બ્યુટી મંત્રાઃ ફેસિયલ અને ક્લીનઅપ ત્વચાને રાખે હેલ્ધી

Sunday 10th April 2022 08:25 EDT
 
 

• સ્કીન સેલ્સ રહેશે ક્લીનઃ દોડધામભર્યા જીવનમાં આપણે ત્વચાની સંભાળ બરાબર રાખી શકતા નથી. પરિણામે વાતાવરણમાં રહેલા પ્રદૂષણ અને ધૂળના રજકણો ત્વચાના કોષમાં ભરાઈ જતાં હોય છે. બહાર જતી વખતે કરાતો આછોપાતળો મેકઅપ ચહેરા ઉપર લગાવીએ તે અને પરસેવો આ બધું જ ત્વચાના કોષોને અસર કરે છે. એવા સમયે ફેસિયલ ત્વચાનાં છિદ્રોને, કોષોને સ્વસ્થ કરવાનું કાર્ય સારી રીતે કરી જાણે છે. ત્વચાને ડેડ થતી બચાવે છે તેથી નિયમિત ફેસિયલ અથવા ક્લીનઅપ કરવું જોઈએ.

• સ્કિનટોન અને પિગ્મેન્ટેશનમાં ફાયદોઃ ઘણાં લોકોના ચહેરા ઉપર કાળા ડાઘ પડી જતા હોય છે તેમજ ડાર્ક સર્કલ્સનો પ્રશ્ન પણ આજકાલ યુવતીઓે માટે કોમન બની રહ્યો છે. આ પ્રકારના પિગ્મેન્ટેશન વધતી ઉંમરની સાથે વધતાં જાય છે. આજકાલ વધતી જતી ગરમી, પ્રદૂષણ અને હોર્મોન્સમાં આવતાં પરિવર્તનને કારણે જો સ્કીનની સમયાંતરે માવજત ન કરવામાં આવે તો તે દિવસે અને દિવસે ખરાબ થતી જાય છે. તમે નિયમિત ફેસિયલ કરાવશો તો પિગ્મેન્ટેશનની અસર ત્વચા પર નહીં દેખાય અને કાળા ડાઘ કે ડાર્ક સર્કલની તકલીફ પણ નહીં રહે. આ ઉપરાંત સ્કિનટોનમાં પણ પરિવર્તન આવશે.

• બ્લેક અને વ્હાઇટ હેડ્સથી છુટકારોઃ આજે મોટાભાગની યુવતીના નાક ઉપર બ્લેક હેડ્સ અને દાઢી ઉપર વ્હાઇટ હેડ્સની તકલીફ થઇ જતી હોય છે. આ બંનેને દૂર કરવાનો સૌથી ઉત્તમ ઉપાય છે ફેસિયલ અને ક્લીનઅપ. આનાથી નાક ઉપર અને દાઢી ઉપરના ડેડ સેલ્સ દૂર થાય છે. ત્વચા સ્વચ્છ બને છે. જો પ્રદૂષણ અને ધૂળના રજકણને કારણે બ્લેક હેડ્સ થયા હોય તો તે પણ દૂર થાય છે.
• વધતી વયની અસર વર્તાતી નથીઃ ઉંમર વધી રહી છે તેની સૌથી પહેલી ખબર તમને તમારી નિસ્તેજ ત્વચાથી પડી જાય છે. આપણા શરીરમાં કોલેજન નામનું તત્ત્વ હોય છે. આ કોલેજન ત્વચાને ટાઇટ રાખવાનું કાર્ય કરે છે. ઉંમર વધવાની સાથે જો ત્વચાની માવજત ન રાખીએ તો કોલેજન ઘટે છે અને ત્વચા કરચલીવાળી બને છે. શરીરની અંદર રહેલું કોલેજન ત્વચાનું મોઇશ્ચર પણ ઘટાડે છે. નિયમિત રીતે કરાવેલું ફેસિયલ ત્વચાની અંદર મોઇશ્ચરને બેલેન્સ કરવાનું કાર્ય કરે છે અને તેના કારણે ત્વચા નિસ્તેજ કે કરચલીવાળી લાગતી નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter