મસ્તીથી મનાવો હોળીઃ રંગ છોડાવી ત્વચાને મુલાયમ રાખશે આ નુસખા

Tuesday 12th March 2019 04:40 EDT
 
 

હોળીનો તહેવાર નજીક છે અને માત્ર ભારતમાં જ નહીં દેશવિદેશમાં પણ હોળી ધૂળેટીનો તહેવાર લોકો મન મૂકીને ઉજવે છે. ઘણા લોકોને હોળી રમવી ખૂબ જ ગમતી હોય છે, પણ ત્વચા અને સૌંદર્ય બગડી જવાની બીકે તેઓ હોળી રમતાં ગભરાય છે. જોકે અહીં કેટલાક એવા નુસખા છે કે તમે આ વખતે હોળી રમતાં ડરશો નહીં. રંગ છોડાવવા માટેના ઘરેલુ નુસખાથી તમારી ત્વચાને વળી નુક્સાન પણ થશે નહીં. હોળી રમ્યા પછી ઘરેલુ લેપ કે લોશનથી તમારી ત્વચાને ફરીથી નિખારી શકશો.

  • તમારી રંગથી ભરેલી ત્વચા પરથી રંગ છોડાવવા માટે પહેલાં તો વેસેલિન કે કોલ્ડ ક્રિમ ત્વચા પર લગાવો. તેની હળવા હાથે માલિશ કરતા રહો. વેસેલિન કે કોલ્ડ ક્રિમની જગ્યાએ તમે કાચા દૂધ, મલાઈ, દિવેલ, કોપરેલ અથવા તલના તેલનો ઉપયોગ પણ કરી શકો. એ પછી ક્લિન્સિંગ મિલ્કથી ત્વચાને સાફ કરો અને નહાઈ લો.
  • જો રંગ કોરેકોરો જ માથામાં ભર્યો હોય તો ટેલ્કમ પાઉડર માથામાં ભરી દેવો અને માથું હળવે હાથે ખંખેરી નાંખો. એ પછી માથામાં દિવેલ કે કોપરેલ નાંખવું. એ પછી માથું સાદા પાણીથી ધોયા પછી શેમ્પુ અને કંડિશનર કરવા. જોકે તમારા માથાને સ્કાલ્પને શું સૂટ કરે છે એ પ્રમાણે આ નુસખા અજમાવવા.
  • જો માથામાં રંગ હોય અને એ પછી તે ભીનું થયું હોય તો બેઠેલા રંગને ઉતારવા માટે કોરેકોરું માથું ન ધોવું. પહેલાં કોપરેલ તેલ અથવા દિવેલની માથામાં માલિશ કરવી. એ પછી હુંફાળા પાણીથી માથું ધોવું.
  • શરીર પરથી રંગ દૂર કરવા ચણાનો લોટ, લીંબુ અને દૂધની પેસ્ટ બનાવીને શરીર પર લગાવવું. રંગથી ભરાઈ ગયેલી ત્વચા પર આ મિશ્રણ. પંદર-વીસ મિનિટ સુધી રહેવા દીધા બાદ હુંફાળા પાણીથી ત્વચા ધોઈ લો.
  • જવનો લોટ અને બદામનો ભૂકો ભેળવીને તેને ત્વચા પર લગાવવી તેનાથી ત્વચા સાફ કરો.
  • થોડાક કાચા પપૈયાને દૂધની અંદર પીસીને મુલતાની માટી અને થોડુંક બદામનું તેલ મેળવીને ચહેરા અને હાથ પર લાગવો ત્યાર બાદ અડધા કલાક બાદ ચહેરાને ધોઈ લો.
  • સંતરાની છાલ, મસૂરની દાળ તેમજ બદામને દૂધની અંદર પીસીને પેસ્ટ બનાવી લો અને તે શરીર પર રગડીને નહાઈ લો. રંગ સાફ થઈને ત્વચા નિખરી ઉઠશે.
  • કાકડીનો રસ, ગુલાબજળ અને એક ચમચી વિનેગરનું મિશ્રણ બનાવો. તેનાથી મોઢું ધોવાથી રંગ સાફ થઈ જશે.
  • જો રંગ વધારે પડતો ડાર્ક હોય અને તે ઉતરતો ન હોય તો બે ચમચી જીંક ઓક્સાઈડ અને બે ચમચી કેસ્ટર ઓઈલ મેળવીને લેપ બનાવો અને તેને ચહેરા પર લાગાવો. વીસ-પચીસ મિનિટ બાદ સાબુ અને સ્પંજથી રગડીને ચહેરાને ધોઈ લો.
  • બે ચમચી મિલ્ક પાવડર, થોડાક હાઈડ્રોજન પેરોક્સાઈડની પેસ્ટ બનાવીને તેમાં થોડાક ટીપા ગ્લિસરીન નાંખો આ બધું ભેળવીને પંદર- વીસ મિનિટ સુધી ત્વચા પર લગાવીને ત્વચા ધોઈ લો.
  • આ સિવાય એક વાતનું ખાસ ધ્યાન રાખો કે રંગ ભલે સાબુથી નીકળે કે ઉપર આપેલા ઉપાયોથી પરંતુ નહાયા બાદ ચહેરા પર મોઈશ્ચરાઈઝર અવશ્ય લગાવો. જો તે ન હોય તો કેસ્ટર ઓઈલ અને ગ્લિસરીનના ટીપા લઈને વિટામીન ઈની બે કેપ્સુલ તેની અંદર તોડીને નાંખો અને એ મિશ્રણ ચહેરા પર લગાવો. આનાથી ત્વચા રૂક્ષ થવાથી બચી જશે.
  • આ ઉપરાંત ઉપરોક્ત ચીજોમાંથી જો કોઈ તમારી ત્વચાને માફક ન આવતું હોય તો તેના માટે સ્કિન સ્પેશ્યાલિસ્ટની સલાહ લઈને તેનો ઉપયોગ કરવા હિતાવહ રહેશે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter