આ સપ્તાહનું સ્વાદિષ્ટ વ્યંજન...
સામગ્રી: રાજગરાનો લોટ - 1 કપ ન થીજેલું ઘી - 1 કપ • બૂરું ખાંડ - 1 કપ • સૂકા કોપરાની છીણ - અડધો કપ • મિક્સ ડ્રાયફ્રૂટ પાઉડર - પા કપ • ઈલાયચી પાઉડર - 1 ચમચી • બદામ - ગાર્નિશ માટે
રીત: સૌપ્રથમ બધી સામગ્રી એકઠી કરી લો. લોટ, ઘી વગેરે રૂમ ટેમ્પરેચર પર હોવા જોઈએ. મિક્સિંગ બાઉલમાં ઘી અને બૂરું ખાંડને 5થી 10 મિનિટ સુધી ફેંટો. તેનો રંગ એકદમ સફેદ થઈ જશે. ઓવનને દસ મિનિટ પ્રિ-હિટ કરી લો. બદામને બે ભાગમાં કાપી લો. હવે રાજગરાનો લોટ, ડ્રાયફ્રૂટ પાઉડર, ઈલાયચી પાઉડર અને સૂકા કોપરાની છીણને ફેંટેલા મિશ્રણમાં મિક્સ કરી લો. સરસ લોટ બંધાઈ જાય એટલે મીડિયમ સાઈઝના ગોળા વાળી બટર પેપર મૂકી ઓવનની ટ્રેમાં ગોઠવો. દરેક નાનખટાઈ વચ્ચે અંતર રાખવું. તેની ઉપર બદામની સ્લાઈસને થોડી દબાવીને મૂકો. નાનખટાઇને આશરે 20થી 25 મિનિટ સુધી બેક કરવાની છે. તૈયાર થયેલી નાનખટાઈમાં થોડી તિરાડ પડી જશે અને રંગ બદામી થઈ જશે. સાથે સાથે જ રાજગરાના લોટની સુગંધથી પણ તમને ખબર પડી જશે કે નાનખટાઈ સરસ બેક થઈ ગઈ છે. ટ્રેને બહાર કાઢીને ઠંડી થવા દો. આ નાનખટાઈને સ્ટોર કરી ઉપવાસમાં ખાઈ શકાય છે. એકદમ નરમ અને મોંમાં મૂકતાં જ ઓગળી જાય તેવી નાનખટાઈ બનશે.


