દેશમાં સંપત્તિ, ચેરિટી, સ્ટાર્ટઅપ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રમાં ટોપ-100 મહિલામાં 9 ગુજરાતી છે. હુરુન રિચ લિસ્ટ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા રિપોર્ટ ઇન્ડિયા વુમન લીડર્સ લિસ્ટ 2025માં વાપીની બે યુવા બિઝનેસ વુમન મૃણાલ પંચાલ અને સલોની આનંદના નામ પણ જોવા મળે છે. લિડર્સ લિસ્ટ અંતર્ગત કુલ 9 કેટેગરીમાં મહિલાઓની યાદી આપવામાં આવી છે. તેમાં મૃણાલ પંચાલને વુમન ઇન્ફ્લુઅન્સર કેટેગરીમાં પ્રથમ સ્થાન મળ્યું છે. જ્યારે સલોની આનંદને યંગ વુમન લીડર કેટેગરીમાં સ્થાન મળ્યું છે. આ સિવાય પ્રોફેશનલ કેટેગરીમાં કોટક મહિન્દ્રાના શાંતિ અકબરમ, ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટરમાં ઝોહો કોર્પોરેશનના રાધા વેમ્બુ, નેક્સ્ટ જનરેશન લીડરમાં એચસીએલના રોશની નાદર, ઈન્વેસ્ટરમાં શ્વેતા જલાન, ફિલાન્થ્રોપીસ્ટમાં રોહિણી નિલેકાની, આર્ટિસ્ટમાં અર્પિતા સિંહ, મોસ્ટ ફોલોડ સેલેબ્રિટી ઇન્વેસ્ટરમાં શ્રદ્ધા કપૂર જેવા દિગ્ગજ નામો સામેલ છે.
વિવિધ કેટેગરીમાં 26થી 83 વર્ષનાં ગુજરાતી સિતારા
• મૃણાલ પંચાલ (26 વર્ષ)
ઇન્ફ્લુઅન્સર ફાઉન્ડર કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. વાપીનાં મૃણાલ બ્યુટી પ્રોડક્ટ બનાવતી મૃચા બ્યુટીના ફાઉન્ડર છે. ઇન્સ્ટા પર 55 લાખ ફોલોઅર્સ છે.
• માધવી પારેખ (83 વર્ષ)
આર્ટિસ્ટ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. આણંદનાં વતની માધવી પારેખ પેઇન્ટર છે. યાદીમાં છઠ્ઠા સ્થાને રહેલા માધવી પારેખનું ટર્નઓવર 1 કરોડ રૂપિયા કરતાં વધુ છે.
• સલોની આનંદ (35 વર્ષ)
સ્ટાર્ટ અપ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. વાપીનાં સલોની ત્રયા હેલ્થ કંપનીના કો-ફાઉન્ડર છે. પર્સનલાઈઝ્ડ સેવા આપે છે.
• શુવી શ્રીવાસ્તવ (34 વર્ષ)
વુમન ઇન્વેસ્ટર કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. 17 વર્ષ સુધી અમદાવાદમાં ઉછરેલાં શુવી ઇન્વેસ્ટમેન્ટ વેન્ચર કંપની લાઇટસ્પીડ ઇન્ડિયા પાર્ટનરમાં સક્રિય છે.
• ઇશા અંબાણી (૩૩ વર્ષ)
નેક્સ્ટ જનરેશન લીડર કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલ વેન્ચરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છે. ટેક-આધારિત એક્સપાન્સનમાં બહુ જ સક્રિય.
• ફાલ્ગુની નાયર (62 વર્ષ)
ફર્સ્ટ જનરેશન વેલ્થ ક્રિએટર કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. નાયકાના સીઇઓ ફાલ્ગુની નાયરનો જન્મ ગુજરાતી પરિવારમાં થયો છે અને તેમણે દક્ષિણ ભારતીય પરિવારમાં લગ્ન કર્યા છે. કેટગરીમાં ચોથા સ્થાને તેમનું સ્થાન મેળવ્યું છે.
• પરીતા પારેખ (૩૩ વર્ષ)
સ્ટાર્ટ અપ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. અમદાવાદમાં ઉછરેલા પરિતા એજ્યુકેશન કંપની ટોડલના કો-ફાઉન્ડર છે, જે AI ડ્રિવન પ્લેટફોર્મ છે.
• અદ્વૈતા નાયર (34 વર્ષ)
પ્રોફેશનલ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. નાયકાના આ કો-ફાઉન્ડર દેશના ફેશન અને લાઇફસ્ટાઇલ સેક્ટરમાં મોટો બદલાવ લાવ્યા છે.
• સ્વાતિ દલાલ (50 વર્ષ)
પ્રોફેશનલ કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે. સ્વાતિ દલાલ તાજેતરમાં ઝાયડસ હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર પદે બિરાજમાન થયા છે.