બ્રિટિશ ભારતીય લેખિકા લક્ષ્મી કોલ દ્વારા નવી પેઢીઓ માટે ભારતની અનંતકથાઓ

Wednesday 28th October 2026 11:15 EDT
 
 

લંડનઃ બ્રિટિશ ભારતીય લેખિકા લક્ષ્મી કોલનું પ્રથમ પુસ્તક ‘લિટલ ડિવાઈન વન્સઃ વ્હેન ગોડ્સ વેર ચિલ્ડ્રન’ ભારતીય દેવીદેવતાઓના બાળપણની સાહસકથાઓને વર્ણવે છે, જે ભારતીય સમૃદ્ધ વાર્તાકથનની પરંપરાઓનું જતન કરવા અને ભાવિ પેઢીઓ સમક્ષ મૂકવા પરિવારોને પ્રોત્સાહિત કરે છે. બાળકોને રાત્રે કહેવાતી વાર્તાઓ ચલચિત્રો અને સચિત્રકથાઓમાં આવતી થઈ તેના ઘણા સમય પહેલાથી ભારતમાં દાદા-દાદી દ્વારા પરિવારના નાના બાળકોને રાત્રે દેવી-દેવતાઓની વાર્તાઓ અથવા દિવ્ય બાળલીલાઓ કહેવાની પરંપરા ચાલતી આવી છે. આ વાર્તાઓ થકી પેઢીઓને હિંમત, બહાદુરી, કરુણા અને ડહાપણ-બુદ્ધિ જેવા મૂલ્યોનો પરિચય કરાવવાની સાથોસાથ તેમની સાંસ્કૃતિક વિરાસત સાથે જોડાણ સર્જાતું હતું.
બ્રિટિશ ભારતીય લેખિકા લક્ષ્મી કોલના પુસ્તક લિટલ ડિવાઈન વન્સઃ વ્હેન ગોડ્સ વેર ચિલ્ડ્રન’ની પાછળ આ પરંપરાને પુનર્જિવિત કરવાની પ્રેરણા રહી છે. પરિવારો સાથે મળીને માણી શકે તેવું આ પુસ્તક પેરન્ટ્સ, ગ્રાન્ડપેરન્ટ્સ તેમજ અને વાર્તાકારોને ભારતના આધ્યાત્મિક વારસામાં યુવા પેઢીઓને સહભાગી બનાવવા પ્રોત્સાહિત કરે છે. લેખિકા લક્ષ્મી કોલ માટે આ પ્રોજેક્ટ ખૂબ જ અંગત છે જેમણે આ પુસ્તક માત્ર 9 વર્ષની વયે યુકેમાં અવસાન પામેલી તેમની દીકરી નૈનિકાને અર્પણ કર્યું છે. પ્રાચીન કથાવર્ણનોને ફરીથી કહેવાં સાથે તેઓ વાર્તાકથનની સમયાતીત પરંપરા થકી પરિવારો અને કોમ્યુનિટીને સાંકળવાની આશા ધરાવે છે.

સંસ્કૃતિ સાથે જીવનપર્યંતનું બંધન

કોલે તેમની કારકિર્દીનો મોટા ભાગનો હિસ્સો ભારત-યુકે સંબંધોને મજબૂત બનાવવા અને ડાયસ્પોરા સમુદાયોને તેમના સાંસ્કૃતિક સંબંધોને જાળવી રાખવામાં સપોર્ટ કરવામાં વીતાવ્યો છે. તેમની પ્રોફેશનલ યાત્રામાં સાંસદ બોબ બ્લેકમેનના રાજકીય સહાયક તરીકેની કામગીરી, કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રીની યુકેમાં પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેવાનો તેમજ કાશ્મિરી પંડિત્સ કલ્ચરલ સોસાયટી યુકેની સ્થાપનાનો સમાવેશ થાય છે. ભારતમાં મોટ મેક્ડોનાલ્ડ ખાતે સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે કેટલાંક વર્ષોની કામગીરી પછી તેઓ લેખિકા અને પ્રકાશક તરીકે યુકેમાં પરત આવ્યાં હતાં. તેઓ હવે ગ્રીન મીડિયાનાં ચીફ એક્ઝિક્યુટિવ અને ગ્લોબલ ઓર્ડર ખાતે કન્ટ્રિબ્યુટિંગ એડિટર હોવાંની સાથોસાથ ઈન્ડિયા-યુકે કોરીડોર સાથે સલાહકારી સેવા પણ આપી રહ્યાં છે. પુસ્તકો, પ્રકૃતિ, સાંસ્કૃતિક વિનિમય અને પ્રાચીન ડહાપણમાં દીર્ઘકાલીન રસ ‘લિટલ ડિવાઈન વન્સ’માં કેન્દ્રિત થયો છે, જે કથા-વાર્તાઓ તમામ પેઢીઓના લોકોને સાંકળી શકે છે તેવી તેમના માન્યતાને પ્રદર્શિત કરે છે.

યુવા વાચકો માટે પ્રાચીન કથાઓ

પુરાણો, મહાકાવ્યો, પ્રાદેશિક લોકકથાઓ, મંદિર પરંપરાઓ અને મૌખિક વર્ણનો પર આધારિત આ પુસ્તક બાળકોને દસ દિવ્ય મહાનુભાવો- આદિ-શક્તિ, શિવ, બાળ ગણેશ, બાળ કાર્તિકેય અથવા સ્કંદ, બાળ રામ, બાળ હનુમાન, બાળા પાર્વતી, બાળા સરસ્વતી, બાળા લક્ષ્મી અને બાળ કૃષ્ણ સાથે પરિચય કરાવે છે. કેન્દ્રીય ધારણા એવી છે કે અનેક પેઢીઓ માટે પૂજનીય દેવીઓ અને દેવતાઓ પણ આ પુસ્તકમાં બાળકો છે, જેઓ જિજ્ઞાસુ, તોફાની, બહાદૂર અને પ્રેમથી ભરપૂર હતા. તેમના પરાક્રમો યુવા વાચકોને પ્રખ્યાત દિવ્ય વ્યક્તિઓ અને તેમના વર્ણનોમાં સમાયેલાં મૂલ્યોનો સરળ પરિચય કરાવે છે. આ પુસ્તક હિન્દુ સનાતન પરંપરાઓના વૈવિધ્યને પણ બિરદાવે છે, જ્યાં વિવિધ પ્રદેશો, પરિવારો અને સમુદાયોમાં આ કથાઓના અલગ અલગ વૃતાન્તો જોવાં મળે છે.
નિર્ણાયક કે સ્પષ્ટ વર્ણનો રજૂ કરવાનો દાવો કરવાના બદલે કોલ સમજાવે છે કે આ નેરેટિવ્ઝ તેમના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂળ પ્રત્યે આદર ધરાવવા સાથે સારા ઉદ્દેશથી પસંદ કરાયાં છે અને પુનઃ કહેવાયાં છે. અન્ય સંસ્કરણો કે વિવરણોથી પરિચિત હોય તેવા વાચકોને તેમના આગવા અર્થઘટનોમાં સહભાગી બનાવવા પણ પ્રોત્સાહિત કરાયા છે. આવો અભિગમ પુસ્તકના વ્યાપક સંદેશાને પ્રસારિત કરે છે કે પરંપરાની જાળવણીનો અર્થ તેને સહભાગિતા, વાર્તાલાપ અને પુનઃકથન દ્વારા જીવંત રાખવાનો છે.

પ્રાચીન કથાઓનો પ્રસાર અને વિસ્તાર

કોલ આ વાર્તાઓને પુસ્તકના પાનાઓમાંથી બહાર કાઢી શાળાઓ, ટ્રફાલ્ગર સ્ક્વેરમાં દીવાળીની ઉજવણીઓ, ભવન અને લંડનના નેહરુ સેન્ટર સહિત યુકેના વિવિધ સ્થળોએ વાર્તાકથન પરફોર્મન્સીસ દ્વારા આગળ વિસ્તારી રહ્યાં છે. તેમના ‘#PassTheStoryForward’ કેમ્પેઈન થકી તેઓ પરિવારો અને સમુદાયોમાં મૌખિક વાર્તાકથનને સજીવન કરવાની આશા રાખે છે. તેમના પરફોર્મન્સીસમાં પરંપરાગત વર્ણનોને શાસ્ત્રીય નૃત્ય, ગાયનો, હાલરડાં, પપેટ્રી અને મંત્રોના સમકાલીન અર્થઘટનોને સમાવી લેવાય છે. તેઓ આ વિવિધ કળાપ્રકારો થકી અનેક પેઢીઓના ઓડિયન્સીસને આકર્ષવા અને નવા સાંભળનારા માટે વાર્તાઓ સુલભ બનાવવાં માગે છે.
ઉત્સવોની મૌસમ આવી રહી છે ત્યારે ‘લિટલ ડિવાઈન વન્સ’ પરિવારોને વાર્તાઓ કહેવાનો આનંદ પુનઃ પ્રાપ્ત કરવાની ઓફર કરે છે. ગ્રાન્ડપેરન્ટ્સ પરિચિત વાર્તાઓ પુનઃ કહેતા હોય અથવા બાળક પહેલી જ વખત દિવ્ય પરાક્રમને સાંભળતો હોય, દરેક પુનઃકથન જોડાણનો તંતુ ઉભો કરે છે. કોલને આશા છે કે આખરે આ પુસ્તક બાળકને આ દિવ્ય બાળપણોમાં પોતાની જિજ્ઞાસા, હિંમત અને કરુણાને ઓળખવામાં પ્રેરિત કરશે તેમજ વયસ્કોને તેમનાી ઉછેરનું ઘડતર કરનારી કથાઓ ફરી સાંભળવા-વાંચવાનું ગમશે. આ કથાસંગ્રહ સાથે ભારતના અનંત કથાવર્ણનો એક પેઢીથી આગામી પેઢીઓ સુધીની યાત્રાને ચાલુ રાખશે તેમજ વિશ્વભરમાં ઘરો અને કોમ્યુનિટીઓમાં સાંસ્કૃતિક પરંપરાઓને જીવંત રાખશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter