મહિલાઓનાં હાડકાંને નબળો પાડતો વ્યાધિ ઓસ્ટિઓપોરોસીસ

Wednesday 13th July 2022 08:31 EDT
 
 

ઉંમર વધવાની સાથે શરીરમાં wear & tearની પ્રોસેસ પણ થાય છે. એમાં પણ ખાસ કરીને મહિલાઓમાં કેલ્શિયમ, વિટામિન-ડી અને અન્ય માઈક્રો ન્યુટ્રીયન્સની ઉણપના કારણે હાડકાં અને સાંધાની સમસ્યા વધુ હોય છે.

શું છે ઓસ્ટિઓપોરોસીસ?
ઓસ્ટિઓપોરોસીસ શબ્દને બે ભાગમાં વિભાજિત કરીએ તો ઓસ્ટિઓ એટલે હાડકાંને લગતું, પોરોસીસ એટલે બરડ થવું. સાદી ભાષામાં આ રોગમાં હાડકાંનું ધોવાણ થાય છે અને નબળાં પડી જાય છે. પરિણામે સામાન્ય પડી જવાથી, ઝટકો લાગવાથી હાડકાંમાં ફ્રેક્ચરની સમસ્યા થઈ જાય છે.
શરીરના દરેકે દરેક હાડકાંમાં આંતરિક ઘટકો બદલાતા રહે છે, રોજ થોડો ભાગ નાશ પામે છે અને નવો બને છે. આ એક સતત ચાલતી પ્રક્રિયા છે, નીચે જણાવેલાં અમુક કારણોથી વધતી ઉંમર સાથે હાડકાંના ઓસ્ટિઓક્લાસ્ટ સેલની એક્ટિવિટી વધવાથી આ સમસ્યા થાય છે.
ઓસ્ટિઓપોરોની સંખ્યા પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા સ્નાયુ અને હાડકાંના આધારભૂત ઘટકો ઘટવાથી દુખાવાથી લઈ ફ્રેક્ચર સુધીની અનેક સમસ્યાઓ ઊભી થાય છે.

કોને આ બીમારીની શક્યતા વધુ?
ઓસ્ટિઓપોરોસીસ કોઈ પણ વ્યક્તિને થઈ શકે છે, પરંતુ પ્રેગ્નન્સી, સ્તનપાન કરાવતી મહિલાઓ, 50 વર્ષ પછીની ઉંમરની મેનોપોઝલ મહિલાઓ, સ્ટીરોઈડ્સ અને કીમોથેરાપી લેતા દર્દી, નિષ્ક્રિય જીવનશૈલી, આજકાલની લાઈફસ્ટાઈલમાં ખાસ કરીને મહિલાઓ નહીંવત્ સૂર્યપ્રકાશમાં નીકળે છે અથવા સનસ્ક્રીન લગાવીને જાય છે, જેથી વિટામિન-ડી પૂરતું મળતું નથી. જંકફૂડનું સેવન, ડાયાબિટીસ અથવા આનુવંશિકતા જવાબદાર પરિબળો છે. હાલ ડાયટિંગ અને ઝડપભેર વજન ઘટાડવાની લ્હાયમાં સ્ત્રીઓ પૂરતાં પોષકતત્ત્વોયુક્ત ખોરાક લેતી નથી જેથી યોગ્ય પ્રમાણમાં વિટામિન-ડી અને કેલ્શિયમ મળતાં નથી.
આ સમસ્યાના નિદાન માટે બોન મિનરલ ડેન્સિટી - DEXA Scan ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ ટેસ્ટમાં સુરક્ષિત દર્દરહિત પરીક્ષણ કરી શકાય છે.
આ બીમારીથી બચવા શું કરવું જોઇએ?
શક્ય હોય ત્યારે કુમળા તડકામાં થોડોક સમય પસાર કરો. તડકો વિટામિન-ડીનો કુદરતી સ્ત્રોત છે. આ ઉપરાંત શરીરમાં હાડકાં અને તેની સાથેના સ્નાયુની મજબૂતાઈ માટે નિયમિત કસરત કરવી જરૂરી છે. કેલ્શિયમ અને વિટામિન-ડીયુક્ત ખોરાક જેમ કે, દૂધ અને દૂધની બનાવટ, લીલાં શાકભાજી, જામફળ, નારંગી, તલ તેમજ જેમાં પ્રચુર માત્રામાં પ્રોટીન કે તેવાં કઠોળ, સોયાબીન, ખજૂર વગેરે પોતાની દિનચર્યામાં ઉમેરવા જોઇએ. આ ઉપરાંત કેલ્શિયમની ઉણપ ધરાવતા લોકો ડોક્ટરની સલાહ મુજબ ગોળી સ્વરૂપે સપ્લિમેન્ટ લઈ શકે છે.
ઓસ્ટિઓપોરોસીસ થવાનું જોખમ ધરાવતી મહિલાઓએ અમુક સમયાંતરે કેલ્શિયમ, વિટામિન-ડી અને જરૂર હોય તો DEXA Scan કરાવવું જોઈએ. આનાથી તમે હાડકાં બરડ થવાની સમસ્યામાંથી બચી શકો છો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter