પુરુષો કરતાં મહિલાઓને કેમ વધુ ડિપ્રેશન આવે છે?

Wednesday 02nd March 2016 06:46 EST
 
 

પુરુષો કરતાં સ્ત્રીઓમાં આપઘાતનો પ્રયાસ કરવાનું પ્રમાણ લગભગ ત્રણ ગણું છે. અલબત્ત, ડિપ્રેશનની સમસ્યા લઈને સાઈકિયાટ્રિસ્ટ પાસે જતા કેસોમાં પણ સ્ત્રીઓનું પ્રમાણ વધારે હોય છે. પુરુષો કરતાં વધુ સહનશીલ અને માનસિક રીતે સ્ટ્રોંગ ગણાતી સ્ત્રીઓ ડિપ્રેશનના ભરડામાં કેમ વધારે આવી જાય છે એ સમજવા માટે ઓસ્ટ્રેલિયાના રિસર્ચરોએ સ્ત્રી-પુરુષોના બ્રેઈનનો સ્ટડી કર્યો હતો.

સામાન્ય રીતે ડિપ્રેશન દરમિયાન બ્રેઈનમાં સેરોટોનિન નામના ન્યુરોટ્રાન્સમીટર્સનું પ્રમાણ ઘટી જાય છે. આમેય ન્યુરોસાયન્સ મુજબ પુરુષો કરતાં સ્ત્રીઓના બ્રેઈનમાં સેરોટોનિન લેવલ નેચરલી જ ઓછું હોય છે. જોકે એ તફાવત ખૂબ મોટો નથી હોતો.

ઓસ્ટ્રેલિયન રિસર્ચરોને અભ્યાસમાં જણાયું હતું કે જ્યારે સેક્સ હોર્મોન્સમાં અસંતુલન હોય એ વખતે સેરોટોનિન લેવલમાં વધઘટ થાય છે ત્યારે એનાં લક્ષણો વધુ તીવ્ર થઈને દેખાતાં હોય છે. સ્ત્રીઓમાં માસિકચક્રની સાથે સેક્સ હોર્મોન્સમાં નિયમિત વધઘટ થયા કરે છે, જ્યારે પુરુષોમાં મિડલ એજ પહેલાં સેક્સ હોર્મોન્સમાં એટલી બધી ઊથલપાથલ નથી થતી.

સેરોટોનિન શું છે?

એ એક ન્યુરોટ્રાન્સમીટર કેમિકલ છે. જે બ્રેઈનના એક ભાગમાંથી બીજા ભાગમાં સિગ્નલ્સ મોકલવાની કામગીરીમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. ભલે આ કેમિકલ બ્રેઈનમાં બનતું હોય છે, પણ ૯૦ ટકા સેરોટોનિન પાચનતંત્રના ટ્રેકમાં અને લોહીમાં રહેલા પ્લેટલેટ કણોમાં જોવા મળે છે. સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિમાં સાતથી દસ મિલિગ્રામ જેટલું સેરોટોનિન હોય છે. જ્યારે સાત મિલિગ્રામથી માત્રા ઘટી જાય ત્યારે માનસિક અવસ્થતા અનુભવાય છે. અલબત્ત, એ ડિપ્રેશન જ હોય એ જરૂરી નથી.

શરીરમાં શું કામ કરે?

આ કેમિકલ બ્રેઈનના એક ભાગમાંથી બીજા ભાગમાં સંદેશાવહનનું કામ કરે છે. આપણા શરીરની એક પણ ક્રિયા મગજના એક્ટિવ સહયોગ વિના શક્ય નથી હોતી. એટલે જ્યારે સેરોટોનિન ઘટે છે ત્યારે બ્રેઈનનું ઈન્ટરનલ કમ્યુનિકેશન ખોરવાતાં સાઈકોલોજિકલ પ્રોબ્લેમ્સ જ નહીં, શારીરિક અસર પણ થઈ શકે છે.

મગજના ૪ કરોડ કોષો પર સેરોટોનિન કેમિકલનો સીધો કે આડકતરો પ્રભાવ હોય છે. મોટા ભાગના બ્રેઈન સેલ્સ મૂડ, કામેચ્છા, ભૂખ, ઊંઘ, યાદશક્તિ, શીખવાની ક્ષમતા, બોડીનું ટેમ્પરેચર નિયંત્રણ અને કેટલીક સામાજિક વર્તણૂંક પર કાબૂ રાખવા સાથે સંકળાયેલો હોય છે. સેરોટોનિન માત્ર માનસિક ધોરણે જ નહીં, પરંતુ હાર્ટ, સ્નાયુઓ અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પર પણ અસર કરે છે.

સેરોટોનિન ઘટવાના કેટલાક કારણો

સેરોટોનિન ઘટવા માટે અનેક કારણો જવાબદાર છે. આમાંના કેટલાક મુખ્ય કારણો જોઇએ તો, લાંબો સમય સ્ટ્રેસમય સ્થિતિમાં રહેવાથી, પ્લાસ્ટિક અને એમાં વપરાતા કેમિકલ્સના વધુ પડતા વપરાશથી, ઘણા દિવસો સુધી સૂર્યપ્રકાશનો અભાવ હોય, વિટામીન બી૬ તેમજ અન્ય વિટામિન્સ અને મિનરલ્સથી ઉણપથી, ઈન્સ્યુલિન રેઝિસ્ટન્સ પ્રોજેસ્ટરોન હોર્મોન્સમાં ઊણપ આવવાથી, બ્રેઈનમાં રક્તનો પ્રવાહ ઘટી જવાથી, વધુ પડતી એન્ટિ-ડિપ્રેશન દવાઓના વપરાશ વગેરે.

ઊણપનાં પ્રાથમિક લક્ષણો

સેરોટોનિન લેવલ જરૂર કરતાં ઘટી જાય તો સ્ત્રી-પુરુષોનું રિએક્શન અલગ અલગ હોય છે. સ્ત્રીઓમાં ગમગીની, ડર, થાક, સુસ્તી, વગર કારણ રડવું, કશામાંય મજા ન આવવી જેવાં પ્રાથમિક લક્ષણો જોવા મળે છે. પુરુષોમાં વ્યગ્રતા, ચંચળતા, ગુસ્સો, એન્ગ્ઝાયટી જેવાં લક્ષણો જોવા મળે છે.

આ ઉપરાંત અત્યંત ગળ્યું ખાવાની ઈચ્છા થવી, શરીરમાં પીડાનો અનુભવ થવો, એકના એક વિચારો મનમાં ઘોળાયા કરવા, અકારણ ડર અને ફોબિયા પેદા થવો અને ડિપ્રેશનનાં ગંભીર લક્ષણો પણ જોવા મળે છે.

સેરોટોનિન માટે ડાયટ-ટિપ્સ

શું લેશો?ઃ કેળાં અને ઓરેન્જ, ડાર્ક ચોકલેટ, અળસી અને અળસીનું તેલ, ફેટ વિનાનું દૂધ અને દહીં, યોગર્ટ, ચીઝ, ખાટી ચેરી

શું ન લેવું?ઃ કોફી, ચા જેવાં ટેમ્પરરી ઉત્તેજક પીણાં, આલ્કોહોલ, સ્મોકિંગ અને પાનમસાલાના ગુટખા, મીઠી અને શુગર વધારે એવી ચીજો


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter