બ્રેન્ટની સ્કૂલ ટીચર એન્ડ્રીયા ઝફિરાકોઉ વિશ્વની શ્રેષ્ઠ ટીચર બની

Wednesday 28th March 2018 07:37 EDT
 
 

લંડનઃ નોર્થવેસ્ટ લંડનના બ્રેન્ટની આલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલમાં આર્ટ અને ટેક્સટાઈલ ટીચર તરીકે ફરજ બજાવતા ૩૯ વર્ષીય એન્ડ્રીયા ઝફિરાકોઉને વિશ્વના શ્રેષ્ઠ ટીચરનું એક મિલિયન ડોલર (૭૧૭,૦૦૦ પાઉન્ડ)નું ટીચીંગ પ્રાઈઝ મળ્યું હતું. દુબઈની ગ્લોબલ એજ્યુકેશન એન્ડ સ્કીલ્સ ફોરમ દ્વારા પોતાના વ્યવસાયમાં શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ તેમને આ ઈનામ અપાયું હતું.

સ્કૂલમાં આવતા વિવિધ સમાજના અને ભાષાના વિદ્યાર્થીઓ તેમજ તેમના પેરન્ટ્સ સાથે સરળતાથી વાતચીત કરી શકાય તે માટે તેઓ હિંદી, ગુજરાતી, તમિળ અને પોર્ટુગીઝ સહિત ૩૫ અલગ ભાષા શીખ્યા હતા.

તેમણે રુઢિચુસ્ત સમાજમાંથી આવતી છોકરીઓ માટે સ્પોર્ટ્સ ક્લબ સ્થાપવામાં, અભ્યાસક્રમની પુનઃરચનામાં મદદ કરી હતી. તેઓ વિદ્યાર્થીઓના ઘરે જઈને તેમની મુલાકાત લેતા હતા. તેઓ વાર્કી ફાઉન્ડેશન ગ્લોબલ ટીચર પ્રાઈઝ મેળવનારા યુકેના પ્રથમ ટીચર બન્યા હતા. આ પ્રાઈઝ મેળવવા માટે તુર્કી, અમેરિકા, બેલ્જિયમ, સાઉથ આફ્રિકા, નોર્વે, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કોલમ્બિયા અને ફિલિપાઈન્સ સહિત૧૭૩ દેશના ૩૦,૦૦૦ શિક્ષકોએ અરજી કરી હતી.

એન્ડ્રિયાએ જણાવ્યું હતું કે બ્રેન્ટમાં તેઓ જે સમાજમાં ભણાવે છે તેમાં ખૂબ વૈવિધ્ય છે અને તે વિશ્વમાંની સૌથી બહુલસંસ્કૃતિ સાથેનો સમાજ છે. કમનસીબે આ સમાજમાં તેમના ઘણાં વિદ્યાર્થીઓ ખરાબ પરિસ્થિતિમાં જીવે છે.

વડાપ્રધાન થેરેસા મેએ એન્ડ્રિયાને મોકલેલા વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આપે આપના કામમાં ખૂબ સમર્પણ અને રચનાત્મકતા દર્શાવી છે.

એજ્યુકેશન સેક્રેટરી ડેમિયન હિન્ડ્સે જણાવ્યું હતું, ‘એન્ડ્રિયાની વાત ખૂબ પ્રેરણાદાયક છે. તેમને આ માન મળ્યું છે તેનાથી હું ખૂબ ખુશ છું.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter