ફેસ એક્સરસાઈઝથી ત્વચા બનાવો ફેન્ટાસ્ટિક

Monday 07th October 2019 06:19 EDT
 
 

પ્રદૂષિત વાતાવરણ અને અનિયમિત લાઈફસ્ટાઈલના લીધે સામાન્ય રીતે ત્વચા પર ખૂબ ખરાબ અસર પડે છે. ચહેરા પર હંમેશા ગ્લો લાવવા આપણે મોંઘા કોસ્મેટિકસનો ઉપયોગ કરીએ છીએ. ઘણી બ્યુટી ટ્રીટમેન્ટ લઈએ જેમકે ફેશિયલ કે ક્લિન અપ કરાવીએ છીએ, પરંતુ સ્કિન પર ઝાઝો સમય નિખાર ટકતો નથી. કોમળ અને ચમકતી ત્વચા માટે નિયમિત થોડી ફેસ એકસરસાઇઝ કરી શકાય. ફેસ એકસરસાઇઝ કરી ત્વચાને તરોતાજા અને ગ્લોઇંગ રાખવી એક સારી પ્રાકૃતિક રીત છે.

ફિશ લિપ્સ

હોઠને માછલીના મોં જેવા બનાવો. એમાં હોઠના વચ્ચેના ભાગને બહાર અને બંને છેડાના ભાગને અંદરથી બાજુ દબાવી રાખો. હવે આ જ મુદ્રામાં દસેક સેકન્ડથી ૨૦ સેકન્ડ રહો. આવું દિવસમાં માત્ર ત્રણ વખત કરો.

વી સ્ટ્રેચ

તમારા બંને હાથની બીજી અને ત્રીજી આંગળઓથી ‘વી’ બનાવો અને બીજી આંગળી (ઇન્ડેકસ ફીંગર)ને આઇબ્રોના બહારના ખૂણા પર દબાવો અને ત્રીજી આંગળીઓને અંદરના ખૂણા પર રાખો આઈ બ્રોના કોર્નર પર પ્રેસર આપો સિલિંગ તરફ જોઇ નીચેનાં પોપચાંને ઉપર તરફ ઊંચકો અને પછી રિલેકસ થાવ. તમારી આંખો પાંચથી દસ સેકન્ડ બંધ રાખો અને આ એકસરસાઇઝ છ વાર કરો. આ એકસરસાઇઝથી પફી આઇઝમાં ફાયદો રહે છે.

પ્રેસ ધ ચીકસ

તમારા બંને ગાલ હાથની આંગળીઓથી દબાવો. ત્રીસ સુધી ગણતરી કરી ફેસને આ જ સ્થિતિમાં રાખો. આ એકસરસાઇઝને દસ વાર કરો. આ એકસરાઇઝથી કોલાજન વધે છે અને ગાલ પર ગુલાબી નિખાર આવે છે.

સ્માઇલ સ્મુધર

હોઠથી દાંત સંતાડી મોઢાથી ‘ઓ’ શેપ બનાવો દાંત છુપાયેલા જ રહે એ રીતે સ્મિત કરો. બીજી આંગળી હડપચી પર રાખી સ્માઇલ કરો અને ઓછામાં ઓછા છથી દસ વાર જડબાંને ઉપર નીચે કરો. માથું પાછળની બાજુ સાધારણ નમશે. રિલેકસ થવા બે વાર આ એકસરસાઇઝ કરો. આ એકસરસાઇઝ ચહેરા પરના રિંકલ્સ દૂર કરવામાં મદદ કરશે.

બલૂન એકસરસાઇઝ

ઊંડા શ્વાસ લો અને ફુગ્ગો ફુલાવવા માટે મોઢામાં હવા ભરો એટલી હવા મોંમાં ભરો. પાંચ સેકન્ડ સુધી આ જ સ્થિતિમાં રહ્યા બાદ ફૂલેલા બંને ગાલને એક પછી એક હળવેથી દબાવો. પછી સામાન્ય મુદ્રામાં આ આવી જાવ. આ એકસરસાઇઝ દરરોજ પાંચથી સાત વાર રિપિટ કરવી.

લાયન ફેસ

આ વ્યાયામ માટે ઘૂંટણો પર બેસી જીભ બહાર કાઢી નીચેની તરફ રાખો. મોંથી શ્વાસ લઇ બહાર કાઢો. ત્યાર બાદ સામાન્ય મુદ્રામાં આવી ઊંડા લાંબા શ્વાસ લો. આ કસરત દરરોજ બેથી પાંચ વાર કરો.

માઉથવોશ એકસરસાઇઝ

આ ફેસ એકસરસાઇઝ તમારા ગાલ પરથી વધારાની ચરબી દૂર કરે છે અને ચહેરા પર ગ્લો લાવે છે. તમારા મોંમાં હવા ભરી એને આપણે કોગળા કરીએ છીએ એ રીતે એક ગાલ પરથી બીજા ગાલ પર ટ્રાન્સફર કરો. દસથી પંદર વાર આ એક્સરસાઈઝ કરો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter