બ્યૂટી મંત્રઃ નાજુક - નમણા નખની સંભાળ

Sunday 24th April 2022 08:30 EDT
 
 

ચહેરાના સારા દેખાવ માટે મહિલાઓ ફેશવોશથી માંડીને અનેક પ્રોડક્ટનો ઉપયોગ કરતી હોય છે, પરંતુ સંભાળના મામલે નખની મોટા ભાગે ઉપેક્ષા થતી જોવા મળે છે. હકીકત તો એ છે કે ત્વચાની જેમ જ નખને પણ વિશેષ કાળજીની જરૂર પડે છે. નખને હેલ્ધી બનાવવા માટે અમુક સરળ ઉપાય અજમાવી જુઓ.

• મસાજ: તમારા નખ બટકી ન જાય અથવા તૂટી ન જાય એ માટે એને નરમ રાખવા મસાજ કરો. વિટામિન-ઈ ઓઇલ અથવા બદામના તેલથી હળવેકથી મસાજ કરો. આ મસાજ દરરોજ કરો. તમને તરત જ નખમાં ફરક દેખાશે.

• એસિટોન ટાળોઃ એસિટોન (એક પ્રકારનું રસાયણ) બેઝ્ડ નેઈલ-પોલિશ રિમૂવરનો ઉપયોગ ઘટાડો. જેટલી વખત તમે એસિટોન લગાવો છો એટલી વખત તમારા નખનું એક સ્તર ઓછું થાય છે. આના કારણે નખ પાતળા અને બટકણા બની જાય છે, એથી રિમૂવર કે નેઈલ-પોલિશ ખરીદતી વખતે એમાં ઉપયોગ થયેલી વસ્તુઓની નોંધ જરૂર લેવી.
• બફિંગ: બફિંગ એટલે કે નખ ચમકાવવા. ઘણા લોકો બફિંગનું મહત્ત્વ સમજતા નથી અને એને અવગણે છે. બફિંગ કરવાથી નખની સખતાઈ દૂર થાય છે અને એ શ્વાસ લઈ શકે છે. એના આ સિવાય એ નખને ચમક આપે છે.
• વેસલિન: ક્યુટિકલ એટલે નખના મૂળ પાસેની ચામડી બહુ જ સંવેદનશીલ હોય છે. રાતે સૂતાં પહેલાં નખ પર વેસલિન લગાવીને ગ્લવ્ઝ પહરીને સૂઈ જાઓ. એક અઠવાડિયા સુધી આવી રીતે કરો અને ફરક જુઓ. ક્યુટિકલ બહુ જ નરમ પડી જશે.
• મીઠાનું મેજિક: નખને મજબૂત બનાવવા માટે હૂંફાળા પાણીમાં થોડું મીઠું નાખો અને પાંચ મિનિટ સુધી હાથને બોળી રાખો. અઠવાડિયામાં ત્રણેક વખત આમ કરશો એટલે તમારા નખ બટકતા કે તૂટતા બંધ થઈ જશે.
• શેમ્પૂથી બચો: તમે માનો કે ન માનો, પણ અમુક શેમ્પૂમાં ડિટર્જન્ટની માત્રા બહુ જ વધુ હોય છે, જેને લીધે નખ તરત જ તૂટી જાય છે. જો તમારા નખ વારંવાર તૂટતા હોય તો એનું કારણ તમારું શેમ્પૂ પણ હોઈ શકે છે. નખને બચાવવા માટે જરૂર પડ્યે શેમ્પૂ બદલવાનો વિકલ્પ પણ ધ્યાનમાં લેવો જોઈએ. શેમ્પૂની સામગ્રીમાં ડિટર્જન્ટનું પ્રમાણ ઓછું હોય એવું પસંદ કરવું.
• મેટલ ફાઇલર: નખને આકાર આપવા માટેનું આ સાધન તમારા નખની કિનારીઓને સ્મૂથ બનાવવામાં મદદરૂપ થશે. ઘણી વાર નખ કિનારીએથી જરાક જ તૂટે એટલે આખો નખ કાપી નાખવો પડે છે. તો ફાઇલર નખની કિનારીને મેનેજ કરવામાં મદદરૂપ બને છે.
• મોઈશ્ચર જરૂરી: જો તમે નિયમિત સ્વિમિંગ કરતા હો તો સ્વિમિંગ પૂલના પાણીમાં રહેલું ક્લોરિન અને તાપ બન્ને નખને એકદમ નબળા બનાવી દેશે. એથી તમારા ક્યુટિકલ્સ, નખ અને એની આસપાસની ત્વચાને મોઇસ્ટ રાખવી.
• પૌષ્ટિક આહાર: શરીરના કોઈ પણ અંગની કાળજીમાં આહાર મુખ્ય ભાગ ભજવે છે. આ જ રીતે નખને સાચવવા માટે પ્રવાહી વધુ પીઓ. ગાજર અને સ્ટ્રોબેરીમાં રહેલાં વિટામિન્સ મદદરૂપ થશે. એ સિવાય દૂધ અને અન્ય ડેરી પ્રોડક્ટ્સ તમારામાં કેલ્શિયમનું પ્રમાણ વધારશે.
• નેઈલ પેઈન્ટ: નેઈલ પેઈન્ટ કરો ત્યારે હંમેશાં બે કોટિંગ થાય એનું ધ્યાન રાખવું. આનાથી નખ સહેલાઈથી તૂટશે નહીં. નેઈલ પેઈન્ટ નખને નુકસાનકારક અન્ય બાહ્ય પરિબળોથી પણ બચાવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter