બ્રાઈડલ વેર્સમાં સ્લોગન બની રહ્યાં છે લોકપ્રિય

Monday 09th December 2019 06:54 EST
 
 

લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી છે. આ સમયમાં દુલ્હા-દુલ્હન પોતાના શણગાર અને કપડાં બાબતે ખૂબ જ સજાગ જોવા મળે છે. દુલ્હન પોતાના જીવનના આ પ્રસંગને ખૂબ જ અલગ રીતે યુનિકનેસ સાથે યાદગાર બનાવવા માટે પ્રયત્ન કરતી જ હોય છે. આઉટફિટ્સના કંઈ અલગ જ અને નવા ટ્રેન્ડમાં હમણાં સ્લોગન વેર ખૂબ જ પ્રખ્યાત થયાં છે. સ્લોગન બ્રાઈડલ આઉટફિટ માટે ડિઝાઈનર્સ પણ ઘણી મહેનત કરી રહ્યાં છે. દુલ્હા દુલ્હન કે તેમના પરિવારજનોની માગને સંતોષવા માટે નવા નવા સ્લોગન, સૂત્રો વિવિધ રીતે આઉટફિટ પર કંડારાઈ રહ્યાં છે.

દુલ્હન પોતાના બ્રાઈડલ વેર જેવા કે સાડી, પાનેતર. લહેંગા, ચણિયાચોળી કે ડ્રેસિસ પર તેના ભાવિ પતિનું નામ પ્રિન્ટ કરાવી રહી છે કે પછી લગ્નને કે નવજીવનને લગતાં સૂત્રો છપાવે છે. સ્પેશ્યલ મેચિંગ ભરતથી પાનેતર કે બ્રાઈડલ વેરમાં લખાવાતું લખાણ ખૂબ જ યુનિક લાગે છે.

દુલ્હન ટ્રેડિશન તોડીને પોતાના હસબન્ડ પ્રત્યેનો પ્રેમ દર્શાવવા લહેંગાની દોરી પર લટકણ લટકાવી તેના પર પોતાના પતિનું નામ ગોટા પર લખાવીને પોતાનો પ્રેમ દર્શાવી શકે છે. આ ઉપરાંત લગ્નના દિવસે સાફાના છોગામાં વર કન્યાના નામ કંડારેલું છોગું પણ જાનૈયા અને માંડવિયા દર્શાવી શકે છે.

બ્રાઈડ પોતાના બ્લાઉઝની સ્લિવ્ઝને પણ આ પ્રકારે યુનિક બનાવી રહી હોવાનું જોવા મળે છે. ખાસ કરીને રફલ સ્લિવ્ઝ પર, બેકલેઝ બ્લાઉઝમાં ખભાના ભાગે લખાણ લખાવે છે. ફ્રિઝ વર્ક સાથે બ્લાઉઝ પર લખાણનો આ નવો ટ્રેન્ડ જોવા મળે છે. દુલ્હો પણ પોતાના આઉટફિટ પર કે સ્લિવ્ઝ પર યુનિક રીતે દુલ્હનનું નામ પ્રિન્ટ કરાવી શકે છે અથવા દુલ્હનના નામનું ભરત કરાવી શકે છે.

દુલ્હન મોર્ડન બ્રાઈડલ વેર પર ભાવિ પતિનું નામની એમ્બ્રોઈડરી કરાવી રહી છે. સામાન્ય રીતે દુલ્હન મહેંદીમાં પોતાના ભાવિ પતિના નામનો અક્ષર કે તેનું આખું નામ કંડારતી જોવા મળે છે ત્યારે મહેંદીના ફંક્શનના દિવસે ભાવિ પતિનું નામ પ્રિન્ટ કરેલા કે એમ્બ્રોયડરી કરેલા આઉટફિટ પહેરી શકે છે. વેડિંગની ઈવેન્ટ્સ દરમિયાન પરિવારજનો એક ખાસ સ્લોગન સાથેના મેચિંગ આઉટફિટ પણ ટ્રાય કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter