બાળાથી લઈને વૃદ્ધા સુધી દરેકની માનીતી મહેંદી

Wednesday 22nd January 2020 05:38 EST
 
 

બાળાથી લઈને વૃદ્ધા સુધી કોઇક જ હશે જેને મહેંદી લગાવવી પસંદ ન હોય. લગ્નનો પ્રસંગ હોય કે તહેવાર માનુનીઓ મહેંદી લગાવવાનું અચૂક પસંદ કરે છે. હવે તો તૈયાર મહેંદીની ડિઝાઈન પણ માર્કેટમાં ઉપલબ્ધ છે. મહેંદીના માર્કેટમાં મળતા ગ્લિટર સાથેના અને ગ્લિટર વગરના ટેટુ પણ ઘણી યુવતીઓ પસંદ કરે છે. આજકાલ આ મહેંદીનો ટ્રેન્ડ વધુ ચાલી પણ રહ્યો છે. જોકે અહીં કેટલીક મહેંદીની ડિઝાઈન આપી છે જે તમને મદદરૂપ થઈ શકે છે.

બ્રાઈડલ મહેંદી ડિઝાઈન

હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે અને દુલ્હનને પોતાનો દરેક શણગાર ખાસ અને યુનિક હોય એવી ઈચ્છા હોય છે. આજકાલ ખાસ કરીને દુલ્હનો પ્રસંગ મહેંદી કરાવે છે. આ મહેંદીમાં તેના નાનપણથી મોટા થયાના પ્રસંગો કંડારાય છે. આ ઉપરાંત લગ્નની વિધિઓને મહેંદીમાં ઢાળવાનો પણ ક્રેઝ છે. દુલ્હા દુલ્હનના ચહેરાને મહેંદીથી હાથમાં કંડારવાનો ક્રેઝ પણ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યો છે. રાજસ્થાની ઝીણી પાતળી ભરચક ડિઝાઈન પણ યુવતીઓને પસંદ આવી રહી છે.

અરેબિક મહેંદી

અરેબિક મહેંદી ડિઝાઈનમાં મહેંદીની લાઈન્સ થોડી ભરાવદાર હોય છે અને ખાસ કરીને ફૂલપત્તાંની ડિઝાઈન આ સ્ટાઈલમાં સરસ લાગે છે. આ મહેંદી આખી હથેળીમાં નહીં પણ એક ચોક્કસ શેપમાં લગાવાય છે. આ મહેંદી જલદી લાગી પણ જાય છે અને દેખાવમાં સિમ્પલ પણ હોય છે.

પાકિસ્તાની મહેંદી

પાકિસ્તાની મહેંદી સ્ટાઈલની ડિઝાઈન બહુ જ બારીક હોય છે. આ મહેંદીમાં એક ડિઝાઈનથી બીજી ડિઝાઈનને બનાવતી સમયે થોડો ગેપ રાખવામાં આવે છે જેથી આ ડિઝાઈન સ્પષ્ટ દેખાય. બારીક મહેંદી ડિઝાઈનના લીધે આ મહેંદી ઘણી યુનિક લાગે છે.

ગ્લિટર મહેંદી

ગ્લિટર મહેંદી સ્ટાઈલમાં ડિઝાઈનની કેટલીક લાઈન્સ વચ્ચે ચમકદાર ગ્લિટરનો ઉપયોગ કરાય છે. ગ્લિટર મહેંદી પર ચમકતું હોવાથી મહેંદી બહુ જ સુંદર દેખાય છે. આ સ્ટાઈલમાં હાથમાં પહેલાં કોનથી મહેંદી લગાવાય છે અને પછી મહેંદી ડિઝાઈનની વચ્ચે ગ્લિટર ફિલ કરવામાં આવે છે. આ મહેંદી હાથમાં ઘણી સુંદર લાગે, પણ મહેંદી લગાવ્યા પછી પાણીમાં હાથ નાંખી શકાતા નથી. ટૂંકમાં ગ્લિટર મહેંદી કોઈપણ પ્રસંગના બે ચારેક કલાક પહેલાંથી જ લગાવવી પડે છે.

ટેટુ મહેંદી ડિઝાઈન

ટેટુ મહેંદીની સ્ટાઈલ હાલમાં ઘણી પ્રખ્યાત છે. માર્કેટમાં મહેંદીના તૈયાર બીબાં ઉપલબ્ધ જ હોય છે અથવા તમે મહેંદી ટેટુ કરાવી પણ શકો છો. જો તમે પણ આ પ્રકારની મહેંદી ડિઝાઈન લગાવવા ઈચ્છો છો તો ફેસ્ટિવલ અથવા ખાસ અવસર પર તમે આ ડિઝાઈન જરૂર ટ્રાય કરી શકો છો.

મહેંદીમાં ઘાટ્ટો રંગ લાવવાની ટિપ્સ

  • મહેંદીનો રંગ ઘાટ્ટો લાવવા જેટલો વધુ સમય મહેંદી હાથમાં રાખી શકો ત્યાં સુધી રાખો
  • મહેંદીનો ઘાટ્ટો રંગ લાવવા મહેંદી લગાવીને એની પર નીલગીરીનું તેલ લગાવવું
  • મહેંદી થોડી સુકાઈ જાય ત્યારે લીંબુ અને ખાંડનું મિશ્રણ લગાવો
  • મહેંદીને ઉખેડવા માટે બને તો પાણીનો પ્રયોગ ન કરવો
  • મહેંદી ઉખેડી લીધા પછી તેનો રંગ સારો ન આવ્યો હોય તો તેના પર બામ લગાવો જેથી હાથમાં ગરમાવો આવશે અને રંગ ગાઢ આવશે.
  • મહેંદીને લવિંગનો ધુમાડો આપવાથી પણ કલર સારો આવશે
  • પાણી લગાવ્યા વિના મહેંદી થોડી સુકાય પછી હથેળીઓ પર ચૂનો મસળવાથી પણ મહેંદીનો રંગ ગાઢ આવે છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter