પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર : સુનયની દેવી

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 27th September 2023 07:53 EDT
 
 

(જન્મઃ ૧૮૭૫ • નિધનઃ ૧૯૬૨)

રાજા રવિ વર્માનું નામ સાંભળ્યું જ હશે !
રાજા રવિ વર્મા પ્રથમ આધુનિક ચિત્રકાર અને આધુનિક ચિત્રકળાના પિતામહ ગણાય છે, પણ પ્રથમ આધુનિક મહિલા ચિત્રકારનું નામ જાણો છો ?
એનું નામ સુનયની દેવી...ભારતની પ્રથમ આધુનિક મહિલા ચિત્રકાર. સુનયની દેવીનો જન્મ ૧૮ જૂન ૧૮૭૫ના પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે પ્રતિષ્ઠિત ટાગોર પરિવારમાં થયેલો. માતા સૌદામિની દેવી. પિતા ગુણેન્દ્રનાથ ટાગોર. ભાઈઓ અવનીન્દ્રનાથ ટાગોર, ગગનેદ્રનાથ ટાગોર અને સમરેન્દ્રનાથ ટાગોર. ત્રણેય કલાકાર. ચિત્રકળામાં પારંગત. પણ સુનયની દેવીનો પરિચય કાંઈ ટાગોર પરિવારની પૃષ્ઠભૂમિને આભારી નહોતો. એની આગવી ઓળખ હતી. એક ચિત્રકાર તરીકે એણે માનમોભો મેળવેલો. બાર વર્ષની ઉંમરે સુનયની દેવીનાં લગ્ન રાજા રામ મોહનરાયના પૌત્ર રજનીમોહન રાય સાથે થયાં. પતિની પ્રેરણાથી સુનયની દેવીએ લગ્નનાં અઢાર વર્ષ પછી ભાઈઓને પગલે ચિત્રકામ શરૂ કર્યું. અને ભારતની પહેલી આધુનિક મહિલા ચિત્રકાર તરીકેનું ગૌરવ પ્રાપ્ત કર્યું.
સુનયની દેવી પટ્ટ લોકચિત્રકળાથી પ્રભાવિત થઈને પોતાના ચિત્રોમાં ભારતીય મહાકાવ્યો અને પૌરાણિક કથાઓના દ્રશ્યોનું ચિત્રણ કરતી. સાધિકા, અર્ધનારીશ્વર, સતી દેહત્યાગ, દૂધ વેચનારીઓ અને યશોદા તથા કૃષ્ણ સુનયની દેવીની ઉલ્લેખનીય રચનાઓ છે. પટ્ટચિત્રમાં પટ્ટ એટલે કાપડ અને ચિત્ર એટલે ચિત્ર. ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ અને બાંગલાદેશના કેટલાક વિસ્તારોમાં પટ્ટચિત્ર કળા જોવા મળે છે. એની વિશેષતા એ છે કે કાપડ પર દેવીદેવતાઓનાં ચિત્રો બનાવવામાં આવે છે. સ્ટેલા ક્રમ્રિસ્ચ સહિત કેટલાંયે કળાવિદ્વાનો અનુસાર સુનયની દેવી ભારતની પહેલી એવી આધુનિક ચિત્રકાર હતી જેણે પોતાનાં ચિત્રો પર હસ્તાક્ષર કર્યાં હોય. સ્ટેલાએ દુનિયાને સુનયની દેવીની ચિત્રકળાનો પરિચય કરાવતાં કહેલું કે, ‘સુનયની દેવીનાં ચિત્રોની રેખાઓમાંથી એ જ તેજ અને પ્રકાશ ચમકે છે જે પાકા મોલના ખેતરોને ઘેરી વળે છે.’
સુનયની દેવીનાં ચિત્રોમાં સ્ત્રીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. સાડી પહેરી રહેલી સ્ત્રી, હાથમાં પંખો પકડેલી અને અલંકાર પહેરેલી મનમોહક હાસ્ય વેરતી સુંદર સ્ત્રી, લાલ કોરની કથ્થઈ રંગની સાડી અને ગળામાં ઘરેણું અને કલાઈમાં બંગડીઓ પહેરીને હાથમાં ફૂલ ધારણ કરેલી વાદળી, લાલ અને જાંબલી સાડી સાથે સુવર્ણ અલંકારો ધારણ કરેલી અને એકમેકનો હાથ પકડેલી ત્રણ ગ્રામીણ સ્ત્રીઓ, રાધાના ખભે માથું ઢાળેલી મુદ્રામાં કૃષ્ણ ઉપરાંત હાથમાં લીલો કળશ ધારણ કરેલી ગુલાબી સાડી પહેરેલી દેવી લક્ષ્મીનો સમાવેશ થાય છે.
 એક કલાકારના રૂપમાં સુનયની દેવી પોતાના ભાઈઓને વોશ ટેક્નિક જેવી વિભિન્ન ચિત્રકળા શૈલીઓનો પ્રયોગ કરતાં જોતી. સુનયની દેવીએ પણ વોશ પદ્ધતિનો ઉપયોગ પોતાનાં ચિત્રોમાં કર્યો. સુનયની દેવીની ચિત્રકળા વિશે સ્ટેલાએ લખેલું કે, અવનીન્દ્રનાથની વોશ ટેક્નિકથી પ્રભાવિત સુનયની દેવી સૌથી પહેલાં કાગળ પર બ્રશથી લાલ કે કાળી રૂપરેખા બનાવતી. એમાં પોતે પાણીથી તૈયાર કરેલા રંગ પાતળા પેઈન્ટ બ્રશથી ભરી દેતી. પછી કાગળને પાણીથી ભરેલા એક ગોળાકાર ડ્રમમાં ડુબાડતી. એનાથી રંગ કાગળમાં શોષાઈ જતા. વોશ કે ધુલાઈનો ઉપયોગ સતત પ્રક્રિયાના રૂપમાં કરાતો. એના માધ્યમથી ડ્રોઈંગમાં રંગનો ઉપયોગ કર્યા વિના જ રંગનો ઉઠાવ આવતો. ધુલાઈથી ધૂંધળી આકૃતિઓ દેખાય ત્યાર પછી સુનયની રૂપરેખાને ઉપસાવતી.
અનોખી શૈલીની ચિત્રકળા સુનયની દેવીને કળાક્ષેત્રમાં ખૂબ આગળ લઈ ગઈ. ૧૯૨૫માં પ્રતિષ્ઠિત કળા ઇતિહાસકાર સ્ટેલા ક્રમ્રિસ્ચે જર્મન કળાપત્રિકા, ડેર સિસરોનમાં સુનયની દેવીનો પ્રચારપ્રસાર કર્યો. સુનયની દેવીએ પોતાના પૌત્રને એક પત્રમાં લખેલું કે, ‘મોટા ભાગની ચિત્રકળાઓને મેં મારા સપનામાં જોઈ છે. એ જોયા પછી મેં એનાં ચિત્ર બનાવ્યાં છે.’ આનાથી સમજાય છે કે સુનયની દેવીની કળા એના નિજી જીવનને દર્શાવે છે. ભારતીય ચિત્રકળાએ પહેલી વાર મહિલાની નજરે ચિત્રકળાને જોઈ. ૨૩ ફેબ્રુઆરી ૧૯૬૨ના મૃત્યુ પામેલી સુનયની દેવીની વિરાસત એ તથ્યની સાક્ષી પૂરે છે કે અવિસ્મરણીય કળાના સર્જન માટે ઉંમરની કોઈ સીમા હોતી નથી !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter