ભરતપુરઃ રાજસ્થાનના ભરતપુરમાં વિશ્વના સૌથી મોટાં ‘અપના ઘર’ આશ્રમના 6500થી વધુ અસહાય લોકોની સંભાળ 56 વર્ષનાં બબીતા ગુલાટી લે છે. ખાસ વાત એ છે કે તેઓ ખુદ પોલિયોગ્રસ્ત છે. બાળપણમાં જ તેમના બન્ને પગ અને જમણો હાથ નિષ્ક્રિય થઇ ગયા હતા, પરંતુ તેમણે હિંમત હારી નહોતી. તેમણે બી.કોમ. કર્યું અને વર્ષ 2009માં ‘અપના ઘર’ આશ્રમમાં રિશેપ્શનિસ્ટ તરીકે નોકરી શરૂ કરી. અહીં તેમને તેમના જીવનનું લક્ષ્ય મળી ગયું.
વર્ષભરમાં જ નોકરી છોડીને વોલન્ટિયર બની ગયાં હતાં. હવે તેઓ 100 વીઘામાં ફેલાયેલા ‘અપના ઘર’ આશ્રમનાં વહીવટી અધિકારી અને અધ્યક્ષ છે. અહીં તેઓ માનસિક અને શારીરિક રૂપથી અસહાય લોકોને રેસ્ક્યુ, રજિસ્ટ્રેશન, આવાસ, ભોજન, સારવાર, સ્વચ્છતા, ડિમાન્ડ, પુનઃવસન, ટ્રેનિંગ, પ્રોટેક્શન, અભ્યાસ અને અંતિમ વિદાય સુધીની તમામ વ્યવસ્થા કરે છે. આ કામમાં તેમને 480 કર્મીઓનો સ્ટાફ મદદ કરે છે. આથી બબીતા આશ્રમમાં વસતા લોકોનાં હૃદયમાં વસે છે અને નવજાતથી માંડીને વયોવૃદ્ધો માટે ‘બબીતા દીદી’ છે. તેમના કામનો કોઈ સમય નક્કી નથી. રોજ સવારે જાગવાથી માંડીને મોડી રાત્રે સૂએ ત્યાં સુધી ઓટોમેટિક વ્હીલચેર ઉપર ફરતાં રહીને આશ્રમમાં મોનિટરિંગ કરે છે.
દેશ-વિદેશમાં 62 આશ્રમ
• સંસ્થાના દેશ-વિદેશમાં ફેલાયેલા 62 આશ્રમોમાં રહેતાં 15 હજાર લોકોની વહીવટી વ્યવસ્થા સંભાળે છે. આ માટે તેમનો મોબાઈલ રણકતો રહે છે.
• કામના આ ભારે-ભરખમ બોજની વચ્ચે પણ બબીતા સામાન્ય રીતે એક ગીત ‘એક દીન બિક જાયેગા માટી કે મોલ, જગ મેં રહ જાયેંગે પ્યારે તેરે બોલ...’ ગણગણતા રહે છે. તેઓ કહે છે કે આ જ સત્ય છે.
• એક સવાલના જવાબમાં બબીતા કહે છે કે બસ, મગજને અપંગ ના રાખો, પછી કોઈ કામ તમને કંટાળાજનક નહીં લાગે, પણ કામનો બોજો વીજળીની માફક ઉત્સાહિત કરશે.
• બબીતા કહે છે કે આશ્રમમાં બધા લોકો મારા માટે અસહાય નહીં, પણ ભગવાન છે. એટલે કે ઈશ્વરે આપણને તેમની સેવાનું સૌભાગ્ય આપ્યું છે. આને કર્તવ્ય સમજીએ.