પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિનીએ બેન્ક ક્લાર્કની પરીક્ષા પાસ કરી

Friday 29th May 2020 06:42 EDT
 
 

ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થિની હિના ચૌહાણે બેંક ક્લાર્કની પરીક્ષા પાસ કરી છે. ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમાં એમ.એમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિનીએ ત્રણ વર્ષની મહેનત બાદ IBPS ક્લાર્કની ઓનલાઇન પરીક્ષા પાસ કરી લીધી છે.
સુરેન્દ્રનગર જિલ્લાનાં ચુડા તાલુકાના મોજીદડ ગામમા હિનાના માતા-પિતા મજૂરી કામ કરે છે. ચૌહાણ હિના મંજીભાઈએ તેની સફ્ળતા અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, મારા માતા પિતા મજૂરી કામ કરે છે. અમે કુલ ચાર ભાઈ બહેન છીએ. જેમાં મારી આંખોમા ૭૫ ટકા વિઝન ઓછું છે. જોકે મારા માતા પિતાએ ચારેય ભાઈ બહેનમાં માત્ર મને ભણવા માટેની તમામ છુટછાટ આપી અને મદદ કરી. હું હાલમાં ગુજરાત યુનિવર્સિટીના સોશિયોલોજી વિભાગમાં એમએ અભ્યાસ કરું છું. શરૂઆતમાં મને શિક્ષક બનવાની ઈચ્છા હતી જેથી મેં ગુજરાત યુનિવર્સિટીમાં જ બીએડ કર્યું. બાદમાં મને એવું થયું કે ટીચરના નોકરી મેળવવા માટે વધુ રાહ જોવી પડશે. જેથી એ સ્વપ્નું જ મે છોડી દીધું. એ પછી બેંકમાં જ ક્લાર્કની નોકરી મેળવવાની મનમાં પૂરી મક્કમતા સાથે નિર્ણય લઈ લીધો. અને એની તૈયારી શરૂ કરી દીધી. બેન્ક ક્લાર્કની ભરતી આવતા મેં ફોર્મ ભર્યું અને પ્રથમ એન્ટ્રન્સ એક્ઝામ ડિસેમ્બર, ૨૦૧૯માં આપી હતી. જેમા હું પાસ થઈ. બાદમાં જાન્યુઆરી મહિનામાં મેં મેઈન્સ આપી જેનું તાજેતરમાં પરિણામ આવ્યું અને હું પાસ થતાં મારો ટાર્ગેટ પૂરો થયો.

ક્રિકેટ ટૂર્નામેન્ટ પણ રમી

સમાજશાસ્ત્ર વિભાગના અધ્યાપક રાજેન્દ્ર જાનીએ આ અંગે જણાવ્યું હતું કે, હિના ચૌહાણે સરકારી નોકરિયાત દીકરીનું સપનું સાકાર કરવા અને કરાવવામાં આજે સફ્ળ બની છે. હિનાએ ગુજરાતની પ્રજ્ઞાચક્ષુ મહિલા ક્રિકેટ ટીમની સદસ્ય પણ રહી ચૂકી છે. ફેબ્રુઆરી, ૨૦૧૯માં મુંબઈમાં જે પ્રજ્ઞાચક્ષુ મહિલા ટુર્નામેન્ટ હતી એમાં મહારાષ્ટ્રની ટીમને હરાવીને ચેમ્પિયન પણ બની હતી એ ગુજરાતની ટીમની સદસ્ય હતી.

વીડિયો સાંભળીને તૈયારી

ટેકનોલોજીનો સદઉપયોગ કેવી રીતે કરવો તેનું પણ હિના ચૌહાણે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. પ્રજ્ઞાચક્ષુ હોવાથી હિના લાંબા સમય સુધી વાંચી શકતી નહોતી. જેથી તેણે ક્લાર્કની સંપૂર્ણ તૈયારી મોબાઇલમાં વીડિયો સાંભળીને કરી હતી. તેના કેટલાક મિત્રો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા અંગેના વીડિયો પણ મોકલતા હતા. આ ઉપરાંત તે પોતે યુટયૂબમા વીડિયો સર્ચ કરી તૈયારી કરતી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter