માઉન્ટ એવરેસ્ટ પર આરોહણ કરનાર પ્રથમ મહિલા : બચેન્દ્રી પાલ

પ્રથમ ભારતીય નારી

- ટીના દોશી Wednesday 27th March 2024 06:32 EDT
 
 

સંસ્કૃતમાં દેવગિરિ, તિબ્બતીમાં ચોમોલંગમા અને નેપાળીમાં સાગરમાથા.....ત્રણેય નામનો અર્થ અનુક્રમે દેવોનો પર્વત, બ્રહ્માંડની દેવી અને આકાશની દેવી થાય છે. મજાની વાત એ છે કે ત્રણેય ભાષામાં જુદો અર્થ હોવા છતાં એનો એક જ અર્થ થાય છે : માઉન્ટ એવરેસ્ટ...દરિયાઈ સપાટીથી અંદાજે ૨૯,૦૨૯ ફીટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો પર્વત !
આ માઉન્ટ એવરેસ્ટને સર કરવું એ પ્રત્યેક પર્વતારોહકનું સ્વપ્ન હોય છે.આવા પર્વતારોહીઓમાં એક બચેન્દ્રી પાલ પણ છે. ૨૩ મે ૧૯૮૪ના બપોરે એક વાગીને સાત મિનિટે બચેન્દ્રી પાલે એવરેસ્ટના શિખરે પહોંચીને ત્રિરંગો ફરકાવ્યો. બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ પર પહોંચનાર પ્રથમ ભારતીય મહિલા હતી ! ભારતને ગૌરવ અપાવનાર બચેન્દ્રી પાલનું પણ ગૌરવ કરાયું. દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી ૧૯૮૪માં એને પુરસ્કૃત કરાઈ, ૧૯૮૬માં અર્જુન પુરસ્કારથી પુરસ્કૃત કરાઈ અને ૨૦૧૯માં દેશના ત્રીજા સર્વોચ્ચ સન્માન પદ્મભૂષણથી નવાજવામાં આવી.
પર્વતારોહણના ઇતિહાસમાં ભારતનું નામ રોશન કરનાર બચેન્દ્રી પાલનો જન્મ ૨૪ મે ૧૯૫૪ના તત્કાલીન ઉત્તર પ્રદેશ અને વર્તમાન ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના નાકુરીમાં પહાડોના ખોળે થયેલો. માતા હંસાદેવી. પિતા કિસનસિંહ પાલ એક સરહદી વ્યાપારી હતા, જે ભારતથી તિબેટ કરિયાણું પૂરું પાડતા. બચેન્દ્રીનું પ્રાથમિક શિક્ષણ સરકારી શાળામાં થયું. સ્નાતક અને અનુસ્નાતક થયા પછી બી.એડ. કર્યું. પણ બચેન્દ્રી કાંઈક અનોખું કરવા ઉત્સુક હતી.. બાર વર્ષની ઉંમરે બચેન્દ્રી શાળાની પિકનિક દરમિયાન પહેલી વાર ચારસો મીટરની ઊંચાઈએ આવેલા એક પર્વતનું આરોહણ કરી ચૂકેલી. એ પહાડ ચડતી ગઈ, પણ શિખરે પહોંચતાં સાંજ પડી ગયેલી. પાછા ફરવામાં ખબર પડી કે અંધારામાં ઊતરવું અઘરું પડશે. રાત્રિરોકાણ માટે કોઈ વ્યવસ્થા નહોતી. સામાન કે સરંજામ નહોતો, એટલે ભોજન અને તંબૂ વિના ખુલ્લા આકાશ હેઠળ રાત ગાળીને સવારે નીચે ઊતરી ગઈ.આ ઘટના પછી બચેન્દ્રીને વિચાર આવેલો કે પોતે અચ્છી પર્વતારોહક બની શકે એમ છે !
આ વિચાર બચેન્દ્રીએ અમલમાં મૂક્યો. નેહરુ ઇન્સ્ટીટયુટ ઓફ માઉન્ટેનિયરિંગમાં પ્રવેશ મેળવ્યો. પરિવારના વિરોધ વચ્ચે પર્વતારોહક બનવા કમર કસી ૧૯૮૨માં ગંગોત્રી અને રુદુગૈરાનું ચડાણ કર્યું. આ કેમ્પમાં બ્રિગેડિયર જ્ઞાનસિંહે બચેન્દ્રીને પ્રશિક્ષક તરીકેની પહેલી નોકરી આપી. બચેન્દ્રી એક પછી એક સફળતાનાં શિખર સર કરતી ગઈ. ૧૯૮૪માં ભારતનું ચોથું એવરેસ્ટ અભિયાન શરૂ થયું. આ અભિયાનમાં બચેન્દ્રી સહિત સાત મહિલા અને અગિયાર પુરુષોનો સમાવેશ કરવામાં આવ્યો. એવરેસ્ટ આરોહણ માટે સઘન તાલીમ આપવામાં આવી.
૭ માર્ચ ૧૯૮૪.... એવરેસ્ટ પર ચડાઈ કરનારી ટુકડી દિલ્હીથી હવાઈ જહાજ મારફત કાઠમંડુ જવા નીકળી પડી. નેપાળ પહોંચ્યા પછી ગણતરીના દિવસોમાં એવરેસ્ટ અભિયાન શરૂ થયું. અભિયાનનું પહેલું ચરણ બેઝ કેમ્પ હતું. બેઝ કેમ્પથી સફર શરૂ થઈ ત્યારે જ ચેતવણી આપવામાં આવેલી કે શિખરે જનારને ખરાબ હવામાનમાં દક્ષિણ-પૂર્વી તોફાનનો સામનો કરવો પડે છે. આ બાબતને ધ્યાને રાખીને અભિયાનનો આરંભ થયો.
આખરે કેમ્પ એક પર પહોંચ્યાં. ૯૯૦૦ ફીટની ઊંચાઈએ. બીજે દિવસે બીજા કેમ્પ ભણી પ્રયાણ કર્યું. ૨૧,૩૦૦ ફીટની ઊંચાઈએ આવેલી બીજી છાવણીએ પહોંચ્યા પછી ૨૪,૫૦૦ ફીટની ઊંચાઈએ ત્રીજી છાવણીએ. ઊંચાઈએ પહોંચવાની સાથે ઠંડી પણ ખૂબ વધી ગઈ. કેટલાંકને તો શ્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી. પરેશાનીનો સામનો તો બચેન્દ્રી પાલે પણ કરવો પડ્યો, પણ એણે હાર ન માની. ૨૬,૦૦૦ ફીટની ઊંચાઈએ આવેલી ચોથી છાવણી સુધી પહોંચતાં તો ટુકડીની તમામ મહિલાએ હથિયાર હેઠાં મૂક્યાં, એકમાત્ર બચેન્દ્રી સિવાય. બચેન્દ્રી પાલ એવરેસ્ટ સર કરનાર વિશ્વની પાંચમી મહિલા અને ભારતની પ્રથમ મહિલા બની. બચેન્દ્રી પહેલાં આ ચાર મહિલાએ એવરેસ્ટ સર કરેલું. ૧૬ મે ૧૯૭૫ના જાપાનની જન્કો તાબેઈ, ૨૭ મે ૧૯૭૫ના ચીનની મિસ ફન્તોગ, ૧૬ ઓક્ટોબર ૧૯૭૮ના પોલેન્ડની વાંડા રુત્કીવિત્ઝ અને ૨ ઓક્ટોબર ૧૯૭૯ના પશ્ચિમ જર્મનીની હન્નેલોર શામાત્ઝ.....આ યાદીમાં ૨૩ મે ૧૯૮૪ના દુનિયાની પાંચમી અને દેશની પહેલી મહિલા તરીકે નામ નોંધાવીને ભારતનું ગૌરવ વધારનાર બચેન્દ્રી પાલ વિશે ‘મન હોય તો માળવે જવાય’ કહેવતમાં થોડો ફેરફાર કરીને એમ આખી શકાય કે મન હોય તો માઉન્ટ એવરેસ્ટ ચડાય... !


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter