ફાઇન લાઇન્સઃ ઉંમર સાથે દેખાતો બદલાવ

(બ્યૂટી કેર)

Saturday 25th July 2026 10:22 EDT
 
 

ઉંમર વધતી જાય તેમ ચહેરા પર ફાઈન લાઇન્સ અને રિંકલ્સ દેખાવા લાગવા સ્વાભાવિક પ્રક્રિયા છે. સામાન્ય રીતે 30 વર્ષની આસપાસથી ત્વચાનું લચીલાપણું ધીમે ધીમે ઘટવા લાગે છે. પરિણામે કપાળ, આંખોની આસપાસ અને હોઠ પાસે નાની લાઈન્સ દેખાવા લાગે છે. આ બદલાવને સંપૂર્ણપણે તો રોકી શકાતો નથી, પરંતુ યોગ્ય કાળજી રાખીને તેની ઝડપ ધીમી જરૂર કરી શકાય છે.
ફાઇન લાઇન્સ અને રિંકલ્સ થવાનું મુખ્ય કારણ ત્વચામાં રહેલા કોલેજન અને એલાસ્ટિનનું પ્રમાણ ઓછું થવું છે. ઉમર સાથે શરીર આ બંને તત્વ ઓછા બનાવે છે, જેના કારણે ત્વચા ઢીલી પડવા લાગે છે. ઉપરાંત આકરા તાપની અસર, પ્રદૂષણ, અનિયમિત ઊંઘ, તણાવ અને પૂરતું પાણી ન પીવું પણ ત્વચાને ઝડપથી વૃદ્ધ દેખાડે છે.
આ સમસ્યાને ઓછી કરવા માટે આજકાલ બજારમાં અનેક સ્કિનકેર પ્રોડક્ટ્સ અને ટૂલ્સ ઉપલબ્ધ છે. એન્ટી-એજિંગ ક્રીમ, સીરમ અને નાઇટ ક્રીમમાં રેટિનોલ, હાયલુરોનિક એસિડ અને વિટામિન સી જેવા ઘટકો હોય છે, જે ત્વચાને હાઈડ્રેટ રાખવામાં અને ફાઇન લાઇન્સ ઓછા દેખાડવામાં મદદરૂપ બને છે. કોલેજન અથવા ગોલ્ડ ફેસ માસ્ક પણ ત્વચાને તાજગી અને નરમાશ આપે છે.
આ સિવાય સ્કિનકેર ટૂલ્સ પણ લોકપ્રિય બની રહ્યા છે. ફેસ મસાજર, જેડ રોલર અને ગુઆ શા જેવા ટૂલ્સ ચહેરાના બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે અને ત્વચાને થોડી ટાઈટ દેખાડવામાં મદદ કરે છે. કેટલાક લોકો એલઈડી ફેસ માસ્ક અથવા માઇક્રોકરન્ટ ટૂલ્સનો પણ ઉપયોગ કરે છે, જે ત્વચાનો દેખાવમાં સુધારવામાં ઉપયોગી મનાય છે.
સાથે સાથે સનસ્ક્રીનનો નિયમિત ઉપયોગ, મોઈશ્ચરાઈઝર, સંતુલિત આહાર, પૂરતું પાણી અને સારી ઊંઘ પણ ત્વચાને લાંબા સમય સુધી તાજગીભરી રાખવામાં ભૂમિકા ભજવે છે. યોગ્ય સ્કિનકેર રૂટીન અપનાવીને ફાઇન લાઇન્સ અને રિંકલ્સને ઘણી હદ સુધી ઓછા દેખાડવી શક્ય બને છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter