પ્રથમ મહિલા આઈએએસ અધિકારી: અન્ના રાજમ મલ્હોત્રા

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 01st November 2023 05:41 EDT
 
 

એક એવી આઈએએસ અધિકારી જેણે પ્રથમ પ્રયાસમાં જ યુપીએસસીની પરીક્ષા ક્રેક કરેલી, એણે બે વડા પ્રધાન સાથે અને સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું અને પોતાની ધગશ અને કાર્યનિષ્ઠાને પગલે એને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માનથી પુરસ્કૃત પણ કરાયેલી....
એનું નામ અન્ના જ્યોર્જ. લગ્ન પછી અન્ના રાજમ મલ્હોત્રા.... ભારતની પહેલી મહિલા આઈએએસ અધિકારી. મહિલા સનદી અધિકારીઓની પ્રેરણામૂર્તિ. સનદી સેવાઓમાં મહિલાઓની મશાલચી. ભારતનાં પ્રથમ મહિલા વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી અને વડા પ્રધાન રાજીવ ગાંધી સાથે અન્નાએ કામ કરેલું. ઉપરાંત મદ્રાસના મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી સહિત સાત મુખ્યમંત્રીઓ સાથે કામ કરેલું... જોકે અન્ના જ્યોર્જ સિવિલ સર્વિસમાં જોડાઈ ત્યારે એને નિયુક્તિ પત્રની સાથે જ, જો એ લગ્ન કરશે તો એને બરખાસ્ત કરવામાં આવશે, એવા નિયમ હેઠળ, નિલંબન પત્ર પણ અપાયેલો. એથી અન્નાએ આ નિયમ બદલાય ત્યાં સુધી ધીરજ ધરી. ધીરજનાં મીઠાં ફળરૂપે આ નિયમ બદલાયો ત્યાર પછી ઠેઠ ૧૯૮૫માં, અડસઠ વર્ષની વયે અન્નાએ રિઝર્વ બેન્કના ગવર્નર આર.એન. મલ્હોત્રા સાથે લગ્ન કર્યાં. લગ્ન પછી એ અન્ના જ્યોર્જમાંથી અન્ના રાજમ મલ્હોત્રા થઈ.
આ અન્ના મૂળ કેરળની. એનો જન્મ કેરળના એર્નાકુલમ જિલ્લાના નિરાનામ ગામમાં ૧૭ જુલાઈ ૧૯૨૭ના થયો. એ મલયાલી લેખક પાલિયો પોલની પૌત્રી હતી. અન્ના કાલિકટ-કોઝિકોડેમાં ઉછરી. પ્રોવિડેન્સ વિમેન્સ કોલેજમાંથી ઈન્ટર કર્યું. કાલિકટની માલાબાર ક્રિશ્ચિયન કોલેજમાંથી સ્નાતક થયા બાદ માસ્ટર્સ કરવા ચેન્નાઈ પહોંચી.
અન્ના જ્યોર્જે ૧૯૫૦માં સિવિલ સર્વિસની પરીક્ષા આપી. પહેલા પ્રયાસે જ ઉત્તીર્ણ થઈ. અન્ના ૧૯૫૧માં સિવિલ સેવામાં જોડાઈ. અન્નાએ મદ્રાસ કેડર પસંદ કરી. એની પહેલી નિયુક્તિ મદ્રાસમાં થઈ. અન્નાને મદ્રાસના પહેલાં મુખ્યમંત્રી સી. રાજગોપાલાચારી સાથે કામ કરવાનો મોકો મળ્યો. રાજગોપલાચારી અન્નાની આવડતથી વાકેફ નહીં હોય. એમણે અન્નાને સેક્રેટરિએટમાં જોડાવા કહ્યું. ત્યારે અન્નાએ સવિનય એમના પ્રસ્તાવનો અસ્વીકાર કરીને કહ્યું, ‘હું મારા પુરુષ સાથીઓની જેમ જ કોઈ પણ સંજોગોને પહોંચી વળવા સક્ષમ છું. મારી ક્ષમતા પુરવાર કરવા માટે મને એક મોકો આપો.’
રાજગોપાલાચારી અને એમના અધિકારીઓની રાજહઠે અન્નાની સ્ત્રીહઠ સામે ઝૂકવું પડ્યું. . અન્નાને હોસુર જિલ્લામાં સબ-કલેકટર તરીકે નિયુક્ત કરવામાં આવી. એક વાર અન્ના ઘોડા પર બેસીને તાલુકાના એક ગામમાં પહોંચી. ગામની કેટલીયે મહિલાઓ અન્નાને જોવા પહોંચી. જોકે મહિલાઓ અન્નાને જોઈને નિરાશ થઈ કારણ કે ’અન્ના એમના જેવી જ દેખાતી હતી. ગામની મહિલાઓ બોલી કે, ‘આ તો અમારા જેવી જ દેખાય છે !’ અન્નાએ પોતાની સેવાઓ દરમિયાન લૈંગિક ભેદભાવ સામે જોરદાર લડત આપી. સ્ત્રી પ્રત્યે પૂર્વગ્રહ ધરાવતા લોકમાનસને બદલવા પ્રયાસો કર્યા. અન્નાની કાર્યનિષ્ઠા જોઈને મુખ્ય મંત્રી સી. રાજગોપાલાચારી પ્રભાવિત થયા. મહિલાઓને જાહેર સેવાઓમાં જોડાવા સામે વિરોધ કરતા રાજગોપાલાચારીએ અન્નાની પ્રશંસા કરી.
એક વાર દેશની આ પહેલી મહિલા સનદી અધિકારી સામે સમસ્યા ખડી થઈ. હોસુર જિલ્લાના એક ગામમાં છ હાથી ઘૂસી આવ્યા. અન્ના હાથીઓને મારવાના પક્ષે નહોતી. પણ આ પરિસ્થિતિમાં શું કરવું એ તેને સમજાયું નહીં. પોતાના વરિષ્ઠ અધિકારી સાથે ચર્ચા કરીને સહાય માગી. ત્યારે અધિકારીએ વેર વાળતો હોય એ રીતે જવાબ આપ્યો, ‘આ સંકટને પહોંચી વળવા તમે તમારા દિમાગનો ઉપયોગ કરો, મિસ અન્ના....અન્નાએ પડકાર ઝીલી લીધો. એણે પોતાની સૂઝબૂઝથી હાથીઓને ફરી જંગલમાં મોકલી દીધા. ન કોઈ ઘાયલ થયું, ન કોઈને ઈજા ન થઈ.
અન્ના સફળતાની સીડી ચડવા લાગી. વડાં પ્રધાન ઇન્દિરા ગાંધી સાથે આઠ રાજ્યોનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન પગમાં ફ્રેકચર હતું, છતાં અન્નાએ રજા લીધા વિના નિષ્ઠાથી ફરજ બજાવેલી. રાજીવ ગાંધી સાથે ૧૯૮૨માં એશિયાડ પ્રોજેક્ટ પર કામ કર્યું. ૧૯૮૯માં અન્નાના યોગદાનને ધ્યાનમાં રાખીને દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી સન્માનિત કરાઈ. ૧૯૯૬માં અન્ના સેવાનિવૃત્ત થઈ. પ્રવૃત્તિમય જીવન વચ્ચે ૧૭ ડિસેમ્બર ૨૦૧૮ના અન્નાનું મૃત્યુ થયું,પણ આઈએએસ થવા માંગતી મહિલાઓ માટે ચીલો ચાતરવાનું કામ એણે કર્યું !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter