બોલ્ડ અને બ્યુટિફૂલ નેકલાઇન્સ...

Wednesday 24th March 2021 08:49 EDT
 
 

સ્ત્રીઓના કોઇ પણ ડ્રેસને નેકલાઇન આગવો લુક આપે છે. તે માત્ર ગરદનના દેખાવને જ નહીં, તમારા સમગ્ર વ્યક્તિત્વને નિખારે છે. જોકે નેકલાઇન માટે દરેક યુવતીની પસંદગી અલગ અલગ હોય છે. કોઇને થોડી બોલ્ડ નેકલાઇન ગમતી હોય છે તો કોઇને ક્લાસી લુક આપે એવી નેકલાઇન પહેરવાનું પસંદ હોય છે.
ખરેખર તો નેકલાઇન એવી હોવી જોઇએ જે તમારી ખૂબસુરતીમાં વધારો કરે અને એની સ્ટાઇલ આઉટફિટના ફિટિંગને યોગ્ય રીતે દર્શાવતી હોવી જોઇએ. દરેક યુવતીએ નેકલાઇનની પસંદગી પોતાના શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને કરવી જોઇએ. પહોળી બોડીફ્રેમ ધરાવતી યુવતી પર હોલ્ટર નેકલાઇન અને પ્રમાણમાં દુબળી યુવતીને સ્ટ્રેપી સ્ટાઇલના ડ્રેસ સારા લાગે છે. હાલ ફેશન ડિઝાઇનરોમાં અલગ અલગ સ્ટાઇલિશ નેકલાઇન લોકપ્રિય બની છે.

• સ્કવેર નેકલાઇનઃ સ્કવેર નેકલાઇન મોર્ડન અને ફ્રેશ લુક આપે છે. આ પ્રકારની નેકલાઇન ખાસ સ્ટાઇલના ડ્રેસમાં જ જોવા મળે છે. આ નેકલાઇનની ખાસિયત એ છે કે એને પહેરવા માટે કોઇ ખાસ પ્રયાસ નથી કરવા પડતા અને એને રોજબરોજના ડ્રેસિંગમાં પહેરી શકાય છે. આ પ્રકારની નેકલાઇનમાં કોલરબોનનો તોડો હિસ્સો દેખાતો હોવાથી એની સાથે જ્વેલરી સારી લાગે છે.

• સ્વીટહાર્ટ નેકલાઇનઃ સ્વીટહાર્ટ નેકલાઇન ફેશન ડિઝાઇનરોની પહેલી પસંદ બની છે. આ પ્રકારની નેકલાઇનવાળો ડ્રેસ, ટોપ, ફ્રોક કે પછી બ્લાઉઝ ગ્લેમરસ લુક આપે છે. આ પ્રકારની નેકલાઇન ૮૦ના દાયકામાં આઉટફિટ અને વેડિંગ ડ્રેસ માટે બહુ લોકપ્રિય હતી. હવે ડિઝાઇનર્સે તેને આધુનિક લુક આપ્યો છે. આ નેકલાઇનવાળા ડ્રેસ સાથે કોઇ વધારે એક્સેસરી પહેરવાની જરૂર નથી પડતી.
આ નેકલાઇન સાથે સિમ્પલ મેકઅપ સારો લાગે છે. આ સ્ટાઇલ બોહેમિયન અને ગ્લેમરસ છે. આ નેકલાઇન થોડી ડીપ હોય છે પણ જો એને લેયરિંગ સ્ટાઇલના ડ્રેસ સાથે પહેરવામાં આવે તો આઉટિંગ માટે સારામાં સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. વેડિંગ ડ્રેસમાં આ નેકલાઇન બહુ લોકપ્રિય છે અને એમાં લેસ લગાવીને અનેક પ્રયોગ કરી શકાય છે.

• વી નેકલાઇનઃ વી નેકલાઇન લુકને અનોખો ઉઠાવ આપે છે. આ પ્રકારની નેકલાઇન ધરાવતો ડ્રેસ કે ટોપ ક્લાસિક લુક આપે છે. આ નેકલાઇન બિલકુલ બોરિંગ નથી લાગતી. વી નેકલાઇનવાળું ટોપ કે ટી-શર્ટ થોડું સાવ સિમ્પલ લાગે છે પણ જો એની સાથે પફી કે પછી મિલ્કમેડ સ્ટાઇલ સ્લીવનું કોમ્બિનેશન પહેરવામાં આવે તો સુંદરતાને ચાર ચાંદ લાગે છે.

• એસિમેટ્રિક નેકલાઇનઃ ગ્લેમરસ ડ્રેસિંગ પસંદ કરતી યુવતીઓમાં એસિમેટ્રિક નેકલાઇન બહુ લોકપ્રિય છે. આ પ્રકારની નેકલાઇન કોલર બોનની ખૂબસુરતીને વધારે આકર્ષક બનાવે છે. આ પ્રકારની નેકલાઇન સાથે ટ્રેન્ડી જ્વેલરી પહેરીને લુકને વધારે ગ્લેમરસ બનાવી શકાય છે. આ પ્રકારની નેકલાઇન સાથે અલગ અલગ પ્રયોગ કરી શકાય છે. આ પ્રકારની નેકલાઇન એક તરફનો હિસ્સો ઉંચો હોય છે જ્યારે બીજી તરફનો હિસ્સો થોડો નીચો હોય છે. આ સ્ટાઇલ કોલરબોનને હાઇલાઇટ કરે છે. આ પ્રકારની નેકલાઇન ધરાવતું ટોપ જીન્સ કે પછી ઘેરદાર સ્કર્ટ સાથે સારું લાગે છે. વેસ્ટર્ન લુક આપતા આઉટફિટ સાથે એસિમેટ્રિક નેકલાઇન સારી લાગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter