(બ્યુટીમંત્ર) ચમકતા નખ એટલે સુંદરતા અને સંભાળનો સમન્વય

Saturday 28th February 2026 10:55 EST
 
 

નખ મહિલાની સુંદરતામાં વધારો કરે છે. યોગ્ય દેખભાળ ન રાખવાથી નખ બરડ થઈ જાય અથવા પીળા પડી જાય છે. જો તમે નખને લગતી આવી કોઈ સમસ્યા અનુભવો છો તો આટલી વાતનું ધ્યાન જરૂર રાખો. નખની સફાઈ પર ધ્યાન આપો. દરરોજ નખ અને તેની આસપાસની ચામડીને સાફ રાખવી જરૂરી છે. ધૂળમાટી અને જીવાણુ તેમાં ઘર બનાવી શકે છે, જે નખને ખરાબ બનાવી શકે છે. બીજું કે નખને ઓઇલિંગ કરવાનું ન ભૂલશો. નખોને નરમ રાખવા માટે નાળિયેરનું તેલ અથવા ઓલિવ ઓઇલથી હળવો મસાજ કરો. તે નખોને પોષણ આપે છે અને તેને તૂટી જવાથી બચાવે છે.

લીંબુ અને બેકિંગ સોડાનો ઉપયોગ નખની ગુણવત્તા સુધારવા માટે આદર્શ છે. લીંબુનો રસ અને થોડો બેકિંગ સોડા મિક્સ કરીને નખ પર લગાવવાથી નખોની પીળાશ દૂર થાય છે અને ચમક વધે છે. નખ કાપતી વખતે પણ સાવચેતી રાખો. અત્યંત નાના નખ ન રાખો. નિયમિત રીતે નખને ફાઈલ કરીને તેને આકાર આપો. નખ કાપતી વખતે શાર્પ કટર ન વાપરો કે નખ તૂટી જાય.
સૌથી મહત્ત્વનું ગમે તે ક્વોલિટીની નેઈલપોલિશથી બચો. ઘણી નેઈલપોલિશમાં હાનિકારક કેમિકલ્સ હોય છે. એ સિવાય હેરડ્રાયર, ડીટર્જન્ટ કે સાફસફાઈના પદાર્થો વડે કામ કરતી વખતે હંમેશાં હાથમાં ગ્લોવ્સ પહેરો. પોષણયુક્ત આહાર લેવો પણ એટલો જ જરૂરી છે. નખોને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ, વિટામિન બી અને આયર્ન જરૂરી છે. દૂધ, પનીર, ડુંગળી, મગફળી, કોથમીર વગેરે ખાવાથી નખ મજબૂત બને છે.
સમય સમય પર મેનિક્યોર કરાવો. મહિને એકવાર મેનિક્યોર કરાવવું એ પણ સારી ટેવ છે. મેનિક્યોર ગ્લો આપે છે અને ચામડી પણ મોહક બનાવે છે. યાદ રાખીને પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શરીરમાં હાઇડ્રેશન પૂરતું હશે તો નખ પણ અવશ્ય હેલ્ધી રહેશે. તમારી દિનચર્યામાં ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણીનો સમાવેશ અચૂક કરવો જોઈએ.
યાદ રાખો, સુંદર નખ માત્ર નેઇલપોલિશથી નહીં, પણ અંદરથી પણ તંદુરસ્ત હોવા જોઈએ. નિયમિત કાળજી અને યોગ્ય આહારથી તમે પણ તમારા નખને કુદરતી રીતે આકર્ષક બનાવી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter