ભાવના કંઠઃ ભારતનાં પ્રથમ મહિલા ટોપ ગન પાઇલટ

Saturday 15th August 2026 05:58 EDT
 
 

નવી દિલ્હીઃ ઇંડિયન એરફોર્સનાં ત્રણ મહિલા ફાઈટર પાઇલટોમાંના એક સ્ક્વોડ્રન લીડર ભાવના કંઠ ફાઈટર કોમ્બેટ લીડર કોર્સ પૂરો કરીને દેશનાં પ્રથમ મહિલા ‘ટોપ ગન’ પાઇલટ બન્યાં છે. આ કોર્સ યુએસ નેવીનાં ચર્ચિત ટોપ ગન કોર્સના સ્તરનો છે. ભાવનાએ ગ્વાલિયર સ્થિત ટેક્ટિસ એન્ડ એર કોમ્બેટ ડેવલપમેન્ટ એસ્ટેબ્લિશમેન્ટ (ટેકડી)માં 20 અઠવાડિયાની ટ્રેનિંગ લીધી. આમાં જટિલ યુદ્ધ પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી કરાવાય છે. આકાશી લડાઈના-દાવપેચ, ઓછી ઊંઘમાં ઓપરેશનલ નિર્ણયો અને યુદ્ધ જેવી સ્થિતિમાં અનેક પ્લેટફોર્મનું કમાન્ડ સંભાળવાની રણનીતિ પણ શીખવાય છે. આ પહેલા ભાવના 2016માં અવની ચતુર્વેદી અને મોહના સિંહ સાથે વાયુસેનાના પ્રથમ ત્રણ મહિલા ફાઇટર પાઇલટોમાં સામેલ થયાં હતાં. 2021માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં સામેલ થનારા તેઓ પ્રથમ મહિલા પાઇલટ પણ બન્યા હતા.
ભાવના હવે વાયુસેનાના સૌથી એલીટ પાઇલટોની શ્રેણીમાં આવી ગયા છે. જેને ‘વન પર્સેન્ટ ક્લબ’ તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે વાયુસેનાના કુલ પાઇલટોમાંથી એક ટકાથી પણ ઓછાની પસંદગી આ ટ્રેનિંગ માટે થઈ શકે છે. હવે તેઓ ભવિષ્યમાં લડાયક અભિયાનોનું નેતૃત્વ કરશે.
ટોપ ગન પાઇલટ કોર્સમાં આકાશી લડાઈની ટ્રેનિંગ અપાય છે. આમાં દુશ્મનને માત આપવાના દાવપેચ શીખવાય છે. જ્યારે ફાઈટર જેટ ઉડાન પર વળાંક લે છે, ત્યારે પાઈલટને પોતાનું જ વજન 9 ગણું વધુ ભારે અનુભવાય છે. ભાવનાને ઓછી ઊંઘ અને ભારે થાક વચ્ચે ઇંધણનો હિસાબ રાખવો, હથિયારોનો સાચો ઉપયોગ પસંદ કરવો, હુમલાનો સમય નક્કી કરવાનો અભ્યાસ કરાવાયો હતો. આમાં નાની ભૂલ પણ જીવલેણ બની શકે છે.
ભાવના કંઠ બિહારના મિથિલાંચલ વિસ્તારના દરભંગા જિલ્લાનાં વતની છે. તેમના પિતા - તેજનારાયણ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં - ઈલેક્ટ્રિકલ એન્જિનિયર હતા. ભાવનાની રુચિ દોડધામ વાળી રમતોમાં હતી. બરૌનીની ડીએવીથી શાળાનો અભ્યાસ કર્યો. આ પછી - બેંગ્લરથી એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી અને બાદમાં તેઓ ટીસીએસમાં જોડાયાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter