ફેશન મંત્રઃ વેસ્ટર્ન અને ઇન્ડિયન આઉટફિટમાં ઇન ટ્રેન્ડ છે ઇયર કફ

Saturday 09th July 2022 08:42 EDT
 
 

ઇયરિંગ્સ કોઈ પણ મહિલાના લુકને બદલી નાંખે છે. યુવતીઓ અલગ અલગ આઉટફિટ સાથે ડિફરન્ટ સ્ટાઇલનાં ઇયરિંગ્સ પહેરવાનું પસંદ કરે છે. ઘણી વખત તો ફક્ત સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ પહેરીને પણ પોતાના લુકને સ્ટાઇલિશ બનાવે છે અને અન્ય એક્સેસરીઝને સ્કિપ કરી દે છે. એરિંગ્સમાં આજકાલ ઇયર કફ ઇન ટ્રેન્ડ છે. ઇયર કફ કાનમાં પહેરવાની એક જ્વેલરી છે. તેને પહેરવાની સ્ટાઇલ થોડી અલગ હોય છે. આમ તો નેવુંના દાયકામાં તેની ફેશન હતી, પરંતુ હવે નવાં રંગરૂપ સાથે બજારમાં મળતી થઇ છે. બોલિવૂડ અભિનેત્રીઓ પણ અલગ અલગ ડિઝાઇનના ઇયર કફ પહેરતી જોવા મળે છે.

કોલેજ ગોઇંગ ગર્લ્સથી માંડી વર્કિંગ વુમન માટે ઇયર કફ ઉપલબ્ધ છે. તેની ખાસિયત એ છે કે તેને વેસ્ટર્ન આઉટફિટથી માંડી ઇન્ડો વેસ્ટર્ન અને ટ્રેડિશનલ આઉટફિટ સાથે પહેરી શકાય એટલી વેરાઇટી અને સ્ટાઇલનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આઉટફિટ અને ઇયર કફ
ઇયર કફ એક એવું સ્ટાઇલ સ્ટેટમેન્ટ છે, જેને તમે રેગ્યુલરમાં પણ કેરી કરી શકો છો. તેથી યુવતીઓ ડિફરન્ટ પેટર્નના ઇયર કફ બ્યુટી બોક્સમાં સંઘરતી થઇ છે. તેમની પસંદગીની વાત કરીએ તો તેઓ બટરફ્લાય પ્રકારના ઇયર કફ પહેરવાનું પસંદ કરે છે. અમુક લોકો થિમ્સવાળી તો કોઇક હાર્ટ શેપના ઇયર કફ પહેરે છે. નાના નાના પલ્સ અને ડાયમંડવાળા ઇયર કફ યંગ જનરેશનમાં હોટ ફેવરિટ છે. આ ઉપરાંત ટ્રાયબલ લુકના ઇયર કફ આજકાલ વધારે ચલણમાં છે. ઇયર કફ ઇવનિંગ ગાઉન, વન પીસ ડ્રેસ, ટ્યૂનિક્સ વગેરે સાથે પહેરી શકો છો. ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટની સાથે ઇયર કફ પહેરવા હોય તો એ શિમરવાળા ન હોય એનું ધ્યાન રાખો. પાર્ટીમાં શિમરવાળા ઇયર કફ વધુ સારા લાગે છે.

હેર સ્ટાઇલ અને ઇયર કફ
જો તમે ઇયર કફ પહેરવાના મૂડમાં હોવ તો તમે હેર સ્ટાઇલ પર જરૂર ધ્યાન આપો. ખુલ્લા વાળમાં ઇયર કફ પહેરવાનું ટાળો, કારણ કે ખુલ્લા વાળમાં કાન ઢંકાઇ જાય છે. વળી, ઇયર કફ કાનની પાછળની તરફ પહેરવામાં આવે છે તેથી એવી હેર સ્ટાઇલ બનાવો જેમાં તમારા ઇયર કફ ઊડીને આંખે વળગે. જેમ કે, તમે હાફ પોની, ફુલ પોની, બન, પોની ટેલ, સાગર ચોટલો વગેરે જેવી હેર સ્ટાઇલ લઇ શકો. આ પ્રકારની હેરસ્ટાઇલમાં તેનો લુક, તેની બ્યુટી બધું આરામથી દેખાશે અને તમારો ચહેરો આકર્ષક લાગશે.
જે યુવતીઓને આર્ટિફિશિયલ ઇયરિંગ્સ સૂટ નથી થતાં તેઓ ઇયર કફ ટ્રાય કરી શકે છે. એનાથી કાન લટકી પણ નહીં પડે. સેન્સિટિવ સ્કિન માટે ક્લિપ ઓન ઇયર કફ પહેરવાનું વિચારી શકો. તેના માટે કાનમાં કાણું પડાવવું પડતું નથી. સ્ટાઇલિશ લુક આપતાં ઇયર કફ અલગ અલગ શેપ, થીમ અને ડિઝાઇનમાં ઉપલબ્ધ છે. ઇયર કફ તમારા કાનમાં મોટાભાગને કવર કરે છે એટલે કાન ભરાવદાર પણ લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter