બે સંતાનની માતા સાઈકલ પર 14 દિવસમાં ગુજરાતથી અરુણાચલ પ્રદેશ પહોંચી

Saturday 03rd December 2022 06:49 EST
 
 

અમદાવાદ: ગુજરાતથી એકલા સાઈકલ ચલાવીને 14 દિવસમાં અરુણાચલ પ્રદેશ પહોંચેલાં 45 વર્ષીય પ્રિતી મસ્કે નવો કિર્તીમાન હાંસલ કર્યો છે. બે સંતાનોનાં માતાએ સાઈકલ પર લગભગ 4000 કિલોમીટરની મુસાફરી કરીને સાબિત કર્યું છે કે, જો ઈરાદા મજબૂત હોય તો ઉંમર તેને આડે નથી આવતી.
અહેવાલ અનુસાર, પ્રીતિ મસ્કે પહેલી નવેમ્બરે પાકિસ્તાનની સીમા પાસે આવેલા કોટેશ્વર મંદિરથી પોતાની યાત્રા શરૂ કરી હતી.
ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, આસામ અને અરુણાચલ પ્રદેશ એમ કુલ સાત રાજ્યોમાં લગભગ 4000 કિલોમીટરની સફર પોતાની સાઈકલ પર કરી હતી. મજબૂત ઈરાદા ધરાવતાં પ્રીતિ મસ્કે પાંચ વર્ષ પહેલા બીમારીથી બચવા સાઈકલ ચલાવવાની શરૂઆત કરી હતી. તેમણે અરુણાચલ પ્રદેશમાં ચીનની સીમા પાસે આવેલા કિબિથુ પહોંચવા માટે 13 દિવસ, 19 કલાક અને 12 મિનિટમાં તેમની 3995 કિલોમીટરની યાત્રા પૂરી કરી હતી. તે 14 નવેમ્બરના રોજ અરુણાચલ પહોંચ્યા હતા. ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ અલ્ટ્રા સાઈકલિંગ એસોશિએશનમાં તેમની આ યાત્રાને લગતા પૂરાવા મોકલી આપવામાં આવ્યા છે. તેમને આ યાત્રા દરમિયાન અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો.
સાઈકલ પ્રવાસ દરમિયાન બિહારના દરભંગામાં ભારે પવનનો સામનો કરવો પડ્યો હતો તો અરુણાચલ પ્રદેશમાં તેજુ બાદથી રસ્તો ચઢાણવાળો હતો. અહીં રસ્તાની હાલત ખૂબ ખરાબ હોવાથી તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.
પ્રીતિએ પ્રથમ દસ દિવસમાં પ્રતિદિન 19 કલાક સાઈકલ ચલાવીને રોજના 350 કિલોમીટરની સફર કરી હતી. તેમણે અમુક દિવસ તો નિરંતર 24 કલાક સાઈકલ ચલાવી હતી. ઊંઘ સામે ઝઝૂમવા માટે પ્રીતિએ કોફીના સહારે પોતાને ફ્રેશ રાખી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter