ફેશન મંત્રઃ લુકને ટ્રેન્ડી બનાવતી વૈવિધ્યપૂર્ણ રિંગ્સ

Saturday 24th September 2022 08:30 EDT
 
 

યુવતીઓને ઘરેણાં પહેરવાનો શોખ હોય છે. પછી એ ટીનેજર હોય કે હાઉસવાઇફ. એમાંય અત્યારે લાઇટવેઇટ જ્વેલરીની ફેશન ચાલી રહી છે. યુવતીઓ બીજા બધા દાગીના પહેરે કે ના પહેરે પણ આંગળીમાં રિંગ પહેરવાનું તેઓ બહુ પસંદ કરે છે. દરેક વર્ગ હેવી અને ક્લાસી લુકમાં રિંગ્સને પસંદ કરી રહી છે. તો આજે વાત કરીએ ક્લાસી રિંગ્સની.
• સિમ્પલ રિંગ્સઃ બજારમાં સિમ્પલ અને સોબર રિંગની બોલબાલા છે. તેથી સામાન્યથી માંડી હેવી રેન્જની રિંગ્સ બજારમાં ઉપલબ્ધ છે. મટીરિયલની વાત કરીએ તો યલો ગોલ્ડ, વ્હાઇટ ગોલ્ડ, સિલ્વર કે પ્લેટિનમથી બનાવવામાં આવેલી રિંગ માનુનીઓની આંગળીની શોભા વધારી રહી છે. આ ઉપરાંત રોઝ ગોલ્ડ પણ આજકાલ પસંદ કરાઇ રહ્યું છે. આજે બજારમાં રિંગ્સમાં કલર ઓપ્શન ઘણા છે. જેમને સિલ્વર જ્વેલરી પસંદ છે તે વ્હાઇટ ગોલ્ડ પસંદ કરી શકે છે. પ્યોર ગોલ્ડમાં પણ ડાયમંડનું ચલણ વધારે છે. રૂટિન લાઇફમાં સિમ્પલ રિંગ હોટ ફેવરિટ છે.
• ફ્લાવર રિંગ્સઃ રિંગ્સમાં ફ્લાવર ડિઝાઇન ઇન ટ્રેન્ડ છે. એમાં એક અને એકથી વધારે ફ્લાવર ઉપલબ્ધ છે. ઘણાંને સિમ્પલ કરતાં ઊડીને આંખે વળગે એવી રિંગ્સ પહેરવી પસંદ હોય છે. આ પ્રકારની રિંગ્સમાં કલરફુલ ફ્લાવર ઉપલબ્ધ છે. એમાં કોઇ એક રંગના ફ્લાવરની પસંદગી કરવાને બદલે મલ્ટિ કલરની ફ્લાવર રિંગ્સ પસંદ કરો. આ રિંગ્સ તમને કૂલ અને ક્લાસી લુક આપશે.
• હેવી લીફ રિંગ્સઃ પાર્ટી અને ફંક્શન માટે હેવી લીફ રિંગ્સ ઉત્તમ ઓપ્શન છે. આ ગોલ્ડ લીફ રિંગ્સ સાડી, ચોલીથી માંડી વનપીસ એમ દરેક આઉટફિટમાં આકર્ષક લાગશે. રૂટિનમાં આ પ્રકારની રિંગ્સ પહેરવાનું ટાળો.
• ટૂ ફિંગર રિંગ્સઃ સામાન્ય રીતે આપણે આંગળીમાં એક રિંગ પહેરતાં હોઇએ છીએ. કંઇ યુનિક લૂક માટે આજકાલ ટૂ ફિંગર રિંગ ચલણમાં છે. આમાં રિંગ એક જ હોય છે પરંતુ તેને બે આંગળીમાં પહેરવામાં આવે છે. જેથી બંને આંગળીઓ ભરાવદાર અને આકર્ષક લાગે છે. ટૂ ફિંગર રિંગ્સમાં લીફથી માંડી ફ્લાવર, જ્યોમેટ્રિકલ, હાર્ટ એમ વિવિધ ડિઝાઇન ઉપલબ્ધ છે. આ પ્રકારની રિંગ પાર્ટી, નાનામોટા પ્રસંગોમાં સારી લાગે છે પરંતુ રૂટિન લાઇફમાં પહેરવામાં કમ્ફર્ટેબલ નથી.
• મલ્ટિ કલર્ડ મિરર રિંગઃ અમુક કોલેજગોઇંગ ગર્લ્સ અને યુવતીઓને સિંગલ અથવા વ્હાઇટ ડાયમંડ કરતાં મલ્ટિ કલર વધુ ગમતાં હોય છે. મલ્ટિ કલર્ડથી આંગળી ભરેલી ભરેલી તો લાગે જ છે. આ ઉપરાંત સામેની વ્યક્તિને ઊડીને આંખે વળગે છે. એમાં નાના નાના કલરફુલ ડાયમંડની સ્ટાર, રાઉન્ડ, આઉલ, હાર્ટ વગેરે શેઇપમાં રિંગ્સ મળે છે. મલ્ટિ કલર્ડ મિરર રિંગ હેવી આઉટફિટ સાથે વધુ શૂટ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter