બે મહાસાગર ઉપરથી ઉડ્ડયન કરનાર પ્રથમ : આરોહી પંડિત

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Tuesday 27th February 2024 08:29 EST
 
 

લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વના પહેલા ક્રમના સૌથી વિશાળ પ્રશાંત મહાસાગરને પાર કરનારી પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સોલો ઉડ્ડયન કરીને વિશ્વનો બીજા ક્રમનો સૌથી વિશાળ એટલાંટિક મહાસાગર પાર કરનાર પ્રથમ મહિલા પાયલટ, લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં ગ્રીનલેન્ડ આઈસ કેપ્સમાં સોલો ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ અને લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં સંપૂર્ણ કેનેડામાં ક્રોસ કન્ટ્રી ઉડ્ડયન કરનાર પ્રથમ મહિલા પાયલટ... આ ચારેય ઘટના વિશ્વવિક્રમ બની ગઈ છે, પણ એ સર્જનાર મહિલા પાયલટ એક જ છે : આરોહી પંડિત... લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટ પર મે ૨૦૧૯માં એટલાંટિક મહાસાગર અને ઓગસ્ટ ૨૦૧૯માં પ્રશાંત મહાસાગર પર સોલો ઉડ્ડયન કરનાર વિશ્વની પ્રથમ અને માત્ર ત્રેવીસ વર્ષની સૌથી નાની ઉંમરની પાયલટ... આરોહી અત્યાર સુધીં પોતાના લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટમાં વીસ દેશ અને ૨૯,૫૦૦ કિલોમીટરનું ઉડ્ડયન કરી ચૂકી છે !
આરોહી પંડિતનો જન્મ ગુજરાતમાં ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૬ના થયેલો. રહેવાસી એ મુંબઈના બોરીવલીની. ચાર વર્ષની હતી ત્યારે આરોહીએ એક વિમાનમાં સફર કરેલી. એ વિમાનની પાયલટ એક મહિલા હતી. એને જોઈને આરોહીએ સંકલ્પ કર્યો કે, પોતે પણ આગળ જતાં પાયલટ બનશે. ત્યારથી એ આકાશમાં ઊડવાનું સ્વપ્ન જોતી.. એનું લક્ષ્ય તો પાંખ પસારીને આભમાં ઊડવાનું જ હતું !
આસમાનમાં ઉડાન ભરવાનું આરોહીનું સ્વપ્ન સાકાર પણ થયું. સત્તર વર્ષની ઉંમરે શાળાકીય શિક્ષણ પૂરું કર્યા પછી આરોહીએ મહારાષ્ટ્રની ફ્લાઈંગ સ્કૂલ ધ બોમ્બે ફ્લાઈંગ કોલેજ ઓફ એવિયેશનમાં પ્રવેશ મેળવ્યો. પોતાનું ખ્વાબ પૂરું કરવા આરોહીએ વ્યાવસાયિક વિમાનચાલક બનવાની સાથે લાઈટ સ્પોર્ટ્સ એરક્રાફ્ટ ઉડાડવાનું લાયસન્સ પણ મેળવ્યું. કેપ્ટન આરોહી પંડિત ભારતના પહેલા નાગરિક હવાઈમથક જુહૂમાં પોતાના વિમાન વીટી એનબીએફ, પિપિસ્ટ્રેલ સાઈનસ ૯૧૨માંથી ઊતરી, જેનું વજન કેવળ ત્રણસો કિલોગ્રામ હતું...
૩૦ જુલાઈ ૨૦૧૮.... ધ વર્લ્ડ પાર્ટ મિશન અંતર્ગત આરોહીએ પોતાની મિત્ર કિથિયર મિસક્વેટા સાથે સો દિવસમાં દુનિયાની સફર કરવાનું બીડું ઝડપેલું. ત્રણ મહાદ્વીપના ત્રેવીસ દેશોની સફર ખેડવાની આરોહી પંડિત અને કિથિયર મિસક્વેટાએ પોતાના વિમાનને માહી નામ આપ્યું. માહી નામ રાખવા પાછળ એક કારણ છે. તે એ કે સંસ્કૃતમાં માહી શબ્દનો અર્થ પૃથ્વી થાય છે. આરોહી અને કિથિયર, બન્ને આકાશમાંથી ધરતી નિહાળવા ઈચ્છતી હોવાથી એમણે વિમાનને માહી નામ આપેલું.
સો દિવસની સફર પછી આરોહીનો રોમાંચ વધતો ગયેલો. સાત મહિનાના પ્રશિક્ષણ પછી લાઈટ સ્પોર્ટસ એરક્રાફ્ટમાં એટલાંટિક મહાસાગર પરથી એકલાં જ ઉડાન ભરવાનું સાહસ એણે કરેલું. આ એટલાંટિક મહાસાગર ઉપરથી મે ૨૦૧૯માં પોતાના નાનકડા વિમાનમાં ત્રણ હજાર કિલોમીટરનું ઉડ્ડયન કરીને આરોહી કેનેડાના ઇકાલુઈટ હવાઈમથકે પોતાના ટચૂકડા વિમાનમાંથી ઊતરી. કેનેડા હવાઈમથકે પહોંચ્યા પછી આરોહીએ ત્રિરંગો ફરકાવ્યો. ત્રિરંગો લહેરાવ્યા પછી આરોહીએ કહેલું કે, ‘એટલાંટિક મહાસાગરની ઉપરથી ઉડ્ડયન કરવાનો મારો અનુભવ ખૂબ શાનદાર રહ્યો. ત્યાં માત્ર હું હતી, નાનકડું વિમાન હતું, નીલું આસમાન હતું અને નીચે નીલો સમુદ્ર....!’
આ દુર્ગમ આકાશી સફર ખેડીને આરોહીએ એક નવો વિક્રમ સર્જેલો. આ સફર દરમિયાન જ કડકડતી ઠંડીના મોસમમાં દુનિયાની બીજી સૌથી મોટી બરફની ચાદર ગણાતા ગ્રીનલેન્ડના આઈસકેપ પરથી સોલો ઉડ્ડયન કરનાર આરોહી વિશ્વની પ્રથમ મહિલા વિમાનચાલક બની ગઈ. ત્રણ મહિના પછી ઓગસ્ટ ૨૦૧૯માં આરોહીએ પ્રશાંત મહાસાગર ઉપરથી સોલો ઉડ્ડયન કર્યું. વિશ્વનો સૌથી વિશાળ અને સૌથી ઊંડો મહાસાગર એટલે પ્રશાંત મહાસાગર. આ પ્રશાંત મહાસાગર ઉપરથી આરોહીએ ઉડ્ડયન કરેલું. અલાસ્કાથી ઉડાન ભરીને રશિયામાં ઊતરેલી આરોહીએ ત્રિરંગો ફરકાવ્યો અને દેશનું ગૌરવ વધાર્યું. આરોહી પંડિતના ઉડ્ડયન અને એના વિશ્વ વિક્રમો વિશે જાણીને કહેવાનું મન થાય કે,
મંઝિલ એને જ મળે છે જેના સપનામાં જાન હોય છે
પાંખોથી કાંઈ નથી થતું ઉડાન ઈરાદાથી થાય છે...


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter