બ્યુટી પ્રોડક્ટ્સ ખરીદતાં લેબલમાં શું વાંચવું?

Saturday 08th August 2026 06:01 EDT
 
 

આજકાલ બજારમાં સ્કિનકેર અને મેકઅપ પ્રોડક્ટ્સની ભરમાર છે. દરેક બ્રાન્ડ પોતાની પ્રોડક્ટને ‘નેચરલ’, ‘કેમિકલ-ફ્રી’ અથવા ‘ડર્મેટોલોજિસ્ટ ટેસ્ટેડ’ કહીને વેચવાનો પ્રયાસ કરે છે. પરંતુ માત્ર સુંદર પેકિંગ કે જાહેરાત જોઈને બ્યુટી પ્રોડક્ટ ખરીદવી ક્યારેક ત્વચા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી કોઈપણ બ્યુટી પ્રોડક્ટ ખરીદતાં પહેલાં તેનું લેબલ ધ્યાનથી વાંચવું ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલાં પ્રોડક્ટમાં વપરાયેલી સામગ્રી વાંચો. સામાન્ય રીતે જે ઇન્ગ્રેડિયન્ટ સૌથી વધુ પ્રમાણમાં હોય તેનું નામ શરૂઆતમાં હોય છે. જો તમારી સ્કિન સેન્સિટિવ હોય તો આલ્કોહોલ, પેરાબેન, આર્ટિફિશિયલ ફ્રેગરન્સ કે સલ્ફેટ જેવા ઘટકોવાળી પ્રોડક્ટથી સાવચેત રહો. આ તત્વો ઘણીવાર સ્કિનમાં ઈરિટેશન અથવા ડ્રાયનેસ પેદા કરે છે.
બીજી મહત્ત્વની બાબત છે એક્સપાયરી ડેટ અને PAO (પીરિયડ આફ્ટર ઓપનિંગ). ઘણી મહિલાઓ માત્ર મેન્યુફેક્ચરિંગ ડેટ જ જુએ છે, પરંતુ પ્રોડક્ટ ખોલ્યા પછી કેટલા સમયમાં તેનો ઉપયોગ કરવો તે પણ મહત્ત્વનું છે. ઘણી પ્રોડક્ટ્સ પર ખુલ્લા ડબ્બાનું નાનું સિમ્બોલ અને 6M અથવા 12M લખેલું હોય છે, જે દર્શાવે છે કે ખોલ્યા પછી 6 અથવા 12 મહિનામાં તેનો ઉપયોગ કરી લેવો જોઈએ.
જો તમે સનસ્ક્રીન ખરીદી રહ્યા હોવ તો SPF અને Broad Spectrum શબ્દ ખાસ તપાસો. Broad Spectrum સનસ્ક્રીન UVA અને UVB બંને કિરણોથી રક્ષણ આપે છે. સ્કિનકેર પ્રોડક્ટ્સમાં Non-Comedogenic લખેલું હોય તો તેનો અર્થ એ થાય કે તે પોર્સ બ્લોક કરવાની શક્યતા ઓછી ધરાવે છે. ઘણા લોકો નેચરલ અથવા હર્બલ શબ્દ જોઈને પ્રોડક્ટ ખરીદી તો લે છે, પરંતુ દરેક નેચરલ વસ્તુ દરેક સ્કિન માટે યોગ્ય હોય જ એવું નથી.
આ ઉપરાંત પ્રોડક્ટ પર અપાયેલા સર્ટિફિકેશન અને ક્લેમ્સ પણ ધ્યાનથી વાંચવા જોઈએ. ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ પર Dermatologically Tested, Cruelty-Free, Hypoallergenic અથવા Organic Certified જેવા શબ્દો લખેલા હોય છે. આવા શબ્દોનો અર્થ સમજવો પણ જરૂરી છે. જેમ કે, Dermatologically Tested નો અર્થ માત્ર એટલો છે કે પ્રોડક્ટનું ત્વચા પર પરીક્ષણ કરાયું છે, પરંતુ તે દરેક વ્યક્તિ માટે સંપૂર્ણપણે યોગ્ય રહેશે તેની ખાતરી નથી. તેવી જ રીતે Hypoallergenic લખેલું હોય તો તેનાથી એલર્જી થવાની શક્યતા ઓછી હોય છે, પરંતુ તે શૂન્ય નથી. તેથી માત્ર આકર્ષક શબ્દો કે મોટા દાવાઓ પર વિશ્વાસ કરવાને બદલે સંપૂર્ણ માહિતી વાંચીને જ નિર્ણય લેવો જોઈએ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter