મનપસંદ ડિઝાઈન પ્રિન્ટ કરાવો પરિધાન પર

Saturday 24th October 2020 09:09 EDT
 
 

દરેક વસ્ત્રો પર ભારે ભરતકામ કરીને તે પહેરવું શક્ય નથી. ભરતકામ કરેલાં પરિધાન મોંઘા પણ મળે છે અને તેનું વજન પણ વધી જાય છે, પણ હવે તેનો સહેલો રસ્તો મળી ચૂક્યો છે. વિવિધ પ્રકારના કાપડ અને વસ્ત્રો ઉપર મનગમતું છાપકામ કરાવીને તમે એ પોશાક પહેરી શકો છો. તમારી ઈચ્છા મુજબના ભરતકામની, તમને ગમતા કાપડ ઉપર, તમને ગમતા રંગમાં પ્રિન્ટિંગ કરાવી શકાય છે. કોઈ પ્રોફેશનલ ઈવેન્ટ અથવા કોઈ ખાસ પ્રસંગે લોકો એક જ પ્રકારના કાપડ કે વસ્ત્રો ઉપર એક જ પ્રકારની ડિઝાઈન કરાવીને તે પોશાક પહેરે છે એવો પણ હાલમાં ટ્રેન્ડ જોવા મળે છે.
વ્યાવસાયિક જગ્યાએ શર્ટ, પેન્ટ, સ્વેટ-શર્ટ્સ, પેન્ટ્સ કે કામની જગ્યાએ પહેરવાના યુનિફોર્મ ઉપર ચોક્કસ લોગો કે પ્રિન્ટ કમ્પ્યુટર પ્રિન્ટ દ્વારા મૂકવામાં આવે છે તો લગ્ન સુધીના પ્રસંગે પહેરાતાં ભારે વસ્ત્રો ઉપર પણ લોકો અનેક ડિઝાઈન પસંદ કરીને કમ્પ્યુટર પ્રિન્ટ કરાવે છે.
કંપનીઓ, સંગઠનો, સંસ્થાઓ અને વ્યક્તિઓ બ્રાન્ડિંગ – પ્રમોશન માટે કપડાં પસંદ કરી અને તેની પર ચોક્કસ લોગો કે પ્રિન્ટ કરાવવા માગે છે તેના માટે પણ આ આદર્શ વિકલ્પ છે.
ઓનલાઈન પસંદગી
આજે ઓનલાઈન ખરીદી ખૂબ જ સહેલી બની છે તેથી કોઈ પણ પ્રસંગ માટે અગાઉથી આયોજન કરીને લોકો પોતાના મનગમતા પરિધાન પરની પ્રિન્ટ પસંદ કરીને લોકો એ પોશાક માટે ઓનલાઈન ઓર્ડર આપે છે. ખાસ કરીને લગ્નપ્રસંગે વ્યક્તિગત રીતે પોતાનાં કપડાં માટેની મનપસંદ અને યુનિક ડિઝાઈન અને તેની પરની પ્રિન્ટ ઓનલાઈન મેળવી શકે છે.
ભરતકામ જેવી પ્રિન્ટ્સ
કમ્પ્યુટર પ્રિન્ટ કરતા એક્સપર્ટ્સ કહે છે કે, કાપડ અને વસ્ત્રો પર ભરતકામની પ્રિન્ટ વસ્ત્રોને સુંદર ઉઠાવ આપે છે. ગ્રાહકને પસંદ હોય એ કલરની ભાતીગળ કે આધુનિક પ્રિન્ટ પણ વસ્ત્ર પર થઈ શકે છે. આ પ્રિન્ટ પર પછી ભરતકામ કરાવે તો પણ ચાલે અને ન કરાવે તો પણ ચાલે. આ પ્રિન્ટ માત્ર વસ્ત્રને સુંદર ઉઠાવ આપે છે.
ગ્રાફિક્સ અને ટકાઉપણું
લોકોને પસંદ હોય તે ગ્રાફિક્સ તૈયાર થાય છે અને કાપડ કે વસ્ત્ર પર તે પ્રિન્ટ કરવામાં આવે છે. મશીન ભરતકામ માટે આ પદ્ધતિ બહુ સહેલી બની રહે છે. ગ્રાફિક્સથી ફાયદો એ થાય છે કે પસંદ કરેલી ડિઝાઈનમાં મનગમતા રંગોથી પ્રિન્ટ તૈયાર થઈ શકે છે. એક જ રંગ પસંદ કરવો જરૂરી રહેતો નથી.
કમ્પ્યુટર ભરતકામની પદ્ધતિનો ઉપયોગ કરીને તમામ પ્રકારના કપડાં અને વિવિધ કાપડ પર અનન્ય પેટર્ન બનાવવાનું શક્ય છે. કમ્પ્યુટર પ્રિન્ટ કરેલા વસ્ત્રો કે કાપડને ધોવા કે તેના વારંવાર ઉપયોગ માટે વધુ તકેદારીની જરૂરિયાત રહેતી નથી. વસ્ત્રો કે કાપડ જૂનું થાય તો પણ પ્રિન્ટ આબેહૂબ રંગો જાળવી રાખે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter