બલોચ આંદોલનમાં નવું જોમ પૂરે છે 30 વર્ષની મહરંગ

Wednesday 24th January 2024 05:54 EST
 
 

પાકિસ્તાનમાં વર્ષોથી અલગ બલૂચિસ્તાનની માગણી સાથે બલોચ આંદોલન ચાલી રહ્યું છે. બલોચ લોકો તેમની સંસ્કૃતિ અને પરંપરા બચાવવા માટે લડત ચલાવી રહ્યાં છે. અને આ માટે જાનની બાજી લગાવી રહ્યા છે. કેટલાય બલોચ નેતાઓને પાકિસ્તાનની સરકારે જેલમાં બંધ કર્યા છે ને કેટલાય નેતાઓને પાકિસ્તાની લશ્કરે ઠાર કર્યા છે. જોકે હવે એક બલોચ મહિલા નેતાએ આંદોલનને નવી ઉર્જા આપી છે. આ યુવા નેતાનું નામ છે મહરંગ બલોચ.

30 વર્ષની મહરંગ બલોચના સબળ નેતૃત્વે પાકિસ્તાન સરકાર અને સૈન્યની ઊંઘ ઉડાડી દીધી છે. તેમના પિતા એક બલોચ નેતા હતા અને 2009માં પાકિસ્તાની સૈન્યે તેમનું અપહરણ બાદ હત્યા કરી નાંખી હતી. એ વખતે મહરંગ ટીનેજર હતી. આજે એમબીબીએસની ડિગ્રી મેળવી ચૂકેલી મહરંગ બલોચ હવે આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આઝાદ બલૂચિસ્તાન માટે લડતી આ 30 વર્ષની મહિલાના કારણે બલોચ આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મહરંગ યુવાનો અને મહિલાઓમાં બેહદ લોકપ્રિય છે.
મહરંગે બલોચે પાકિસ્તાનમાં ધરણાં-વિરોધ પ્રદર્શનની સાથે સાથે યુએનની ઓફિસ બહાર ધરણાનું આહ્વાન કર્યું હતું. આ પછી ડરી ગયેલી પાકિસ્તાન સરકારે ધરણાના સ્થળે લોખંડી બંદોબસ્ત તૈનાત કરી દીધો હતો. મહરંગે પાકિસ્તાનની સરકારને કહે છે કે અમને ડરાવવાની કોશિશ થઈ રહી છે, પરંતુ અમે નીડર થઈને લડત આપીશું. હાર માનીશું નહીં.
મહરંગે પાકિસ્તાનની સરકારને આંખે પાણી લાવી દીધું છે એમ કહીએ તો પણ ખોટું નથી. મહરંગના નેતૃત્વમાં બલોચ આંદોલને જે વેગ પકડ્યો છે તે જોઇને બરાબર અકળાયેલા પાકિસ્તાનના કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કાકરે ભારત પર આરોપની સામે આરોપની ઝડી વરસાવી છે. પાક.ના કાર્યકારી વડાપ્રધાને આક્ષેપ કર્યો છે કે ભારત બલોચ નેતાઓને ઉશ્કેરી રહ્યું છે અને આંદોલન માટે આર્થિક સહયોગ પણ પૂરો પાડી રહ્યું છે. કાકરે તો એવો પણ આક્ષેપ કર્યો છે કે ભારત બાંગ્લાદેશની જેમ બલૂચિસ્તાનને પણ પાકિસ્તાનથી અલગ કરવાના પ્રયાસો કરી રહ્યું છે. કાકરનો બળાપો કેટલો સાચો છે એ તો ઉપરવાળો જાણે, પરંતુ પાકિસ્તાન બલોચ આંદોલનકારીઓથી ડરી તો ગયું જ છે એ હકીકત છે. આનું કારણ એ છે કે બલોચ આંદોલનકારીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે તેઓ પાકિસ્તાનથી સ્વતંત્ર થવા માંગે છે. અને આ કારણસર જ પાકિસ્તાન સરકાર અને સેના બલોચ આંદોલનકારીઓને લોખંડી હાથે કચડી નાંખવા દિવસરાત મથી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter