દુબઈઃ સંખ્યાબંધ શિક્ષણ કેન્દ્રો અને ઝૂપંડપટ્ટીની દિવાલો પર શૈક્ષણિક કે શિક્ષણમાં ઉપયોગી બને તેવા આકર્ષક ભીંતચિત્રો દોરનારા ભારતીય શિક્ષિકા રુબલ નેગીને 10 લાખ ડોલરના ગ્લોબલ ટીચર પ્રાઇઝથી સન્માનિત કરાયાં છે.
યુનાઈટેડ આરબ અમિરાતમાં દુબઈ ખાતે યોજાયેલી વર્લ્ડ ગવર્ન્મેન્ટ્સ મીટમાં રુબલ નેગીએ આ એવોર્ડ સ્વીકાર્યો હતો ત્યારે તાડીઓના ગડગડાટથી તેમને વધાવી લેવાયાં હતાં. દુબઈમાં યોજાતી આ ઇવેન્ટમાં સમગ્ર વિશ્વના દેશોની સરકારો સહભાગી બને છે. રુબલ નેગીના આર્ટ ફાઉન્ડેશને આખા ભારતમાં 800થી વધુ લર્નિંગ સેન્ટરો સ્થાપ્યા છે. તેઓનું ધ્યેય ક્યારેય શાળાએ જઈ ન શકનારા લોકો શીખવાનું શરૂ કરે તે છે. તેઓ બાળકોને સ્કૂલોમાં પણ શીખવે છે.
રુબલ નેગીએ સાક્ષરતા, વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ સહિત અનેકવિધ મુદ્દાઓને સરળતાથી સમજાવતાં ભીંતચિત્રો કંડાર્યા છે. કંઇક નોખા-અનોખા પ્રયાસ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપવા બદલ વાર્કી ફાઉન્ડેશન દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. શિક્ષણ ક્ષેત્રે સક્રિય વાર્કી ફાઉન્ડેશનના સ્થાપક સની વાર્કી છે. તેમની જીઇએમએસ એજ્યુકેશન કંપની ઇજિપ્ત, કતાર અને યુએઈમાં ડઝનેક સ્કૂલો ચલાવે છે.
રુબલ નેગી તેમને પુરસ્કાર રૂપે મળેલી આ 10 લાખ ડોલરની રકમનો ઉપયોગ ફ્રી વોકેશનલ ટ્રેનિંગ આપતી ઇન્સ્ટિટ્યુટની સ્થાપના માટે કરવા માંગે છે. જીઈએમએસ એજ્યુકેશન વિશ્વના સૌથી મોટા પ્રાઇવેટ સ્કૂલ ઓપરેટરોમાં ગણના પામે છે અને તેની પાસે અબજો ડોલરની સંપત્તિ હોવાનું મનાય છે.


