પ્રથમ ફિલ્મ દિગ્દર્શિકા: ફાતમા બેગમ

પ્રથમ ભારતીય નારી

ટીના દોશી Wednesday 16th August 2023 05:48 EDT
 
 

બુલબુલ-એ-પરિસ્તાન.... ૧૯૨૬માં બનેલી આ ફિલ્મ એના નામ પ્રમાણે પરિસ્તાનની સહેલગાહે લઈ જાય છે. ઉપરાંત ફિલ્મ મૂંગી હતી, શ્વેત-શ્યામ હતી અને ઝુબેદા, સુલતાના, પૂતળી, મેડમ ટોસ્કા, મદનરાય વકીલ અને આઠવલે ફિલ્મના કલાકારો હતાં.... આ વિગતોમાં કશું અસાધારણ ન જણાય, પરંતુ આ ફિલ્મની વિશેષતા એ હતી કે એનું દિગ્દર્શન એક મહિલાએ કર્યું હતું !
એનું નામ ફાતમા બેગમ....ફાતિમા નહીં, ફાતમા. મૂંગી ફિલ્મોની આ અભિનેત્રી પોતાના અભિનય માટે અને પટકથાલેખન માટે તો જાણીતી હતી જ, પરંતુ ફિલ્મનું દિગ્દર્શન કર્યું ત્યારથી એ એકદમ મશહૂર થઈ ગઈ. કારણ કે ભારતીય સિનેમાની એ પ્રથમ મહિલા ફિલ્મ દિગ્દર્શક હતી ! ફાતમાએ દેવી ઓફ લવ, હીર રાંઝા, ચંદ્રાવલી અને ભાગ્ય કી દેવી સહિતની ફિલ્મોનું દિગદર્શન કર્યું. ૧૯૮૩માં ફાતમાનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં અભિનય અને દિગ્દર્શન ક્ષેત્રે એણે કળાનાં કામણ પાથર્યાં હતાં. ભારતીય સિનેમાની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’ની નાયિકા ઝુબેદા એ આ ફાતમા બેગમની દીકરી હતી !
ફાતમા સુરતના ઉર્દૂ મુસ્લિમ પરિવારમાં ૧૮૯૨માં જન્મેલી. થોડીક સમજણી થઈ ત્યારથી ફિલ્મોમાં કામ કરવાનું એનું ખ્વાબ હતું. પરંતુ રૂઢિચુસ્ત મુસ્લિમ પરિવારમાં પોતાનું સ્વપ્ન ક્યારેય પૂરું નહીં થાય એવું જાણતી ફાતમાએ નવાબ ઇબ્રાહિમ ખાન સાથે લગ્ન કરી લીધાં. જોકે જાણીતા લેખક વિઠ્ઠલ પંડ્યાએ ફાતમાને નવાબની ઉપપત્ની કહી છે. એની ત્રણ દીકરીઓ હતી. ઝુબેદા, સુલતાના અને શહજાદી. દીકરીઓ બારતેર વર્ષની થઈ ત્યારે ફાતમા બેગમે પોતાની ત્રણેય પુત્રીઓને નાચનારી બનાવી દીધેલી.
એક દિવસ ફાતમા પોતાની ત્રણેય દીકરીઓને લઈને મુંબઈ રફુચક્કર થઈ ગઈ. ત્યાં અરદેસર ઈરાની મૂંગી ફિલ્મો બનાવતા હતા. ફાતમા ત્રણેય દીકરીઓ સાથે ત્યાં ગોઠવાઈ ગઈ. ૧૯૨૨માં ‘વીર અભિમન્યુ’ નામની પૌરાણિક ફિલ્મ દ્વારા એણે અભિનયની દુનિયામાં પગરણ કર્યાં.
બે વર્ષ બાદ, ૧૯૨૪માં ફાતમા બેગમની પ્રદર્શિત થયેલી ફિલ્મોમાં પૃથ્વીવલ્લભ, કાલા નાગ અને ગુલ-એ-બકાવલી મુખ્ય હતી. ફિલ્મોમાં અભિનય કરતાં કરતાં ફાતમાને નિર્દેશનમાં રસ પાડવા માંડ્યો. એણે ૧૯૨૬માં ફાતમા ફિલ્મ્સ નામે પોતાની ફિલ્મ કંપની શરૂ કરી. બે વર્ષ પછી, ૧૯૨૮માં કંપનીનું નામ બદલીને વિક્ટોરિયા ફાતમા ફિલ્મ્સ કર્યું. દરમિયાન, ૧૯૨૬માં બુલબુલ-એ-પરિસ્તાન નામની ફેન્ટસી ફિલ્મ બનાવી. એ સાથે ભારતીય સિનેમાની પ્રથમ મહિલા ફિલ્મ દિગદર્શક તરીકેનો વિક્રમ એણે સર્જ્યો. ફિલ્મ બોક્સઓફિસ પર ટંકશાળ સાબિત થઈ. આ ફિલ્મમાં હોલિવૂડની ફિલ્મોમાં જોવા મળતી સ્પેશિયલ ઈફેક્ટસનો પ્રયોગ કરવામાં આવેલો. ફાતમાએ અન્ય ફિલ્મોનું દિગ્દર્શન કર્યું, પણ બુલબુલ-એ-પરિસ્તાન ફિલ્મ દિગ્દર્શિકા તરીકેની સૌથી સફળ ફિલ્મ ગણાઈ !
 બુલબુલ-એ-પરિસ્તાન ફિલ્મમાં પરીઓની ભૂમિ પરિસ્તાનની કલ્પના કરવામાં આવેલી. ફારસી દંતકથા પર આધારિત આ ફિલ્મ એક એવી રાણીની કહાણી હતી, જેણે પોતાની દુનિયાને વ્યવસ્થિત કરવા માટે પોતાની જાદુઈ શક્તિઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા હતી. ફિલ્મે એક કાલ્પનિક સૃષ્ટિ રચી જેમાં મોટા ભાગની મહિલાઓને પરી તરીકે દર્શાવવામાં આવેલી અને વિશેષ પ્રભાવ ઊભો કરવા ટ્રિક ફોટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવેલો.
એ સમય સુધી પૌરાણિક અને ભક્તિ ફિલ્મો સિનેમાના વિષયો પર પ્રભાવી હતી, પણ ૧૯૨૦ના દસકના અંત સુધીમાં અરેબિયન નાઈટ્થી પ્રભાવિત સ્ટંટ અને ફેન્ટસી ફિલ્મોની બોલબાલા વધી ગયેલી. એના મૂળમાં ફાતમાની ફિલ્મ બુલબુલ-એ-પરિસ્તાન જ હતી.
ભારતીય સિનેમાની પહેલી બોલતી ફિલ્મ આલમ આરા ફિલ્મ એક પારસી નાટકને આધારે બનેલી અને અત્યંત સફળ થયેલી. રાજકુમાર અને વણઝારા યુવતીની પ્રેમકથા પર આધારિત આ ફિલ્મની નાયિકા ઝુબેદા હતી, જે ફાતમા બેગમની દીકરી હતી. આવી સફળ માદીકરીની જોડી જોઈને જ કહેવાયું હશે કે, મોરનાં ઇંડાં ચીતરવાં ન પડે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter