ભારતના પ્રથમ મહિલા ફોટોજર્નલિસ્ટ સ્વ. વ્યારાવાલાની તસવીરોનું ન્યૂ યોર્કમાં પ્રદર્શન

Thursday 29th July 2021 09:39 EDT
 
 

વડોદરાઃ સંસ્કારનગરીના વતની અને ભારતનાં પ્રથમ ફોટોજર્નલિસ્ટ હોમાઇ વ્યારાવાલાના નિધનના ૯ વર્ષ બાદ ન્યૂ યોર્કના મેટ મ્યુઝિયમમાં તેમના ૧૨૫ ફોટોગ્રાફ્સનું એક્ઝિબિશન યોજાયું છે. મ્યુઝિયમના પ્રદર્શનમાં હાલ ૨૦ દેશોના ૧૨૦ ફોટોગ્રાફર્સના ફોટોગ્રાફ્સ પ્રદર્શિત થયાં છે. વીતેલા સપ્તાહથી શરૂ થયેલા અને ઓક્ટોબર સુધી ચાલનારાં આ પ્રદર્શનમાં ૧૯૪૦માં લેવાયેલો મુંબઇના વિકટોરિયા ટર્મિનસનો ફોટો દર્શનીય છે.
આ પ્રદર્શનમાં ૧૯૨૦થી ૧૯૫૦ના યુગના વિવિધ કેટેગરીના ફોટોગ્રાફ્સ મૂકાયા છે. જેમાં મહિલાના સ્ટુડિયો પોશ્ચર્સ, ફેશન, એડવર્ટાઇઝિંગ, આર્ટિસ્ટિક, સ્ટ્રીટ ફોટોગ્રાફી અને ફોટોજર્નલિઝમ વર્કનો સમાવેશ થાય છે. આ જમાનામાં મહિલાઓએ પણ હાથમાં કેમેરા ઉઠાવીને રાજકારણ, ફેશનથી માંડીને દૈનિક જીવનને તસવીરોમાં કંડારી હતી. આ યુગના નોંધનીય મહિલા ફોટોગ્રાફર્સમાં હોમાઇ વ્યારાવાલા ઉપરાંત બેરેનિસ એબોટ, ઇમોજન કનિંગહામ, ફ્લોરેન્સ હેનરીનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન વોશિંગ્ટનની નેશનલ ગેલેરી ઓફ આર્ટ અને ન્યૂ યોર્કના મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઓફ આર્ટ દ્વારા યોજાયું છે.

હોમાઇના ફોટોગ્રાફ્સ અલકાઝી ફાઉન્ડેશન હસ્તક
હોમાઇ વ્યારાવાલાના તમામ ફોટોગ્રાફ્સ મુંબઇના અલકાઝી ફાઉન્ડેશન પાસે છે અને આ ફાઉન્ડેશન થકી જ તેમના ફોટોગ્રાફ્સ દુનિયાભરના તસવીર પ્રદર્શનમાં મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, હોમાઇ વ્યારાવાલા છાણી જકાતનાકા વિસ્તારમાં રહેતા હતા. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૨ના રોજ તેમનું નિધન થયું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter