બ્યૂટિ ટિપ્સઃ વાળનો ગ્રોથ વધારતાં હોમમેડ હેરપેક

Saturday 03rd December 2022 06:50 EST
 
 

શરીરની જેમ વાળ પણ આપણને પહેલેથી સંકેત આપી દે છે કે વાળની વિશેષ સારસંભાળનો સમય આવી ગયો છે. જેમ કે, વાળ ખરવા, પાતળા થઈ જવા, વાળ બરછટ થવા વગેરે. વાળનો ગ્રોથ વધારવા કે તેને લાંબા અને મુલાયમ બનાવવા માટે હોમમેડ હેરપેકનો નિયમિત ઉપયોગ કરવાથી ફાયદો થાય છે.
• હિના-લેમન પેકઃ પાંચ ટેબલસ્પૂન મેંદી પાઉડરમાં એક ટેબલસ્પૂન લીંબુનો રસ, એક ટેબલસ્પૂન મેથી, એક ટેબલસ્પૂન વિનેગર અને ચાર ટેબલસ્પૂન દહીં મિક્સ કરીને આખી રાત પલાળી રાખો. સવારે આ પેસ્ટને વાળમાં લગાવો અને બેથી ત્રણ કલાક પછી શેમ્પૂ કરી લો.
• હિના-દહીં પેકઃ એક કપ મેંદી પાઉડર, એક કપ દહીં, એક ટેબલસ્પૂન અરીઠા પાઉડર, એક ટેબલસ્પૂન આંબળાં, કપૂર કાચલી, લીમડાનો પાઉડર, સંતરાં પાઉડર, મેથી પાઉડર, હરડે પાઉડર આ તમામ પાઉડર એક-એક ટેબલસ્પૂન લો. એક નંગ લીંબુનો રસ મિક્સ કરો. આ તમામ સામગ્રીને મિક્સ કરો, એમાં જરૂરિયાત અનુસાર પાણી નાંખીને પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને વાળમાં લગાવો અને અડધો કલાક બાદ ધોઇ લો.
• આંબળાં-મેથી પેકઃ બે ટેબલસ્પૂન મેથી, બે નંગ આંબળાં અને લીમડાનાં પાન. આ ત્રણેય વસ્તુ રાત્રે પલાળી રાખો. સવારે એમાં અડધો કપ દહીં ઉમેરીને તેને મિક્સરમાં ક્રશ કરી લો. તૈયાર થયેલી પેસ્ટ વાળમાં લગાવો. એક-બે કલાક પછી શેમ્પૂ કરી લો.
• હિના-શિકાકાઈ પેકઃ દસ ગ્રામ મેંદી, પાંચ ગ્રામ શિકાકાઈ, પાંચ ગ્રામ આંબળાં, પાંચ ગ્રામ બ્રાહ્મી, બે ગ્રામ મુલતાની માટી, બે ગ્રામ કોફી પાઉડર, પાંચ ટી-સ્પૂન ભૃંગરાજ પાઉડરમાં દહીં એડ કરીને બરાબર મિક્સ કરી તેની પેસ્ટ બનાવી લો. આ હેરપેકને વાળમાં લગાવી દો. બે કલાક પછી વાળ ધોઇને શેમ્પૂ કરી લો.
• એલોવેરા-દહીં પેકઃ બે ટેબસ્પૂન એલોવેરા જેલ, એક કપ ખાટ્ટું દહીં, એક ટી-સ્પૂન વિટામિન-ઈ ઓઇલ અને એક લીંબુનો રસ. આ તમામ સામગ્રીને મિક્સ કરીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને વાળમાં લગાવો. એક કલાક બાદ વાળ ધોઇને શેમ્પૂ કરી લો.
• બનાના પેકઃ વાળની લંબાઇને ધ્યાનમાં રાખીને એક અથવા બે નંગ કેળાં લો. કેળાંને સારી રીતે મેશ કરી લો. એમાં થોડાં ટીપાં ઓલિવ ઓઇલ મિક્સ કરો. વાળને ભીના કરી લો, પછી આ પેક લગાવો. અડધો કલાક પેકને વાળમાં રહેવા દઈ વાળ ધોઈ લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter