મલાઇકા અરોરાની સુંદરતાનું રહસ્ય

Wednesday 10th August 2022 06:39 EDT
 
 

49 વરસની મિડલ એજમાં પણ મલાઇકાની તંદુરસ્તી અને સુંદરતા એક નવયૌવનાને શરમાવે તેવી છે. તેના ચહેરા અને શરીર પર ક્યાંય વધતી વયની અસર દેખાતી નથી. આ વયે પણ તેની ત્વચા ગ્લો કરે છે. મલાઇકા પોતાના બ્યૂટિ રૂટિનમાં ઘરગથ્થુ ઉપાયોને પણ સામેલ કરે છે જે અહીં જણાવામાં આવ્યા છે.

સ્ક્રબઃ મલાઇકા અરોરા મૃત ત્વચાને દૂર કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરે છે. આ સ્ક્રબ ઘરમાં રહેલી ચીજવસ્તુઓથી જ બનાવે છે. કોફી પાવડરમાં બ્રાઉન સુગર અને કોપરેલ અથવા તો બદામનું તેલ ભેળવીને પેસ્ટ તૈયાર કરે છે. બ્રાઉન સુગર ન હોય તો સાદી સાકરને ઉપયોગમાં લઇ શકાય છે. આ પેસ્ટને ત્વચા પર લગાડી સુકાઇ જાય પછી હળવે હળવે ગોળાકારમાં રબ કરવી અને પછી પાણીથી ધોઇ નાખવું. આ સ્ક્રબને ફક્ત ચહેરા પર જ નહીં પરંતુ શરીરના કોઇ પણ હિસ્સામાં લગાડી શકાય છે.

તજનો માસ્કઃ મલાઇકાને પણ સમયાંતરે ત્વચાની નાની-મોટી સમસ્યાઓ સતાવે છે, જેનાથી છુટકારો પામવા માટે તે તજનો પેક લગાડે છે. આ માટે તે તજના ભુકામાં એક ચમચી મધ અને એક ચમચી લીંબુનો રસ ભેળવી પેક બનાવે છે. જેને તે ચહેરા પર 15 મિનિટ સુધી લગાડી રાખીને ધોઇ નાખે છે. અઠવાડિયામાં તે આ પેક બે થી ત્રણ વખત ઉપયોગમાં લે છે.

એલોવેરા જેલઃ મલાઇકા એલોવેરા જેલનો ભરપુર ઉપયોગ કરે છે. આ માટે તેણે પોતાના ઘરમાં ઘણા પ્લાન્ટસ ઊગાડયા છે. એક વખત તેણે શેર પણ કર્યું હતું કે, બસ, એક એલોવેરાનો ટુકડો લો, તેના પર કાપ મુકો અને જેલ કાઢી લઇને ચહેરા પર લગાડો. થોડી વાર પછી ચહેરો ધોઇ નાખો સંપૂર્ણ દિવસ દરમિયાન તાજગી અનુભવાશે અને ત્વચા સ્મૂધ લાગશે.

અન્ય મહત્વની ટિપ્સ
તે ગ્લોઇંગ સ્કિન માટે ડાયટ અને વ્યાયામ પર પણ પૂરતો ભાર આપે છે. તેમજ ત્વચાને મુલાયમ રાખવા માટે તે મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ પણ કરે છે. ચહેરા પર પેક લગાડયા પછી અથવા તો સ્ક્રબ કર્યા પછી, ચહેરો ધોઇને મોઇશ્ચરાઇઝર લગાડવાનું ભૂલતી નથી. 49 વરસની વયે વાળની સુંદરતા જાળવી રાખવા માટે મલાઇકા ઘરમાં બનાવેલા તેલનો જ ઉપયોગ અઠવાડિયામાં એક વખત કરે છે.
સવારે ઉઠયા પછી તે વાળમાં આંગળીઓ ફેરવે છે જેથી રક્તસંચાર થાય છે. તેના અનુસાર, આમ દરેક વ્યક્તિએ કરવું જોઇએ. થોડા દિવસો કરવાથી પોતાને જ વાળ પર સારો પ્રભાવ જોવા મળશે. તેની આ પદ્ધતિ ઇનવર્સન મેથડના નામે સોશ્યલ મીડિયા પર વાયરલ છે.
વાળને મજબૂત, ચમકીલા અને મુલાયમ રાખવા માટે તે ઘરની બનાવટનું જ તેલ વાપરે છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, તે અઠવાડિયામાં એક વખત કોલ્ડ પ્રેસ્ડ કોકો ઓઇલ, ઓલિવ ઓઇલ અને કેસ્ટર ઓઇલને સપ્રમાણ માત્રામાં ભેળવે છે અને તેમાં મેથી દાણા અને લીમડો પણ મિક્સ કરીને એક શીશીમાં ભરી દે છે. આ મિશ્રણને થોડા દિવસો સુધી આમ જ રહેવા દે છે. દરેક પોષક તત્વો વ્યવસ્થિત રીતે મિક્સ થઇ જાય પછી વાળમાં સર્ક્યુલર મોશનમાં મસાજ કરે છે. લગાડતા પહેલા આ તેલને હુંફાળુ ગરમ કરવું. અઠવાડિયામાં એક વખત લગાડવાથી ફાયદો થાય છે.
આ તેલ વાળમાં લગાડયા પછી તેને 45 મિનિટથી એક કલાક રહેવા દઇ વાળ ધોઇ નાખવા. મલાઇકાએ દાવો કર્યો છે કે, અઠવાડિયામાં એક વખત આ તેલનો વાળમાં ઉપયોગ કરવાથી વાળ જાડા, ઘાટા અને લાંબા થવાની સાથે સાથે સુંદર દેખાય છે. અદાકારાએ અમ પણ કહ્યું છે કે, મેથી દાણામાં હાઇ પ્રોટીન હોય છે જે વાળ માટે ફાયદાકારક છે. તેમજ લીમડામાં સમાયેલા બીટા કેરોટિન અને હાઇ પ્રોટીન વાળને ખરતા અટકાવીને તેનો ગ્રોથ વધારે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter