મનભાવન રીતે ડિઝાઈન કરી શકાતી લેયર્ડ કુરતી

Wednesday 26th July 2017 10:03 EDT
 
 

કોઈ પણ પ્રસંગે ઝડપથી પહેરીને પહોંચી શકાય એવું પરિધાન એટલે કુરતી. હવે તો બજારમાં મનભાવન અને હેવિ, લાઈટ, ડિઝાઈનર કુરતીઓ એવી મળે છે કે પ્રસંગ પ્રમાણે કુરતી પહેરો ને ઝડપથી પ્રસંગમાં પહોંચી જાઓ. કુરતીની ફેશન ક્યારેય જૂની થવાની નથી. કોલેજ ગર્લથી માંડીને વૃદ્ધ મહિલાઓ આજે કુરતી સાથે સલવાર, લેગિંન્સ, જેગિન્સ, જીન્સ, પાયજામાનું સુંદર કોમ્બિનેશન કરી જાણે છે. એમાં પણ લેયર્ડ કુરતીઓ આજકાલ વધુ ટ્રેન્ડમાં જોવા મળે છે. આવી લેયર્ડ કુરતી બનાવડાવતી વખતે કેવી-કેવી સ્ટાઇલ અજમાવી શકાય એ જાણીએ.

કુરતીના મટીરિયલનું જ અસ્તર

લેયર્ડ કુરતી જોવામાં તો આકર્ષક લાગે જ છે. એ સાથે એની સિલાઈ પણ બીજા ડ્રેસિસ કરતાં અલગ હોય છે. સામાન્ય રીતે જ્યારે આપણે કોઈ પારદર્શક પ્રિન્ટેડ મટીરિયલ ડ્રેસ માટે પસંદ કરીએ ત્યારે એની પારદર્શકતા ઓછી કરવા નીચે એ મટીરિયલના બેઝ રંગનું અસ્તર મુકાવીએ છીએ. આ અસ્તર મટીરિયલની પારદર્શકતા ઓછી કરે છે ત્યાં જ બીજી બાજુ શિફોન કે નેટ જેવા પાતળા મટીરિયલનો ડ્રેસ બનાવવા માટે અસ્તર જરૂરી સ્ટિફનેસ પણ પૂરી પાડે છે. વાત જ્યારે લેયરની આવે છે ત્યારે હવેના સમયમાં આ પ્રિન્ટેડ મટીરિયલને જ બેઝ કે અસ્તર તરીકે વાપરવાનું ફેશન એક્સપર્ટ્સ કહે છે. કુરતીનું મટીરિયલ હોય એ મટીરિયલનો અસ્તર તરીકે ઉપયોગ કરવો અને કુરતીની લંબાઈ હોય એનાથી એકાદ કે બે ઈંચ અસ્તર ટૂંકું રાખવાથી એ ડિઝાઈનર કુરતી બની જશે. અથવા તો બીજો ઓપ્શન એ છે કે કુરતી લાંબી કરવી હોય તો કુરતીના જ મટીરિયલ કે જેનો અસ્તર તરીકે ઉપયોગ કર્યો હોય એની લંબાઈ કુરતીના ઉપરના લેયર કરતાં વધુ રાખવી. આવા પ્રિન્ટેડ અસ્તરની લંબાઈ કુરતીથી વધુ રાખવાથી કુરતી લાંબી પણ થશે અને ડિઝાઈનર પણ લાગશે.

પ્રિન્ટેડ બેઝ પર પ્લેન મટીરિયલ

લેયર ધરાવતી કુરતીમાં નીચેનું લેયર એટલે કે અસ્તર પ્રિન્ટેડ કરી શકાય અને કુરતીનું ઉપરના લેયર માટે પ્લેન કે વર્કવાળા મટીરિયલની પસંદગી કરી શકાય. એના માટે તમે હેન્ડવર્ક કે મશીનવર્કનો ઉપયોગ પણ કરી શકો છો. ભારે કુરતી બનાવવી હોય તો બેઝ તરીકે સિલ્કમાં પટોળાં પ્રિન્ટ, બાંધણી પ્રિન્ટ પસંદ કરો. અસ્તર તરીકે કાંજીવરમ, બનારસી, સાઉથ કોટન, સિલ્ક, કલકત્તી મટીરિયલ પસંદ કરી શકો અને કુરતીના ઉપરના પ્લેન મટીરિયલ પર જરદોશી, હેન્ડવર્ક, મશીન વર્ક કરાવીને હેવિ ડિઝાઈનર કુરતી તૈયાર કરાવી શકો. લેયરવાળા કુરતામાં આજકાલ ઉપરના મટીરિયલ તરીકે શિફોન, નેટ, જ્યોર્જેટ, ટિશ્યુ વગેરે વધુ વપરાય છે. આ મટીરિયલ્સ પાતળાં હોવાથી એમાં નીચેનું પ્રિન્ટેડ મટીરિયલ ઢંકાઈ જતું નથી. સાથે જ સ્મૂધનેસને કારણે આ મટીરિયલ્સનો ફોલ પણ સારો હોવાથી કુરતીના વજન કે પહોળાઈમાં કોઈ ફરક પણ પડતો નથી.

અસ્તરનું લેયર છૂટું

લેયર્ડ કુરતી બનાવતી વખતે તમારે બન્ને મટીરિયલને એકબીજા સાથે સ્ટિચ કરી દેવાના નથી. કાં તો બન્ને મટીરિયલને અલગ-અલગ સિવડાવી શકાય અથવા વધુમાં વધુ ખભા તથા ચેસ્ટના ભાગથી સાથે સિવી શકાય. ખભાના ભાગે ગાજ બટન કે પ્રેસ બટન પણ મુકાવી શકાય. કમરથી નીચે જતી સિલાઈ છુટ્ટી રાખવાથી કુરતીમાં લેયરની ફિલ આવે.

વિવિધ સ્ટાઈલ

લેયર્ડ કુરતા કે કુરતી તમે તમારી પસંદના ચોલી સ્ટાઇલ, લોન્ગ સ્ટ્રેટ કટ, કળીદાર, પાર્ટવાળા, હોલ્ટર નેક કે કેડિયા સ્ટાઇલમાં બનાવી શકો છો. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter