બીના મહેતાઃ KPMGના પ્રથમ એશિયન મહિલા ચેરમેન

Saturday 20th February 2021 01:58 EST
 
 

લંડનઃ યુકેમાં KPMGના ૧૫૦ વર્ષના ઈતિહાસમાં કંપનીના ચેરમેનપદે બે મહિલાને નિયુક્ત કરી છે જેમાંથી એક ભારતીય બીના મહેતા છે. પૂર્વ ચેરમેન અને સીનિયર પાર્ટનર બિલ માઈકલના રાજીનામાના પગલે બીના મહેતાની કાર્યકારી ચેરવુમનના હોદ્દા પર નિયુક્તિ કરાઈ છે જ્યારે, હેડ ઓફ ક્લાયન્ટ્સ એન્ડ માર્કેટ્સ મેરી ઓ’કોનોર સીનિયર પાર્ટનર તરીકે જવાબદારીઓ સંભાળશે.
બીના મહેતા યુકે, યુએસ-કેનેડામાં પ્રાઈવેટ ઈક્વિટી હાઉસીસ, લેન્ડર્સ અને કોર્પોરેટ્સ માટે આંતરરાષ્ટ્રીય મર્જર અને એક્વિઝિશન અને રીસ્ટ્રક્ચરિંગમાં ૨૦ વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ બિઝનેસ સર્વિસ સેક્ટર, વિશાળ ખાનગી અને લિસ્ટેડ ઈન્ટરનેશનલ ક્લાયન્ટ્સ માટે કાર્યરત ક્લાયન્ટ લીડ પાર્ટનર હોવા સાથે KPMGના કેટલાંક ચાવીરૂપ સ્ટ્રેટેજિક સંબંધોનો વહીવટ કરે છે.
બીના મહેતા યુકેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની લાયકાત ધરાવે છે. તેમણે KPMG Indiaની સ્થાપના માટે ભારતમાં કામ કર્યા બાદ યુકેમાં કોર્પોરેટ ફાઈનાન્સ પ્રેક્ટિસમાં કામગીરીમાં સેક્ટર ટીમનું નેતૃત્વ સંભાળ્યું હતું. આ પછી, તેમને કોર્પોરેટ ફાઈનાન્સ બિઝનેસને વિકસાવવા યુએસએ કામગીરી સુપરત કરાઈ હતી. યુકે પરત ફર્યા પછી તેઓ રીસ્ટ્રક્ચરિંગ ટીમ સાથે જોડાયાં અને યુરોપમાં રીસ્ટ્રક્ચરિંગની જવાબદારી સંભાળી હતી. આ પછી તેઓ કેનેડામાં કંપનીની કેસ અને વર્કિંગ કેપિટલ પ્રેક્ટિસની કામગીરીમાં જોડાયાં હતાં. બીના મહેતા DITના સ્ટ્રેટેજિક ટ્રેડ એડવાઈઝરી ગ્રૂપ અને પ્રોફેશનલ સર્વિસીસ ટ્રેડ એડવાઈઝરી ગ્રૂપના સભ્ય પણ છે. તેઓ ટ્રેઝરી વિભાગ અને BEIS દ્વારા કો-સ્પોન્સર કરાયેલી કાઉન્સિલ ફોર ઈન્વેસ્ટિંગ ઈન ફીમેલ એન્ટ્રેપ્રીન્યોર્સના પણ સભ્ય ઉપરાંત, કેમ્બ્રિજ જજ બિઝનેસ સ્કૂલના ઓનરરી ફેલો ઈન એન્ટ્રેપ્રીન્યોરશિપ છે.
ડાયવર્સિટી અને સમાવેશીતાના મજબૂત હિમાયતી બીના મહેતાએ તાજેતરમાં જણાવ્યું હતું કે KPMGનો અભિગમ ‘ઉત્તરદાયિત્વ, સમાવેશી નેતૃત્વ અને સમાન તક પર આધારિત છે અને અમારા વિકાસ-વૃદ્ધિ બાબતે હું ગૌરવ અનુભવું છું. અમારે હજુ આગળ વધવાનું છે અને હવે ગતિનો જ સવાલ છે.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter