ભારતમાં મહિલા પાઇલટની ટકાવારી વિશ્વમાં સૌથી વધુ

Thursday 01st September 2022 06:35 EDT
 
 

મહિલા પાઈલટની સંખ્યાના મામલામાં ભારત અમેરિકાથી પણ આગળ નીકળી ગયું છે. ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ વુમન એરલાઈન પાઈલટના મતે, વૈશ્વિક સ્તરે મહિલા પાઈલટોની ટકાવારી ભારતમાં સૌથી વધુ છે. ભારતમાં મહિલા પાઈલટની ટકાવારી 12.4 ટકા છે. જ્યારે દુનિયામાં સૌથી મોટી એરલાઈન ઈન્ડસ્ટ્રી ધરાવતા અમેરિકામાં મહિલા પાઈલટ કુલ સંખ્યાના ફક્ત 5.5 ટકા છે, તો બ્રિટનમાં આ આંકડો 4.7 ટકા છે.
પુરુષ પાઇલટ કરતાં મહિલા પાઇલટનું પર્ફોર્મન્સ સારું
બ્લૂમબર્ગના રિપોર્ટ પ્રમાણે એરલાઈન્સમાં વધુ મહિલાઓને કામ પર રાખવાથી કંપનીને કર્મચારીઓની અછત સામે લડવામાં પણ મદદ મળે છે. બોઈંગ કંપનીનું અનુમાન છે કે આગામી બે દસકામાં દુનિયામાં છ લાખથી વધુ નવા પાઈલટની જરૂર પડશે. એટલું જ નહીં, અનેક સરવે પ્રમાણે મહિલા પાઈલટનો દેખાવ પુરુષ પાઈલટથી ઘણો વધુ સારો હોય છે. કેટલાક વિશ્લેષણોમાં પણ માલુમ પડ્યું છે કે જ્યારે વિમાનનું સુકાન મહિલા પાઈલટના હાથમાં હોય છે ત્યારે નાના-મોટા અકસ્માતો ઓછા સર્જાય છે.
મહિલા પાઈલટ તૈયાર કરવા અનેક યોજના
નિવેદિતા ભસીન જેવાં પાઈલટ અને એરલાઈન્સ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓનું કહેવું છે કે આઉટરિચ પ્રોગ્રામ હેઠળ સારી કોર્પોરેટ નીતિઓ અને મજબૂત પારિવારિક સમર્થનથી ભારતીય મહિલાઓને પાઈલટ બનવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. 1948માં રચાયેલી નેશનલ કેડેટ કોર્પ્સ (એનસીસી)ની એર વિંગના માધ્યમથી ભારતીય મહિલાઓને ઉડાન ભરવા તૈયાર કરવામાં આવે છે. આ જ માધ્યમથી વિદ્યાર્થિનીઓને માઈક્રોલાઈટ વિમાનોની મદદથી તાલીમ અપાય છે. મહિલાઓ માટે મોંઘી કોમર્શિયલ પાઈલટ તાલીમને વધુ સુલભ બનાવવા માટે કેટલીક રાજ્ય સરકાર સબસિડી આપી રહી છે. હોન્ડા મોટર જેવી કંપનીઓ એક ભારતીય ફ્લાઈંગ સ્કૂલમાં 18 મહિનાના અભ્યાસક્રમ માટે સંપૂર્ણ સ્કોલરશિપ આપે છે. એટલું જ નહીં તે તેમને નોકરી અપાવવામાં પણ મદદરૂપ થાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter