અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનના વહીવટી માળખામાં ભારતીયોની ભૂમિકા વધી રહી છે. આમાં નવું નામ ઉમેરાયું છે શાંતિ સેઠીનું. તાજેતરમાં તેમને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસના કાર્યકારી સચિવ અને સંરક્ષણ સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શાંતિ સેઠીએ યુએસ નેવીના યુદ્ધ જહાજની પ્રથમ મહિલા કમાન્ડર બનવાનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. આ નિમણૂક ભારતીય નારીશક્તિ માટે જ નહીં, સમગ્ર ભારતવંશી સમુદાય માટે ગૌરવની ઘડી છે.
કમલા હેરિસના વરિષ્ઠ સલાહકારને ટાંકતા એક અહેવાલ અનુસાર સેઠીને ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયમાં મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. શાંતિ સેઠી યુએસ નેવીના વિશાળ યુદ્ધ જહાજના પ્રથમ ભારતીય અમેરિકન કમાન્ડર હતા. સેઠીની લિન્ક્ડઇન પ્રોફાઇલ મુજબ, તેમનું કામ ઉપરાષ્ટ્રપતિના કાર્યાલયમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અને કાર્યકારી સચિવ તરીકે ફરજ બજાવવાનું છે.
સેઠીએ ડિસેમ્બર 2010થી મે 2012 સુધી ગાઈડેડ મિસાઈલ ડિસ્ટ્રોયર યુએસએસ ડીકેચરને કમાન્ડ કર્યું હતું. નૌકાદળના અનેક જહાજો અને સૈન્ય સ્થાપનોમાં જવાબદારી સંભાળ્યા બાદ વર્ષ 2015માં તેમને કેપ્ટનના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. તેઓ ભારતની મુલાકાત લેનાર યુએસ નેવી જહાજના પ્રથમ મહિલા કમાન્ડર પણ છે. સેઠી 1993માં યુએસ નેવીમાં જોડાયા અને ત્યારે કોમ્બેટ એક્સક્લુઝન લો અમલમાં હતો, એટલે કે બિન-અમેરિકનોની સૈન્યમાં મર્યાદિત જવાબદારી હતી. જોકે જ્યારે તેઓ એક અધિકારી હતાં ત્યારે જ એક્સક્લુઝન એક્ટ રદ કરી નાંખવામાં આવ્યો હતો. અને તેમને પુરુષોના વર્ચસ્વવાળી સેનામાં મોટી જવાબદારી નિભાવવાની તક મળી હતી.
શાંતિ સેઠીના પિતા સાઠના દાયકામાં ભારતથી અમેરિકા જઇ વસ્યા હતા. કમલા હેરિસ પણ ભારતીય મૂળના એવા રાજકારણીઓમાંથી એક છે, જેઓ અમેરિકન રાજકારણમાં ઉપરાષ્ટ્રપતિના સર્વોચ્ચ પદ સુધી પહોંચનાર પ્રથમ ભારતવંશી છે.
શાંતિ સેઠીએ વર્ષ 2021-22માં નેવી સેક્રેટરીના વરિષ્ઠ સૈન્ય સલાહકાર તરીકે પણ સેવા આપી છે. નેવાડાનાં રહેવાસી શાંતિ સેઠીએ નોર્વિચ યુનિવર્સિટીમાંથી આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમણે જ્યોર્જ વોશિંગ્ટન યુનિવર્સિટીની ઇલિયટ સ્કૂલ ઓફ ઈન્ટરનેશનલ અફેર્સમાંથી ઈન્ટરનેશનલ પોલિસી એન્ડ પ્રેક્ટિસમાં માસ્ટર્સની ડિગ્રી પણ મેળવી છે.


