થાઈલેન્ડમાં આયોજિત મિસ યુનિવર્સ બ્યુટી કોન્ટેસ્ટની ગ્રાન્ડ ફિનાલેમાં મેક્સિકોની ફાતિમા બોશના શિરે વિશ્વ સુંદરીનો તાજ મૂકાયો છે. 25 વર્ષીય ફાતિમા પહેલેથી જ 120 સ્પર્ધકોમાં ટોચની દાવેદારોમાંની એક હતી. મિસ યુનિવર્સ 2025ની વિનર તરીકે ફાતિમાનું નામ જાહેર થતાં જ ડેન્માર્કની ભૂતપૂર્વ મિસ યુનિવર્સ વિક્ટોરિયા કજાર થિલવિગે તેને તાજ પહેરાવ્યો હતો.
ફાતિમાને કારણે પાંચ વર્ષ પછી મેક્સિકોમાં મિસ યુનિવર્સનો તાજ પાછો આવ્યો છે. 2020માં એન્ડ્રીયા મેઝા મિસ યુનિવર્સ જીતનારી છેલ્લી મિસ મેક્સિકો હતી.
ફાતિમાના સંઘર્ષે સૌને પ્રભાવિત કર્યા છે. ફાતિમાને નાની ઉંમરે ડિસ્લેક્સિયાનું નિદાન થયું હતું. આ ઉપરાંત તે ADHD અને હાયપરએક્ટિવિટી સાથેના તેના સંઘર્ષ વિશે પણ ખુલીને તેના વિચારો વ્યક્ત કરતી રહી છે. તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે, આ બધી સમસ્યાઓને કારણે સ્કૂલમાં તેણે બુલિંગનો સામનો કર્યો છે. ફાતિમાની આ જીત દર્શાવે છે કે, કેવી રીતે તમામ પડકારો વચ્ચે પણ હિંમત કરીને જીત મેળવી શકાય છે.
ફાતિમાએ મેક્સિકોમાં ફેશન અને એપરલ ડિઝાઈનનો અભ્યાસ કર્યો છે અને ત્યારબાદ તે ઇટાલીના મિલાનમાં આવેલી વિશ્વ પ્રસિદ્ધ એકેડમીમાં અભ્યાસ માટે ગઈ હતી.
મિસ યુનિવર્સનો તાજ જીતવા બદલ તેને લગભગ રૂ. 2.20 કરોડની પ્રાઇઝ મની ઉપરાંત મહિને રૂ. 44 લાખની સેલરી મળશે જેમાં, મિસ યુનિવર્સના પ્રચારની તમામ ઈવેન્ટ્સનો સમાવેશ થાય છે.


