ભોજન સમયનો આનંદ વધારતાં લાકડાના વાસણો

કિચન કોર્નર

Saturday 18th April 2026 06:17 EDT
 
 

ડાઈનિંગ રૂમએ કોઈપણ ઘરનું હૃદય હોય છે. ભોજન સમયે સુંદર વાસણો તેની શોભામાં અને વાપરનારાના આનંદમાં વધારો કરે છે. અગાઉના જમાનામાં ધાતુના વાસણો નહોતા એટલે લોકો લાકડાંનાં વાસણો વાપરતા હતા, પરંતુ હવે લોકો ક્લાસી લુક માટે તેની પસંદગી કરી રહ્યા છે. આજકાલ લાકડાંની ચમચી, ચમચા, બાઉલ, પ્લેટ, ટ્રે, મસાલિયું વગેરે વુડન ખરીદવાનું ગૃહિણીઓ પસંદ કરે છે. અતિ સુંદર અને કલાત્મક ડીઝાઈન સાથે આ વુડન વાસણો માર્કેટમાં મળી રહ્યા છે.

મનમોહક ડીઝાઈનઃ આજકાલ લાકડાંનાં વાસણો ઘણી લેટેસ્ટ ડીઝાઈનમાં મળી રહી છે. એનું કારણ તેની વધતી ડિમાન્ડ પણ છે. ગૃહિણીઓ ડાઈનિંગ ટેબલને તેના વડે એક ક્લાસી લુક આપવા માગે છે. વિવિધ કોતરણી કરેલી અને સુંદર ફૂલ-પત્તીઓ, મોર, હાથી, કમળ વગેરે હેરિટેજ લુક આપતી ડીઝાઈન જોઈને મન ખુશ થઈ જાય એવી સુંદર કોતરણી તેની પર કરવામાં આવી હોય છે. પરંતુ ખરીદતી વખતે એવી ડીઝાઈનની પસંદગી કરવી જે સાફસફાઈ કરતી વખતે નડે નહીં.
કયા પ્રકારનું લાકડું સારું?ઃ લાકડાંનાં વાસણ ખરીદતા સમયે કયા પ્રકારનું લાકડું વપરાયું છે તે ખાસ જોવું. મોટાભાગે સીસમ, બાવળ અને અખરોટના લાકડાંથી બનેલા વાસણ મજબૂત અને ટકાઉ હોય છે. તેનું નેચરલ ઓઇલ હોય છે તેથી ચમક જળવાયેલી રહે છે. ઉપરાંત આ પ્રકારના લાકડાં જીવાણું તથા ફંગસ વિરોધી હોય છે.
ખરીદી વેળા શું ધ્યાન રાખવું?ઃ સુંદરતાની સાથે વાસણોની મજબૂતી પણ મહત્ત્વની હોય છે. ઘણી વખત વાસણ ખૂબ સુંદર દેખાતું હોય એટલે આપણે ખરીદી લઈએ અને પાછળથી પસ્તાઈએ. આથી ખરીદતા સમયે તેની ક્વોલિટીનું ધ્યાન રાખવું. શક્ય હોય ત્યાં સુધી પોલિશ કરેલા વુડન વાસણો ખરીદવા ટાળવા. એનું કારણ કે પોલિશ વપરાશ સાથે ઘસાઈને નીકળતું જાય ને તે આપણા ભોજન પેટ સુધી પહોંચી શકે છે.

આટલું અવશ્ય ધ્યાન રાખશો...
• લાકડાંનાં વાસણોમાં કોઈપણ પ્રવાહી ખાદ્યસામગ્રી વધારે સમય સુધી ભરી ન રાખશો. જ્યારે જમવા બેસી ત્યારે જ તેમાં પીરસો.
• કોઈ પણ લિકવિડ સોપથી ધોયા પછી તરત જ તેને બરાબર લૂછીને કોરા કરવાનું રાખો. નહીંતર ફૂગ લાગી શકે છે.
• વધુ ચિકાશ હોય તો તેને દૂર કરવા વિનેગર, લીંબુનો રસ અથવા બેકિંગ સોડાનો ઉપયોગ કરી શકાય. તેમાંથી કોઈપણ એકને પાણીમાં મિક્સ કરી સોફ્ટ કપડાંથી વાસણ પર ઘસો. વાસણ બિલકુલ નવા જેવું ચમકી ઊઠશે.
• તારના સ્ક્રબરથી ઘસવાનું ટાળવું જેથી લિસોટા ન પડે.
• વુડન વાસણોને ડિશવોશર કે માઇક્રોવેવમાં મૂકવા નહીં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter