોઈ નથી. એક પીચમાં થોડો ઓટમીલનો પાઉડર નાખી દેવાથી ઉત્તમ સ્ક્રબ તૈયાર થઈ જાય છે. આ સ્ક્રબથી ચહેરો સાફ કર્યા બાદ પીચમાં થોડું દહીં, મધ અને લીંબુ નાખીને તૈયાર કરવામાં આવેલો માસ્ક લગાડવામાં આવે તો એ કોઈ પણ પ્રકારની ત્વચા માટે બેસ્ટ મોઇસ્ચરાઇઝરનું કામ કરી શકે છે.

ડાર્ક સર્કલ્સથી મુક્તિઃ પીચની પાતળી સ્લાઇસ આંખ પર મૂકીને ૧૦-૧૫ મિનિટ સૂઈ જાવ. થોડાક દિવસ આ પ્રયોગ કરો, આંખ નીચેની પફીનેસ અને ડાર્ક સર્કલ્સમાંથી છુટકારો મળી જશે.

હેર-ટોનિક પણ: નાળિયેરના તેલમાં પીચનો રસ ઉમેરીને વાળમાં ઘસવાથી ડેન્ડ્રફથી છુટકારો મળે છે અને વાળની ચમક પાછી આવે છે. એ સિવાય સૂકા પીચમાંથી કાઢવામાં આવેલું એપ્રિકોટ ઓઇલ માત્ર વાળ માટે જ નહીં, ચહેરા અને હાથ માટે પણ આડઅસર વિનાના શ્રેષ્ઠ મોઇસ્ચરાઇઝરનું કામ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter