પ્રથમ મહિલા ફોરેન્સિક નિષ્ણાત : રુકમણી કૃષ્ણમૂર્તિ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 13th March 2024 06:19 EDT
 
 

કંઠ એટલો મધુર કે સાંભળીને કાનમાં મીઠાશ ઘોળાઈ જાય, પારંપારિક ઢબે પહેરેલી સાડી, કપાળે બિંદી, વાળ બાંધેલા, સેંથીમાં સિંદૂર, ગળામાં મોતીનો હાર અને હાથમાં સોનાની ચૂડીઓ...
આમ તો આ વર્ણન ભારતની કોઈ પણ સામાન્ય સ્ત્રીનું હોઈ શકે.... પણ અહીં જેની વાત થઈ રહી છે એ સામાન્ય નહીં, અસામાન્ય નારી છે. એ ભારતની પ્રથમ મહિલા ફોરેન્સિક સાયન્ટીસ્ટ રુકમણી કૃષ્ણમૂર્તિ છે ! એ શાતિર અપરાધીઓની ક્રાઈમ કુંડળી ખોલીને મૂકી દે છે. દેશના નામાંકિત ક્રાઈમ ઇન્વેસ્ટીગેટર્સમાં ફોરેન્સિક નિષ્ણાત રુકમણી કૃષ્ણમૂર્તિનું નામ અત્યંત આદરથી લેવાય છે !
ફોરેન્સિક એટલે ગુનાની શોધ માટે ઉપયોગમાં લેવાતી વૈજ્ઞાનિક પદ્ધતિ ! રુકમણી કૃષ્ણમૂર્તિએ ફોરેન્સિક નિષ્ણાત તરીકે ૧૯૯૩ના બોમ્બ વિસ્ફોટ, તેલગી સ્ટેમ્પ કૌભાંડ, ઘાટકોપર અને મુલુંડના બોમ્બ વિસ્ફોટ, ગેટ વે ઓફ ઇન્ડિયા અને ઝવેરી બજારના ટવીન બ્લાસ્ટ, ૨૬ નવેમ્બર ૨૦૦૮ના આતંકી હુમલા, નાગપુર નક્સલાઈટ હત્યાકેસ, કિંગફિશર એરલાઈન્સ સ્કેમ અને કોર્પોરેટ જાસૂસી મામલાની તપાસ કરી છે. ઉપરાંત દહેજમૃત્યુ, બળાત્કાર અને હત્યા જેવા ગુનાઓની ફોરેન્સિક-વૈજ્ઞાનિક તપાસ કરીને આંટીઘૂંટીવાળા અપરાધોનું પગેરું મેળવ્યું છે ! રુકમણી કૃષ્ણમૂર્તિના તપાસ અહેવાલો તલસ્પર્શી અને સચોટ રહેતા. ઉદાહરણ તરીકે ૧૯૯૩ના મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં રુકમણીની તપાસમાં જે કાંઈ કહેવામાં આવેલું એ જ બાબત ઇન્ટરપોલના અહેવાલમાં પણ કહેવામાં આવેલી. આંતરરાષ્ટ્રીય તપાસ એજન્સીઓ પાસે હોય એટલી જ ગુણવત્તા અને કૌશલ્ય એના ફોરેન્સિક તપાસ અહેવાલોમાં હોવાને પગલે રુકમણીનું નામ સન્માનપાત્ર બન્યું!
રુકમણીએ ગુનાશોધન સંબંધિત એકસો દસ જેટલા સંશોધનપત્રો પ્રકાશિત કર્યાં છે. ભારત સરકારે રુકમણીને એના પ્રદાન બદલ સર્વશ્રેષ્ઠ ફોરેન્સિક નિર્દેશક તરીકે સન્માનિત કરી છે. રુકમણીની ઉપલબ્ધિઓ માટે એને બાર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરાયા છે.
રુકમણી કૃષ્ણમૂર્તિએ પોતાની ફોરેન્સિક કારકિર્દીનો આરંભ પચાસેક વર્ષ પહેલાં સિત્તેરના દાયકામાં કરેલો. એણે એનાલિટિકલ કેમેસ્ટ્રીમાં અનુસ્નાતક કર્યું. રુકમણીએ પોતાના એક મિત્રને કોલેજની પ્રયોગશાળામાં ફોરેન્સિક સંશોધન કરતાં જોયેલો. ત્યારથી રુકમણીને આ કામમાં રસ પડેલો. એથી એણે ફોરેન્સિકની નોકરી સ્વીકારી લીધી. રુકમણી ૧૯૭૪માં મહારાષ્ટ્રની ફોરેન્સિક વિજ્ઞાન પ્રયોગશાળામાં જોડાઈ અને આગળ જતાં પ્રયોગશાળાની ડાયરેક્ટર બની. જોકે એની વ્યાવસાયિક સફર સુંવાળી નહીં, કાંટાળી હતી. એનું એકમાત્ર કારણ એ હતું કે રુકમણી એક નારી હતી !
રુકમણી કૃષ્ણમૂર્તિનો પહેલો કેસ દહેજમૃત્યુ અંગેનો હતો. એક પતિએ પોતાની પત્ની પર કેરોસીન રેડીને દીવાસળી ચાંપી દીધેલી. પત્ની બળીને ભડથું થઈ ગયેલી. રુકમણીએ આ કેસ અંગે કહેલું કે, ‘હું તો એ વિચારીને જ થથરી ગયેલી કે પેલી મહિલાએ કેટલી યાતનાઓ, કેટલી પીડા વેઠવી પડી હશે. પણ મારા ઉપરીએ મને કહ્યું કે, ગુનાખોરી સાથે કામ કરતાં આપણે ઘણી વાર નિકૃષ્ટ બાબતોનો સામનો કરવો પડે છે. માણસના સૌથી ક્રૂર પાસાં જોવા પડે છે. પણ એવા સમયે લાગણીમાં તણાઈ જવાને બદલે કે સંવેદનશીલ થવાને બદલે જાત પર નિયંત્રણ મૂકીને ગુનેગારને ઝડપવા માટે વૈજ્ઞાનિક તપાસથી પોલીસને મદદ કરવી જોઈએ.’
આ શીખ ગુંજે બાંધીને રુકમણી કામે વળી. રુકમણીએ બોમ્બ ધડાકાઓના આરોપીઓને ઝબ્બે કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવેલી. ગુનાશોધનને વૈજ્ઞાનિક પ્રયોગો દ્વારા નિર્ણાયક તબક્કે પહોંચાડનાર રુકમણી ૨૦૦૮માં સેવાનિવૃત્ત થઈ. સેવાનિવૃત્ત થયા પછી ૨૦૧૨માં રુકમણીએ હેલિક એડવાઈઝરી નામની પોતાની ફોરેન્સિક પ્રયોગશાળાની સ્થાપના કરી. રુકમણીએ આ પ્રકારની પ્રયોગશાળાઓની પરંપરા સરજી. ૨૦૦૨થી ૨૦૦૮ સુધીમાં રુકમણીએ મુંબઈ, નાગપુર, પુણે, ઔરંગાબાદ, નાસિક અને અમરાવતીમાં છ વિશ્વસ્તરની ફોરેન્સિક પ્રયોગશાળાનું નિર્માણ કર્યું .ન્યાય સહુને મળવો જોઈએ એવું માનતી રુકમણી ફોરેન્સિક ક્ષેત્રના નવા નિશાળિયાઓને સંદેશ આપે છે : ‘તમે તમારું કામ સંપૂર્ણ નિષ્ઠાથી કરો. તમારા ક્ષેત્રની છેલ્લામાં છેલ્લી પ્રગતિથી વાકેફ રહો અને એક વાર જે વલણ અપનાવો એને અદાલતમાં મક્કમતાથી વળગી રહો... આટલું કરશો તો સમજી લ્યો કે સફળતા તમારી મુઠ્ઠીમાં છે !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter