મહિલાઓનાં હાડકાંને નબળાં પાડતો રોગઃ ઓસ્ટિયોપોરોસિસ

Wednesday 26th August 2026 08:48 EDT
 
 

સ્ત્રીઓને પોતાના જીવનમાં સ્વાસ્થ્યને લઈને અનેક પડકારોનો સામનો કરવો પડે છે. એમાંની એક ગંભીર સમસ્યા જો કોઈ હોય તો એ ઓસ્ટિયોપોરોસિસ છે, જે શરીરને નબળું પાડવાનું કામ કરે છે. ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાની નબળાઈ, જેમાં હાડકાં પોલાં થઈ જાય છે. આ રોગમાં હાડકાંની ઘનતા એટલી ઘટી જાય છે કે તે અંદરથી પોલાં અને બરડ બની જાય છે, જેનાથી સામાન્ય ઠોકર લાગતાં પણ ફ્રેક્ચર થવાનું જોખમ વધી જાય છે. આધુનિક લાઇફસ્ટાઈલને કારણે મહિલામાં ઓસ્ટિયોપોરોસિસનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે. જો થોડું ધ્યાન રાખવામાં આવે અને જીવન શૈલીમાં પરિવર્તન કરવામાં આવે તો ઓસ્ટિયોપોરોસિસને થતો અટકાવી શકાય છે.

મહિલાઓમાં કેમ વધુ જોવા મળે છે આ સમસ્યા?

વૈજ્ઞાનિક દૃષ્ટિએ જોઇએ તો, પુરુષો કરતાં મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. તેનાં મુખ્ય ત્રણ કારણો છેઃ
1) મેનોપોઝઃ મહિલાઓના શરીરમાં ‘ઇસ્ટ્રોજન’ હોર્મોન હાડકાંનું રક્ષણ કરે છે. માસિક ધર્મ બંધ થયા પછી આ હોર્મોન ઘટવાથી હાડકાં ઝડપથી ઘસાવા લાગે છે. જેથી આ સમસ્યા સર્જાય છે.
2) શારીરિક બાંધોઃ કુદરતી રીતે જ મહિલાઓનાં હાડકાં પુરુષો કરતાં પાતળાં અને નાનાં હોય છે.
3) જીવનચક્રઃ ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમિયાન જો માતાના આહારમાં કેલ્શિયમ ખૂટે, તો બાળક તેની જરૂરિયાત માતાનાં હાડકાંમાંથી પૂરી કરે છે, જે લાંબા ગાળે માતાને નબળી પાડે છે.

આ રોગનાં લક્ષણો ક્યા?

આ રોગને ‘સાયલન્ટ ડિસીઝ’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તે શરૂઆતમાં દુખાવો નથી આપતો, પણ સમયના વહેવા સાથે તે સમસ્યારૂપ બની રહે છે. આથી જ જો શરીરમાં અમુક પ્રકારના ફેરફારો દેખાય તો સાવધ થઈ જવું જોઈએ. જેમ કે, કરોડરજ્જુના મણકા નબળા પડવાથી કમરમાં સતત દુખાવો રહેવો. સમય જતાં કદ થોડું નીચું થતું જણાય અથવા શરીર આગળની તરફ નમી જાય. વારંવાર ફ્રેક્ચર થવું, ખાસ કરીને કાંડા, થાપા કે કરોડરજ્જુનાં હાડકાં સામાન્ય દબાણથી પણ તૂટી જવાં. હાથથી વસ્તુઓ પકડવામાં મુશ્કેલી પડવી કે નખ વારંવાર તૂટી જવા. આ બધા ઓસ્ટિયોપોરોસિસના લક્ષણો છે.

આ રોગનું નિવારણ શું? અને ઉપાય ક્યા?

ઘણા લોકો માને છે કે ઓસ્ટિયોપોરોસિસની બીમારીને અટકાવવી શક્ય નથી, પરંતુ આ વાત સાચી નથી. હાડકાંની નબળાઈને રોકવી અથવા તેને નિયંત્રિત કરવી શક્ય છે. તેના માટે નીચે મુજબનાં પાસાંઓ પર ધ્યાન આપવું જરૂરી છેઃ
• આહારમાં ‘સુપર ફૂડ્સ’ને સ્થાન
ઓસ્ટિયોપોરોસિસને અટકાવવા કે હાડકાંને મજબૂત બનાવવા માત્ર કેલ્શિયમની ગોળીઓ લેવી પૂરતી નથી. કુદરતી સ્રોત વધુ અસરકારક છે. જેમ કે, રોજિંદા ભોજનમાં દૂધ, દહીં અને પનીર જેવી ડેરી પ્રોડક્ટ્સ સામેલ કરો. તે કેલ્શિયમના શ્રેષ્ઠ સ્રોત છે. શાકાહારી મહિલાઓ માટે રાગી વરદાન સમાન છે. તેમાં પુષ્કળ કેલ્શિયમ હોય છે, તેથી રાગીને આહારમાં સામેલ કરવી જોઈએ. રોજ એક ચમચી સફેદ તલ અને બદામ-અખરોટ ખાવાથી હાડકાંને જરૂરી ખનીજો મળે છે. પાલક, બ્રોકોલી અને મેથીમાં વિટામિન-K અને કેલ્શિયમ હોય છે.
• વિટામિન-Dનું પૂરતું પ્રમાણ
શરીરમાં વિટામિન-Dનું પ્રમાણ પૂરતું હોવું જરૂરી છે કારણ કે વિટામિન-D વગર કેલ્શિયમ શરીરમાં શોષાતું નથી. આપણે સહુ જાણીએ છીએ તેમ વિટામિન-Dનો સૌથી સારો કુદરતી સ્રોત છે સૂર્યપ્રકાશ. દિવસમાં ઓછામાં ઓછી 15-20 મિનિટ સવારના કુમળા તડકામાં બેસવું જોઈએ. જો રિપોર્ટમાં ઊણપ જણાય, તો ડોક્ટરની સલાહ મુજબ વિટામિન-Dના સપ્લિમેન્ટ્સ પણ લેવા જોઈએ
• એક્સરસાઇઝનું આગવું મહત્ત્વ
આપણાં હાડકાંને મજબૂત કરવા માટે ‘રેઝિસ્ટન્સ ટ્રેનિંગ’ અથવા વજન ઉપાડવાની કસરતો અત્યંત જરૂરી છે. જ્યારે તમે હળવું વજન ઉપાડો છો કે ઝડપથી ચાલો છો, ત્યારે તમારાં હાડકાં પર જે દબાણ આવે છે તે નવા બોન સેલ્સ બનાવવામાં મદદ કરે છે. યોગ અને પ્રાણાયામ માનસિક શાંતિની સાથે શારીરિક સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. તેથી નિયમિત વ્યાયામ કરો.
• લાઇફસ્ટાઇલમાં ફેરફાર
ભોજનમાં નિયત માત્રા કરતાં વધુ મીઠાનું સેવન ટાળો. વધુ પડતું મીઠું શરીરમાંથી કેલ્શિયમને પેશાબ વાટે બહાર ફેંકી દે છે. આ જ રીતે વધુ પડતી ચા, કોફી કે સોડા પીવાનું ટાળો, કારણ કે તે હાડકાંને પોલાં કરી નાંખે છે. 35-40 વર્ષની ઉંમર પછી એકવાર બોન ડેન્સિટી ટેસ્ટ અવશ્ય કરાવી લેવો જોઈએ, જેથી હાડકાંની સ્થિતિ જાણી શકાય.
બહેનો આખા ઘર - પરિવારની જવાબદારી સંભાળે છે, પરંતુ પોતાના સ્વાસ્થ્યને હંમેશાં છેલ્લા સ્થાને રાખે છે. હંમેશા યાદ રાખો કે ઓસ્ટિયોપોરોસિસથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો જાગૃતિ છે. જો તમે આજે તમારા આહાર-વિહાર અને વ્યાયામ પર ધ્યાન આપશો, તો તમે વૃદ્ધાવસ્થામાં પણ આત્મનિર્ભર અને સક્રિય રહી શકશો. મજબૂત હાડકાં એ માત્ર શારીરિક જરૂરિયાત નથી, પણ તમારા આત્મવિશ્વાસનો પાયો છે એ ન ભૂલો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter